જો જીતા વહી સિકંદર!
ક્યારેક કોઈએ એ કલ્પના કરી હતી કે એક ગુજરાતી નરેન્દ્ર મોદી દેશને ચલાવશે? ક્યારેક કલ્પના કરી હતી કે લાન્સ આર્મસ્ટ્રોંગને કેન્સર થયું હતું આમ છતાં તે બચી જશે? તમે કલ્પના કરી હતી કે ક્રિકેટર યુવરાજ સિંહ ફરીથી રમશે અને વર્લ્ડ કપ પણ જીતાડશે? - જવાબ હા પણ હોઈ શકે અને ના પણ.
સમજવાનું એ છે કે આ બધા જ લોકો એવા હતા કે જેણે પોતાની જાતને એવરેજમાંથી ચેમ્પિયન બનાવ્યા. તેના માટે કઈ જ અશક્ય નહોતું. તેઓ પાસે મજબુત મનોબળ અને કંઇક કરી છૂટવાની તમન્ના હતી. તેથી જ તો તેઓએ સફળતા હાંસિલ કરી. માની લો કે આ બધા જ લોકોએ પડકારોની સામે હાર માની લીધી હોત તો? તેઓએ સામાન્ય વ્યક્તિની જેમ રૂટીન જીવન જીવવાનું જ નક્કી કર્યું હોત તો? – તેઓ કદાચ ચેમ્પિયન ન બન્યા હોત. કદાચ તેઓ પાસેથી લોકો પ્રેરિત પણ ન થતા હોત.
તેઓમાં શું અલગ હતું? જે તમે પણ તમારી અંદર લાવી શકો છો? આજના સિક્રેટમાં હું તમારી સાથે ચેમ્પિયન બનવાના ફોર્મ્યુલા શેર કરીશ. તો શરુ કરીએ:
૧ ચેમ્પિયન સાથે ક્યારેય શરત ન લગાડાય.
શા માટે? તેઓનું પેશન. તેઓ કોઇપણ હાલતમાં પોતાના ધ્યેય સિદ્ધ કરીને જ રહેશે. તેઓને ધ્યેય હાંસિલ કરવા માટે કોઇપણ અડચણ રોકી શકશે નહી. તેઓ હારને સ્વીકારતા જ નથી. જો તેઓને હારનો સામનો કરવો પણ પડે તો તેઓ તેમાંથી કંઇક શીખીને આગળ વધી જાય છે. તેઓ નિરાશાને પોતાના પર હાવી થવા દેતા નથી. તેઓ મેન્ટલી ટફ હોય છે. તેની આ જ તો માનસિકતા તેને ચેમ્પિયન બનાવે છે.
૨ “હાર માની લેવી” – ડીકસનરીમાં આ શબ્દ તમને નહી મળે.
ચેમ્પિયનની ડીકસનરીમાં આ શબ્દ નથી હોતો. તેઓ હારને વિકલ્પ તરીકે માનતા જ નથી. તેઓ માટે હકારાત્મકતા અને સફળતા જ ધ્યેય હોય છે. તેઓ પોતાના ધ્યેયો અને વિઝનને હંમેશા ગંભીરતાથી લે છે. તેઓ ક્યારેય પીછે હઠ નથી કરતા. તેની સામે કોઈ સમસ્યા આવશે તો તેઓ બુદ્ધિથી કામ લેશે. જરૂર પડે તો સામ, દામ, દંડ અને ભેદનો પણ ઉપયોગ કરશે. ટૂંકમાં તેઓ કોઇપણ હાલતમાં હાર તો નહી જ માને. તમારી ડીકસનરીમાંથી પણ આ શબ્દ કાઢી નાખો.
૩ મનોબળ
અમેરિકન રેપર એમીનેમનું એક સુંદર ગીત છે. જેમાં એક લાઈન મને સૌથી વધુ ગમે છે – “મારી પાસે સફળતા અને નિષ્ફળતા એમ બે વિકલ્પો છે જ નહી. મારી પાસે એક જ વિકલ્પ છે – સફળતા.”
જયારે તમે નિષ્ફળતાને એક શક્યતા તરીકે જોતા જ નથી ત્યારે તમારું મનોબળ મજબુત થઇ જાય છે. હું એમ નથી કહેતી કે નિષ્ફળતા માટે તૈયાર ન રહો. તેના માટે તૈયાર રહો. પણ તમારું બધું જ ફોકસ સફળતા પર હોવું જોઈએ. તમારું ફોકસ હકારાત્મકતા પર હોવું જોઈએ.
અહી તમે મારી સામે બહાના રજૂ કરી શકો છો. જેમ કે – તમારી પાસે સમય નથી, નસીબ સારા નથી, તક નથી મળતી, ઘરમાં સમસ્યા છે, બોસ સમજતો નથી – આવા તો ઘણા બહાના હશે. આવા સમયે તમને હું એક જ જવાબ આપીશ – જો તમારે ખરેખર જીવનમાં આગળ વધવું છે હોય તો બધા બહાના છોડો. અમલ પર ધ્યાન આપો. આ બધું જ કરવા માટે તમારું મનોબળ સૌથી મહત્વનો ભાગ ભજવશે.
એક વાત યાદ રાખજો – દુનિયાને કોઈ ફર્ક નથી પડતો કે તમે જીવનમાં શું કરી રહ્યા છે? તમે સફળ છો કે નિષ્ફળ. તમારે જ તમારા જીવનનું રાજા બનવાનું છે. તમારે જ તમારી જાતને સંતોષ આપવા માટે અને સફળતા મેળવવા માટે કામ કરવાનું છે. ત્યારે જ તો તમે જીવનના સિકંદર બની શકશો.
ફૂડ ફોર થોટ
એક લીસ્ટ બનાવો. એવા ક્યાં સપનાઓ હતા કે જે તમે નબળા મનોબળને કારણે પડતા મૂકી દીધા હતા. હવે તે સપનાઓ પૂરા કરવા માટે તમે શું કરી શકો તેમ છો? તેના માટેનો તમારો એક્શન પ્લાન શું છે? સૌથી મહત્વની વાત – ક્યારથી શરુ કરો છો? શું તમે તમારા સપનાઓ અને ધ્યેયો હાંસિલ કરવા માટે તૈયાર છો? ક્યાં લોકો અને સાધનો તમને સપનાઓ પૂરા કરવા માટે મદદ કરી શકે તેમ છે?
આભાર
દર્શાલી સોની