ડર એટલે શું? ડર કેવા પ્રકારના હોય? આપણને ડર શા માટે લાગે છે? શું આપણે ડરથી ડરવું જોઈએ? ડરનો સામનો કરવા શું કરવું જોઈએ? – આવા અનેક પ્રશ્નોના જવાબ આજના સિક્રેટમાં જાણીશું. સૌથી પહેલા તો એ સમજી લઈએ કે ડર એટલે શું? – ડર એટલે નાના બાળકો કે પછી મોટેરાઓ ગરોળી જોઇને ડરી જાય છે નથી. કે પછી ઘણા લોકો ઉંચાઈથી ડરી જાય તે પણ ડર નથી. હા, એ બધા એક રીતે ડર કહી શકાય પણ આજે આપણે આવા કોઈ ડરની વાત નથી કરવાના. આપણે વાત કરવાના છીએ મનના ડરની.
એવરેજ લોકો કોઈ પણ નવી પરિસ્થિતિ કે નવી ઘટનાથી બહુ જલ્દી ડરી જાય છે. જો તેને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કામ કરવાનું કહેવામાં આવે તો તેઓ ડરી જાય છે. તેઓ પીછે હઠ કરી લે છે. તેઓ પોતાના ડરને કાબૂ કરી શકતા નથી. ઉલટું તેઓનો ડર તેને કાબૂ કરવા લાગે છે. જો તમે આ એવરેજ લોકો જેવી માનસિકતા કેળવવા ન માંગતા હો તો ચેમ્પિયન ડર માટે કેવી માનસિકતા રાખે છે તે શીખી લો. તેમજ તમે પણ આ માનસિકતા અપનાવવાનું શરુ કરી દો. ચાલો જાણીએ ચેમ્પિયન કઈ રીતે ડરને ભગાડે છે?
- ચેમ્પિયન મદારી જેવા હોય છે. તે કોબ્રારૂપી ડરને પણ સામાન્ય સાપ માનીને તેનો સામનો કરે છે. અહી તમારે સમજવાનું એ છે કે તમારે ડર માટેની માનસિકતા બદલાવી નાખવાની છે. જે ડર હાલમાં તમને અંદરથી ખાઈ રહ્યો છે તે ડર ખરેખર એટલો મોટો હશે જ નહી. તમે તે ડરના કારણે તમારા મનમાં એવા વિચારો ઉભા કરી દીધા હશે.
- ચેમ્પિયન ડરને એક મોટીવેશન તરીકે જુએ છે. તે આવી કંઇક માનસિકતા અપનાવે છે – “જો હું આ ડરથી પાછો પડી રહ્યો છું તો મારે આ ડરનો સામનો કરવો જ જોઈએ.” તેઓ તેના ડર સાથે કોઈ ધ્યેયને જોડી દે છે. જેમ કે જો તેઓ જે-તે ડરને માત આપી દેશે તો તેનો ધ્યેય હાંસિલ કરી શકશે. આ રીતે તેઓ ડરને પણ મોટીવેશનમાં બદલાવી નાખે છે.
- તમારા અનકમ્ફર્ટઝોનને તમારો કમ્ફર્ટ ઝોન બનાવી દો. તમે જે પ્રવૃત્તિ કે ઘટનાથી ડરતા હો તેનો સામનો કરવાનું શરુ કરી દો. એક સમય એવો આવશે કે તે ડર જ તમને ગમતી પ્રવૃત્તિ બની જશે. જેમ કે તમને પબ્લિક સ્પીકિંગથી ડર લાગે છે. તો દરરોજ પબ્લિક સ્પીકિંગના ડરને દૂર કરવા માટે કામ કરવાનું શરુ કરી દો. લોકો સાથે વાતચીત કરો. નાની એવી સ્પીચ બનાવો – તેની પ્રેક્ટીસ કરો. એક સમય એવો આવશે કે તમને જે બાબતથી ડર લાગતો હતો તે જ પ્રવૃત્તિમાં તમે પાવરધા બની ગયા હશો. તેથી ડરથી ભાગો નહી – તેની સામે ઉભા રહીને તેનો સામનો કરો.
- ઘણા લોકો પરિસ્થિતિના ડરથી ડરતા હોય છે. તેઓના મનમાં એવો ડર હોય કે કોઈ પરિસ્થિતિ કે મુશ્કેલી આવશે તો? તેઓ જે-તે પરિસ્થિતિનો સામનો નહી કરી શકે તો? તેઓ મુશ્કેલીમાં હારી જશે તો? આવા માનસિક ડરથી પીડાતા હોય છે. ચેમ્પિયન આ ડરમાં પણ તેની માનસિકતા પર કામ કરે છે. તે મુશ્કેલી અને ડરને એક તક માની લે છે. તે ડરમાં પણ જીવન માણવાનું ભૂલતા નથી. તે પોતાની ડરની લાગણીને માણે છે. તે ડરનું વિશ્લેષણ કરે છે. ત્યારબાદ ડરનો સામનો કરીને તેને ભગાડી દે છે.
- સામાન્ય રીતે ડર બે પ્રકારના હોય છે – એક તો કાલ્પનિક ડર. જેમ કે મારું એકસીડન્ટ થઇ જશે તો? મને નોકરી નહી મળે તો? મારાથી નક્કી કરેલ સમયે કામ પૂરું નહી થાય તો? – આ બધા ડર માનસિક અને કાલ્પનિક હોય છે. તેથી આવા ડરનો સામનો કરવા માટે તમારા મનને પ્રેક્ટીકલ જવાબ આપો. નોકરી નહી મળે તો ધંધો શરુ કરી દઈશું. એકસીડન્ટ થઇ જશે તો દવાખાને જઈ આવશું. અથવા તો એકસીડન્ટ થાય જ શું કામ? – તમે તમારા મનના ડરને હકારાત્મક વિધાનો થકી પણ દૂર કરી શકો છો.
- બીજા પ્રકારનો ડર તમારા વિચારો સાથે જોડાયેલો છે. જે તમારી સાથે થયું નથી અને જે તમારી સાથે થવાનું નથી – તેવો ડર તમારા મનમાં ઘર કરી જાય છે. અથવા તો કોઈ ખરાબ અનુભવોને કારણે તમારા મનમાં અનેક પ્રકારના ડર ઉભા થઇ જતા હોય છે. આવા ડરનો સામનો કરવા માટે તર્કથી વિચારો. તમને જે બાબતનો ડર લાગતો હોય તેનો તમે સામનો કરશો તો શું પરિણામ આવશે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો. તેના પરથી તમારો ડર કેટલો ગંભીર છે તે તમને સમજાઈ જશે.
ફૂડ ફોર થોટ
તમારા નાનામાં ડરથી માંડીને તમારા મોટામાં મોટા ડરનું એક લીસ્ટ બનાવો. તમે તે ડરનો સામનો કઈ કઈ રીતે કરવા માંગો છો તેનું પણ એક લીસ્ટ બનાવો.