તમારામાં ક્રીએટીવીટીનો કીડો છે?

are you creative.jpg

તમારામાં ક્રીએટીવીટીનો કીડો છે?

આ લોકડાઉનના સમયમાં દરેક વ્યક્તિ પોતાની અંદરની આવડતને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ ગીત ગાય છે, કોઈ કવિતાઓ સંભળાવે છે, કોઈ રસોઈ પર હાથ અજમાવે છે, કોઈ એક્ટિંગ કરે છે, કોઈ નવા કોર્ષ શીખે છે, કોઈ લખવાનું શરુ કરે છે, કોઈ યુટ્યુબ ચેનલ શરુ કરી દે છે તો વળી કોઈ તો કઈ જ ન કરવાનું અને આરામ કરવાને ક્રિએટીવીટી માને છે. આ સમયમાં તમે શું કરી રહ્યા છો? અને જો તમે ચેમ્પિયનની હરોળમાં આવવા માંગતા હો તો તમારે શું કરવું જોઈએ? આજના સિક્રેટમાં જીવનમાં ક્રિએટીવીટીનું મહત્વ શું છે અને તમે કેવી રીતે ક્રિએટીવીટી કેળવી શકશો તેની વાત કરવી છે. તો શરુ કરીએ:

૧ એવરેજ અને ચેમ્પિયનનો તફાવત

એવરેજ લોકોને હંમેશા પ્રખ્યાતીની પાછળ દોડવું હોય છે. તેઓ માટે પ્રતિષ્ઠા, ધન-સમૃદ્ધિ સૌથી મહત્વની બાબત હોય છે. તેઓ આ બધું જ હાંસિલ કરવા માટે અનેક રસ્તાઓ અપનાવી લે છે. જો કે વર્લ્ડ ક્લાસ લોકો થોડા અલગ હોય છે. તેને ખબર છે કે જો તેની પાસે સારા આઈડિયાઝ હશે તો બાકીનું બધું તો આપોઆપ મળી જશે. તેથી જ ચેમ્પિયન ક્રિએટીવીટી અને આઈડીયાઝની પાછળ ભાગે છે. તેઓ માટે નવા આઈડિયાઝ, કંઈક નવું શીખતું રહેવું આ બધું જ વધારે મહત્વનું છે. તેથી હવે તમારી માનસિકતા કર્મ એટલે કે ક્રિએટીવીટી પર રાખો અને ફળ એટલે કે તમારી ઇચ્છાઓને આપોઆપ આવવા દો.

૨ રસ્તાઓ

તમને ક્યારેય એવો પ્રશ્ન થયો કે આઈડિયાઝ ક્યાંથી આવે છે? એક પુસ્તકના મતે તો કોઈપણ આઈડિયા ઓરીજીનલ હોતો જ નથી. દરેક આઈડિયા કોઈએ અને ક્યારેક વિચારેલો જ હોય છે. ફર્ક માત્ર એટલો છે કે જયારે તમે એ આઈડિયાને અમલમાં લાવો ત્યારે તમારું પોતાનું અલગ એલિમેન્ટ તેમાં ઉમેરાઈ જાય છે. ચેમ્પિયનને આઈડિયા ઘણી જગ્યાએથી મળી જાય છે. જેમ કે તેઓ બાળકો સાથે સમય વિતાવે છે. તેને ખબર છે કે બાળકોમાં જેટલી જીજ્ઞાસા વૃતિ છે તેટલી બધા લોકોમાં હવે જોવા મળતી નથી. તેથી તેઓ તેની વાતો અને પ્રવૃતિઓમાંથી પણ શીખે છે. ચેમ્પિયનની માનસિકતા ધરાવતા લોકોનો દ્રષ્ટિકોણ જ અલગ હોય છે. તેઓને આઈડિયાઝ મેળવવા માટે સતત પ્રશ્નો પૂછતા રહે છે. – દરેક વસ્તુને, વ્યક્તિને, પોતાની જાતને અને પરિસ્થિતિને. જેથી કરીને તેની સામે ક્રિએટીવીટીની મશાલ ધીમે ધીમે મોટી થતી જાય છે.

દરેક વ્યક્તિને અલગ અલગ પ્રવૃત્તિથીઓ પ્રેરણા અને ક્રિએટીવ આઈડીયાઝ મળે છે. તમારે તમારો રસ્તો શોધવાનો છે. તમારી નોકરીના અનુભવો, શાળાના અનુભવો, કોલેજના અનુભવો, ધંધાના અનુભવોને યાદ કરો. કઈ રીતે તમે કંઇક નવું સર્જન કરી શક્યા હતા? તમે કયો રસ્તો અપનાવ્યો હતો? કયો રસ્તો અપનાવી શકો તેમ છો? આ બધું જ વિચારો.

હજુ એક મસ્ત રસ્તો છે – જેને નિરિક્ષણ અથવા તો ઓબ્ઝર્વેશન કહી શકાય. તમે તમારી આસપાસના લોકો અને પરિસ્થિતિને જેટલું ઊંડાણપૂર્વક જોશો તેટલું તમને કંઈક નવું ને નવું મળતું જ રહેશે. તેથી નિરીક્ષણ કરતું રહેવાનું ક્યારેય ન ચૂકો.

૩ માનસિકતા

જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો અમુક માનસિકતાઓ બદલાવી નાખો. જેમ કે તમારા વિચારો પ્રત્યે અને એક્શન પ્રત્યે હંમેશા સજાગ રહો. તમે કેટલીવાર નકારાત્મક વિચારો છો, કેટલીવાર કામ કરવાનું ટાળો છો, તમને કઈ પ્રવૃત્તિ કરવાની સૌથી વધુ મજા આવે છે અને કઈ પ્રવૃત્તિમાં તમે કંટાળી જાવ છો – આ બધી જ બાબતે સજાગ બની જાવ. તમારી સજાગતા જ તમને ધ્યેય સુધી લઇ જશે. તેમજ ક્રિએટીવ આઈડીયાઝ લાવવામાં પણ મદદ કરશે.

હા, પણ એક વાત યાદ રાખજો – જો તમને ધનવાન બનવાને બદલે આખો દિવસ બેસીને ટીવી જોવામાં જ રસ હોય તો ચેમ્પિયન બનવાનું સપનું ભૂલી જજો. કારણ કે ચેમ્પિયન બનવું એ કઈ સરળ કામ નથી. તમારે તેના માટે મહેનત, સ્વશિસ્ત અને કંઇક કરી છૂટવાની ભાવના ઉજાગર કરવી પડશે.

ફૂડ ફોર થોટ

તમારામાં ક્રિએટીવીટીનો કીડો છે કે નહી તે જાણવું છે? તમારી જાતને ગમતી પ્રવૃતિઓનું એક લીસ્ટ બનાવો. ત્યારબાદ અત્યાર સુધીમાં તમે કેટલા ક્રિએટીવ આઈડિયાઝ પર કામ કર્યું તેનું એક લીસ્ટ બનાવો. ત્યારબાદ તમારી જ જાતને એક થી દસ વચ્ચે નંબર આપો. તમે કેટલા ક્રિએટીવ છો તેનો જવાબ મળી જશે. તેમજ હવે તમારે શું કરવાની જરૂર છે તે પણ ખબર પડી જશે.

 

આભાર

દર્શાલી સોની