જીવન એક દરિયો!

be fearless.jpg

જીવન એક દરિયો!

કોઇપણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખામી તો હોય જ છે. સાથોસાથ દરેક વ્યક્તિમાં અનેક આવડતો પણ રહેલી હોય છે. અને ખુશીની વાત તો એ છે કે તમે વધુ આવડતો વિકસાવી પણ શકો છો અને તમારી ખામીઓનો સામનો પણ કરી શકો છો. એવરેજ લોકો હંમેશા પોતાની નબળાઈઓ અને ખામીને લીધે નિષ્ફળ અનુભવે છે. તેઓને ખામીઓને લીધે પોતાની જાત પર વિશ્વાસ જ નથી હોતો. જયારે ચેમ્પિયનની માનસિકતા થોડી હટકે હોય છે. તેઓ નીડર હોય છે. તેઓ પોતાની ખામીઓથી દૂર ભાગતા નથી. તેઓ નબળાઈઓનો સામનો કરે છે. અને પોતાની જાતને વધુ સારી બનાવવા માટે પ્રયત્નો કરતા રહે છે.

જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો એક વાત સમજી લો.

“તમારી નબળાઈઓને ક્યારેય તમારા પર હાવી ન થવા દો.”

તમારી એક ભૂલ તમારી કારકિર્દીને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તમારા વિચારો અને વર્તન પ્રત્યે હંમેશા સજાગ રહો. તમારી નબળાઈનો સામનો કરવાનો સૌથી ઉત્તમ રસ્તો છે – “તેના પર કામ કરવાનું શરુ કરી દો. જે નથી આવડતું તે શીખો. બીજા લોકો પાસેથી માર્ગદર્શન લેતા પણ અચકાવ નહી.” તમારે ચેમ્પિયન બનવા માટે અમુક સત્યોને સમજી લેવા જોઈએ. જેમ કે –

“ચેમ્પિયન અને સમાજની માનસિકતા”

તમારો ધ્યેય નાનો હોય કે મોટો – મહેનત તો કરવી જ પડે છે. તમે એવું ન માની શકો કે ૯ થી ૫ની નોકરી કરી લેવાથી તમને સફળતા મળી જશે. જયારે તમે ચેમ્પિયન બનવાનું નક્કી કરો છો ત્યારે તમારે તમારા વર્તન, સમયનો ઉપયોગ અને વિચારોમાં બદલાવો લાવવા પડશે. આ બદલાવો રાતોરાત નહી આવે. જેમ જેમ તમે નવું શીખશો, પોતાની જાતને સુધારતા જશો તેમ તેમ આગળ વધતા જશો.

કોઈપણ ધ્યેય પર કામ કરવા માટે સર્જનાત્મકતા હોવી જરૂરી છે. સાથોસાથ તમારું ૧૦૦% સમર્પણ પણ જરૂરી છે. જયારે ચેમ્પિયન પોતાના ધ્યેય પર કામ કરતા હોય છે ત્યારે ક્યારેક તેઓ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકતા નથી. તેઓને આ વાતનો કોઈ ગમ પણ નથી હોતો. કારણ કે તેને તેના કામમાં જ એટલી મજા આવતી હોય છે. તમારે પણ આવી માનસિકતા અપનાવતા શીખવું જોઈએ. જીવનમાં ધ્યેયો અને કારકિર્દી સિવાયની પણ અનેક પ્રવૃત્તિઓ છે જ. અને જીવન પણ માણવા જ મળ્યું છે. પણ નક્કી તમારે કરવાનું છે કે તમારે કઈ પ્રવૃત્તિઓમાં કેટલો અને શા માટે સમય આપવો છે. સમાજ શું વિચારે છે તેના પર ધ્યાન આપતા રહેશો તો ધ્યેય હાંસિલ નહી કરી શકો.

“વાસ્તવિકતા”

દરેક વ્યક્તિની જીવન માટેની પોતાની અલગ ફિલસુફી હોય છે. જેમ કે મારા માટે જીવન એક દરિયો છે. તમે જીવનમાં પાણીની જેમ વહેતા જશો અને સતત આગળ વધતા રહેશો તો જીવન વધુ સુંદર લાગશે. જેમ દરિયામાં ભરતી અને ઓટ આવે છે તે જ રીતે જીવનમાં પણ સુખ-દુઃખ, સફળતા-નિષ્ફળતા આવવાના જ છે. આમ પણ જીવન એક જ વાર મળ્યું છે તેવી માનસિકતાથી જીવીશું તો વધુ માણી શકીશું. જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો નવા નવા જોખમો ઉઠાવો, નવા અનુભવો કરો, નવી તકોને આવકારો, તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો, કંઇક નવું નવું શીખતા રહો, તમારી જાતને મઠારતા રહો.

એવરેજ લોકો ડરી જાય છે. તેઓ જોખમ નથી ઉઠાવતા. તેઓ નીડર બનીને નિર્ણય નથી લઇ શકતા. તમે આવા ન બનો. ચેમ્પિયન માટે કોઇપણ પડકાર એક વિડીયોગેમના સ્ટેજ જેવો હોય છે. તેઓ સ્ટેજમાં અનેક તુક્કાઓ લડીને જીતી જ જાય છે. તમે પણ આ માનસિકતા અપનાવી શકો છો. જો તમે પ્રયત્ન જ નહી કરો તો જીવનમાં ક્યારેય અનુભવો જ નહી કરી શકો. જો તમારે ચેમ્પિયન બનવાની દિશામાં આગળ વધવું હોય તો નીચેના માનસિકતાઓ અપનાવો:

૧ તમારી નબળાઈઓથી ડરો નહી. તેનો સામનો કરો.

૨ સમાજના લોકો બિરદાવે કે ટીકા કરે – આગળ વધતા રહો. નાસીપાસ ન થાઓ.

૩ તમારી જીવન માટેની વ્યાખ્યા શું છે તેનું વિશ્લેષણ કરો અને તેમાં જરૂરી બદલાવો લાવો.

૪ તમારા ધ્યેયો વિશે તમારામાં કેટલી ગંભીરતા છે તે ચકાસો. માત્ર જીવવા ખાતર ન જીવો. કોઈ હેતુ માટે જીવો.

 

ફૂડ ફોર થોટ

આજે તમને ડર લાગતો હોય તેવી પ્રવૃત્તિઓનું એક લીસ્ટ બનાવો. ધીમે ધીમે તે પ્રવૃત્તિઓ કરવાનું શરુ કરી દો. અનુભવ કરો. તમારો ડર દૂર થઇ જશે.