જીવન રોકેટ સાયન્સ નથી!
તમે “કોમન સેન્સ” શબ્દ સાંભળ્યો હશે. નાનપણથી આપણને આ શબ્દ શીખવવામાં આવે છે. જો કે એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિમાં કોમન સેન્સ હોય જ. કોમન સેન્સનો અર્થ છે – સામાન્ય ગતાગમ. જીવન કેવું હોવું જોઈએ, લોકો કેવા હોવા જોઈએ. પોતાની જાત કેવી હોવી જોઈએ તેની સમજ હોવી એટલે કોમન સેન્સ.
એવરેજ લોકો અને ચેમ્પિયન બંને પાસે કોમન સેન્સ તો હોય જ છે. પણ ફર્ક એક જગ્યાએ પડે છે – કોમન સેન્સનો સાચો ઉપયોગ. એવરેજ લોકોની સામે જયારે કોઈ સમસ્યા આવે ત્યારે તેઓ સૌથી અઘરો ઉકેલ શોધવા નીકળી પડે છે. તેના મતે જીવન અઘરું છે. જીવનમાં આવતા લોકો અને સમસ્યાઓ પણ અઘરી છે. તેથી તેઓને નાનામાં નાનો પ્રશ્ન પણ સૌથી અઘરો લાગે છે. તે સમસ્યાનો ઉકેલ પાંચ મિનીટમાં લાવી શકાય તેમ હોય છે તેમાં તેઓ ૧ દિવસ કાઢી નાખે છે. તેઓ જીવનમાં કે સમસ્યામાં સરળતા જોઈ શકતા નથી. તેથી જ તેઓ ચેમ્પિયન બની શકતા નથી.
તેની સામે ચેમ્પિયન એક સૂત્ર તેના જીવનમાં હંમેશા અનુસરે છે – “મેક ઈટ સિમ્પલ”. સમસ્યા હોય, પરિસ્થિતિ હોય કે પછી વ્યક્તિ હોય – ચેમ્પિયન દરેક બાબતને સરળ બનાવી દે છે. તેના માટે જીવન એ કોઈ રોકેટ સાયન્સ નથી. જેમાં તમારે બહુ જ મગજ દોડાવીને જીવવું પડે. સમય જતા માનવીની માનસિકતા જ એવી થઇ ગઈ છે કે જીવનમાં બધું અઘરું લાગે. તેઓ માટે કોઈ વ્યક્તિ સાથે થયેલ રકઝક, કંપનીમાં ઉભી થયેલ મુશ્કેલી અથવા તો પોતાને થતા પ્રશ્નો – બધું જ અઘરું લાગે છે. તેઓને સરળતા કરતા અઘરામાં વધુ રસ છે.
જો કે ચેમ્પિયન આ માનસિકતાથી બહાર નીકળી ગયો હોય છે. તેની પાસે કોઈ સમસ્યા આવે ત્યારે તે સમસ્યામાં ભાગ લીધા વગર તે પ્રશ્નને એક ત્રીજા વ્યક્તિ તરીકે જુએ છે. જેથી કરીને તે એક નવો દ્રષ્ટિકોણ અપનાવી શકે. કારણ કે જયારે તમે સમસ્યાનો ભાગ નથી એવું માની લો છો ત્યારે વધુ સજાગતાથી અને કોમન સેન્સને ધ્યાનમાં લઈને વિચારી શકો છો.
એક પ્રખ્યાત વક્તા અને લેખક લેરી વિલ્સન કંઇક આવું કહેતા,
“ચેમ્પિયન કોઇપણ સમસ્યાને દસ હજાર ફીટ દૂર જઈને એક અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. ત્યારબાદ જ તે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. તે દરેક સમસ્યાને અનેક પ્રકારના ડિમેન્શનથી જુએ છે. દરેક શક્ય ઉકેલો વિચારે છે.”
જો તમે પણ ચેમ્પિયન બનવા માંગતા હો તો જીવનની કોઇપણ બાબતને અઘરી બનાવવાનું બંધ કરી દો. સરળતાને સ્વીકારો. જેટલી મજા સરળતાથી જીવવામાં તેટલી મજા કોમ્પ્લેક્ષીટીમાં નથી. આવું કરવા માટે તમે એક પ્રોસેસ અપનાવી શકો છો –
તમારા જીવનમાં જયારે પણ કોઈ સમસ્યા આવે ત્યારે સતત તેના વિશે ન વિચારો. તમારું ધ્યાન તે પ્રશ્ન પરથી હટાવી લો. તમારી જાતને બીજા કામમાં વ્યસ્ત કરી દો. જયારે ઉકેલ મળવાનો હશે ત્યારે આપોઆપ તમારું મગજ તમને યોગ્ય વિચારોની દિશામાં દોરવા લાગશે. કારણ કે જયારે પણ કોઈ સમસ્યા ઉભી થાય છે ત્યારે તમારું અર્ધજાગૃત મન તો તેના પર કામ કરતું જ હોય છે. તમારે સજાગ રીતે સતત તે સમસ્યા વિશે વિચારવાની જરૂર નથી.
તમને સમસ્યાનો જવાબ ગમે ત્યારે મળી શકે – ચાલવા નીકળ્યા હો ત્યારે, ગીત ગાતા હો ત્યારે, ન્હાતા હો ત્યારે અથવા તો સપનામાં પણ મળી જાય. કહેવાનો મતલબ એટલો જ છે કે સતત સમસ્યા વિશે વિચારવાની જરૂર નથી. બસ તમારે વિચારો પ્રત્યે સજાગ રહેવાનું છે. ક્યારે જવાબ આવી જાય તે તમને ખબર નથી. આ પ્રકારની પ્રોસેસને “ધ લો ઓફ ઇનડાયરેક્ટ એફર્ટ” કહે છે.
“ઘણીવાર વધુ પડતો પ્રયત્ન ન કરવો એ જ ઉત્તમ પ્રયત્ન છે.”
ફૂડ ફોર થોટ
તમારા જીવનની દરેક સમસ્યાનું એક લીસ્ટ બનાવો. પછી નીચેના પ્રશ્નો વિચારો:
૧ શું આ સમસ્યા નાના બાળક જેટલી કોમન સેન્સ વાપરીને ઉકેલી શકાય તેમ છે?
૨ શું આ સમસ્યાનો અઘરો ઉકેલ જ શોધવો જરૂરી છે?
ઘણીવાર નાના બાળકની જેમ વિચારવાથી જીવનના મોટા પ્રશ્નોના હલ મળી જતા હોય છે. તેથી જ તમારા મનમાં જે કંઈપણ ઉકેલો આવતા હોય તેના પર શાંતિથી વિચારો. ત્યારબાદ ઉત્તમ નિર્ણય લો. આમ પણ જીવન કોઈ અઘરી મુસાફરી નથી. બસ તમને ઉત્તમ રીતે અને સરળતાથી જીવતા આવડે તો ચેમ્પિયન બનવાના દરવાજા ખુલ્લા જ છે.
આભાર
દર્શાલી સોની