તમે ક્યારેય ચેમ્પિયન માનસિકતા ધરાવતા લોકોનું નિરિક્ષણ કર્યું છે? તેઓની આંખમાં એક અલગ જ પ્રકારની ચમક હોય છે. તેઓ નાના બાળકની જેમ બધું જ શીખવા માટે એક અલગ પ્રકારની જીજ્ઞાસા ધરાવતા હોય છે. તેના માટે શીખવું એ જીવનભર જાળવી રાખવા જેવી આદત હોય છે.
આ વખતના ચેમ્પિયન બોર્ડના ટાઈટલ પરથી એવું લાગશે કે - સફળતા મેળવવા માટે તો અનેક પાસાઓ મહત્વના હોય છે. તો પછી જિજ્ઞાસાને જ શા માટે વધુ મહત્વ? ચાલો જાણીએ.
જીજ્ઞાસા એટલે શું? - કુતુહલ - કંઇક નવું શીખવાની ઈચ્છા? કંઇક જાણવાની તાલાવેલી? - આ માનવ સહજ ગુણ છે. દરેક વ્યક્તિમાં ઓછા-વત્તા ધોરણે આ ગુણ હોય જ છે. માનવીને કઈ બાબત માટે કેટલી જીજ્ઞાસા હોય તે તો તેની માનસિકતા પર આધારિત છે.
જીજ્ઞાસા એટલે શું એ તો સમજ્યા પણ તેનું આપણા જીવનમાં મહત્વ શું? કઈ રીતે તમે જીજ્ઞાસા થકી ચેમ્પિયન બની શકશો? એવરેજ લોકો શા માટે જીજ્ઞાસાને સમજી શકતા નથી? (આ કોઈ છોકરીની વાત નથી. જીજ્ઞાસા એક ગુણની જ વાત છે. તેથી મગજના વધુ ઘોડા ના દોડાવવા.)
તમને એક સરળ સાયકોલોજી સમજાવું. ચેમ્પિયન સામે જયારે પણ કઈ શીખવાની તક આવે ત્યારે તે ત્રણ બાબતો પર ધ્યાન આપે છે - "શું, શા માટે અને કેવી રીતે." તે દરેક બાબતના મૂળ સુધી જઈને શીખે છે. તેની અંદરની વધુ જ્ઞાન મેળવવાની જીજ્ઞાસા જ તેને આગળ લઇ જાય છે.
ચેમ્પિયન હંમેશા નવા વિચારો અપનાવવા તૈયાર હોય છે. જયારે તેને એમ ખબર પડે કે - તેઓ જે માન્યતાઓ અને વિચારો લઈને બેઠા છે તેને તોડી શકાય તેમ છે ત્યારે તે તરત જ નવી વિચારસરણીને અપનાવી લે છે. પણ આવું ક્યારે શક્ય બને? જયારે તેનામાં નવા વિચારો અને માન્યતાઓ જાણવાની જીજ્ઞાસા હોય ત્યારે ને?
આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહેતા, "મારી અંદર કોઈ ખાસ આવડત નથી. હું તો બસ એક જિજ્ઞાસુ છું." તેની જીજ્ઞાસાને કારણે જ તો તેના હાથે અનેક સર્જન થયા. આમ પણ જીજ્ઞાસાનો સીધો સંબંધ અનુભવ સાથે જોડાયેલો છે.
જો તમને કંઇક જાણવાની ઈચ્છા હશે તો જ તમે એક્શન લેશો. તેમજ જયારે એક્શન લેશો ત્યારે જ તો તમે અનુભવ કરી શકશો. હવે સારી બાબત માટે કે ખરાબ બાબત માટે જીજ્ઞાસા છે તે તમારે નક્કી કરવાનું છે. તેમજ આ જાણવાની તાલાવેલીને સંતોષવા તમે ક્યાં લેવલ સુધી જઈ શકો તેમ છો તે પણ તમારે વિચારવાનું છે.
૨૦૧૭ની વાત છે. કવીકાએ કોલેજ પૂરી કરી લીધી છે. હવે તે એક સારી નોકરીની તલાશમાં હોય છે. તેના ફેસબુક પર એક સેમીનારની પોસ્ટ આવે છે. તેણી તે સેમીનારમાં ભાગ લેવા જાય છે. સેમીનાર પૂરો થઇ જાય છે. આયોજક તેની કંપની વિશે વાત કરે છે. તેમજ કહે છે કે - "તમે તમારી કોઇપણ આવડતમાં તમારી જાતને ઉત્તમ માનતા હો તો મારી કંપનીના દરવાજા તમારા માટે ખુલ્લા છે. તમે મારે ત્યાં નોકરી કરી શકો છો."
કવિકાની આંખોમાં ચમક આવે છે. તેણી બીજા દિવસે આયોજકની કંપનીમાં મળવા જાય છે. તેણીને નોકરી મળી જાય છે. ૨ વર્ષ પછી કવિકા તે કંપનીના મેનેજર તરીકે કામ કરતી હોય છે.
કવિકાને તેના કારકિર્દીના એક મુકામ પર પહોંચાડનાર પરિબળ કયું? જીજ્ઞાસા. કઈ રીતે? કવિકા સામે ફેસબુકમાં અનેક પ્રકારની પોસ્ટ આવતી જ હતી. શા માટે તેનામાં જીજ્ઞાસા જાગી કે તેણી સેમિનારમાં જાય? તેણીએ તેની જીજ્ઞાસાને સંતોષી. તેના પરથી કવિકાને અનુભવ મળ્યો અને અનુભવ પરથી કારકિર્દી માટેની તક.
તમારે આ વાર્તા પરથી સમજવાનું એ છે કે - એક કુતુહલથી તમારી મુસાફરી શરુ થઈને ક્યાં સુધી પહોંચાડશે તે તમને ખબર જ નથી. તેથી જો ચેમ્પિયન બનવા માંગતા હો તો તમારી અંદરના કુતુહલને ક્યારેય મરવા ન દો. હંમેશા કંઇક ને કંઇક શીખતા રહો. અનુભવોને આવકારતા શીખો.
એક બાળક જેવા બની જાવ. જયારે પણ કોઈ નવી આવડત કે થીયરી શીખવાની વાત આવે ત્યારે નાના બાળકની જેમ ઉત્સાહથી શીખવા તૈયાર થઇ જાવ. તમે નાના બાળકનું નિરિક્ષણ કરજો. તે હંમેશા પ્રશ્નો જ પૂછે રાખે છે. કારણ કે તેને જાણવાની તાલાવેલી હોય છે. તમે પણ એવા બનો. આમ પણ પૂછી પૂછીને પંડિત થવાય.
ફૂડ ફોર થોટ
તમારા રસના વિષયથી અલગ, તમારી કારકિર્દીથી અલગ દિશામાં એકવાર જીજ્ઞાસા જગાડો. કંઇક અલગ શીખો. તમે અત્યાર સુધી નવલકથા વાંચતા હો તો આજે કોમેડી જોક્સનું પુસ્તક લઇ આવો. તમારી અંદરની જીજ્ઞાસાવૃતિને જગાડો. પછી જૂઓ - સફળતાના રસ્તાઓ પણ ખુલવા લાગશે.