ટીમમાં કામ કરીએ તો  સફળતા પામીએ!

નવશિખીયા લીડર્સ એવા ભ્રમમાં જીવતા હોય છે કે - આખી દુનિયાની સામે તેઓ એકલા જંગ લડી રહ્યા છે. જયારે ચેમ્પિયન્સ તેની ટીમની મદદ લે છે. તેઓની ટીમ જ એવી હોય છે જે તેને સફળતા અને નિષ્ફળતા બંનેમાં સાથ આપે. તેઓને જયારે લાગણી અને પ્રોત્સાહનની જરૂર હોય ત્યારે ચેમ્પિયન્સની ટીમ હંમેશા તેઓને સાથ આપે છે. ચેમ્પિયન્સ પાસે બે પ્રકારની ટીમ હોય છે - એક ટીમ એવી હોય છે જે તેને સતત માર્ગદર્શન આપતી રહે છે. એક એવી ટીમ હોય છે કે સારા અને ખરાબ બંને સમયમાં ચેમ્પિયન્સને સાથ આપે. ચેમ્પિયન્સ જયારે માનસિક રીતે તૂટી જાય ત્યારે આ જ ટીમ તેને નકારાત્મક વાતાવરણમાંથી બહાર લાવવામાં મદદરૂપ થાય છે.

ગમે તેવો મહાન ચેમ્પિયન હોય તેને પણ ટીમની જરૂર તો પડે જ છે. ચેમ્પિયન્સનો સૌથી મોટો દુશ્મન છે: "બર્ન આઉટ". બર્ન આઉટ એક એવી માનસિક પરિસ્થિતિ છે જેમાં તમે હદ કરતા વધુ કામ કરતા હો ત્યારે એક સમયે તમારું મગજ પણ જવાબ આપી દે. તમે તણાવમાં આવી જાવ. તમારામાંથી ઉત્સાહ ગાયબ થઇ જાય. તમે કોઈપણ પ્રવૃત્તિ મન દઈને કરી ન શકો. આ "બર્ન આઉટ" માનસિકતામાંથી બહાર આવવા માટે એક જ રસ્તો છે - થોડા સમય માટે બધી જ પ્રવૃત્તિ કરવાનું બંધ કરી દો. તમારા મન અને મગજને આરામ આપો. 

મહાન લોકો તેના મિત્રો, કુટુંબીજનો અને ટીમ સાથે મહત્તમ સમય વ્યતિત કરે છે. તેથી જ તેઓ ભાગ્યે જ "બર્ન આઉટ" પરિસ્થિતિનો સામનો કરે છે. તેની ટીમ દ્વારા ચેમ્પિયન્સ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે વધુ મજબુત બને છે.

ફૂડ ફોર થોટ

એવા લોકોનું લીસ્ટ બનાવો જે તમને કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વગર પ્રેમ કરતા હોય. તે લોકો સાથે સંપર્કમાં રહેવાનું અને તેને નિયમિતપણે મળવા જવાનું નક્કી કરો.