મહાન લોકો અને એવરેજ લોકો વચ્ચેનો તફાવત જાણો છો? - જવાબદારીઓ. ગરીબી રેખા નીચે જીવતા લોકો અને વર્કિંગ ક્લાસના લોકો પોતાની જાતને વર્લ્ડક્લાસ લોકોના ગુલામ માને છે. તેઓ માનસિક રીતે જ પોતાની જાતને એક મર્યાદામાં બાંધી લે છે. તેથી તેઓ આગળ વધી શકતા જ નથી. તેઓ આગળ વધી ન શક્યા અને સફળ ન થયા તે માટે બીજા લોકોને દોષી માને છે. જેમ કે તેના માતા-પિતા, મિત્રો અને અન્ય લોકો કે જેનાથી તેઓ બાળપણમાં પ્રભાવિત થયા હોય. મિડલ ક્લાસ લોકોની વિચારસરણી થોડી અલગ હોય છે. તેઓ પોતાની સુરક્ષા અને પોતાના ભવિષ્યની વધુ ચિંતા કરે છે. તેઓની પાસે જે કોઈપણ તક કે કામ હોય તેનાથી જ તેઓ ખુશ રહે છે. તે નવી તકો કે જોખમ ઉઠાવવા તૈયાર થતા જ નથી. તેઓ હાલનું કામ પણ ગુમાવી બેસશે તો - એવો ડર ધરાવે છે. તેની માનસિકતા જ અસુરક્ષિત અનુભવવાનું એવી થઇ ગઈ હોય છે.
તેઓ માને છે કે નાણા ખૂબ જ મર્યાદિત છે. તેઓ પાસે જેટલા નાણા છે તે નાણા તેઓ કોઈ જોખમ ઉઠાવવામાં ગુમાવી દેશે તો તેની પાસે કઈ જ નહિ વધે. તેઓએ નાણા અંગે અનેક ખોટી માન્યતાઓ પોતાના મનમાં ઘડી લીધી હોય છે. જયારે અપર ક્લાસના લોકોની વિચારસરણી થોડી અલગ હોય છે. તેઓ જીવનને એક રણભૂમિની જેમ જુએ છે. તેઓ નીડરતાથી જોખમો લે છે અને હરીફાઈથી પણ ગભરાતા નથી. તેઓ જાણે છે કે નાણા કમાવવાની અસંખ્ય તકો છે. એક તક નહિ તો બીજી તક પણ સફળતા તો મળશે જ. તેઓ નવી તકો સ્વીકારવા હંમેશા તત્પર રહે છે. અપર ક્લાસના લોકો પર ક્યારેક તેનો અહંકાર હાવી થઇ જાય છે.
મહાન લોકોની વિચારસરણી, આદતો, ફિલોસોફી બધાથી તદન અલગ હોય છે. તેઓ પોતાની જાતને એક જવાબદાર વ્યક્તિ માને છે. તેઓ સમજે છે કે પોતાની સફળતા અને નિષ્ફળતા માટે તેઓ પોતે જ જવાબદાર છે. જો તેઓ સફળ થાય તો સમાજને કંઇક મદદ કરવી જોઈએ તેવી જવાબદારી પણ તેઓ ઉઠાવવા તૈયાર થાય છે. તેઓ હંમેશા સજાગ બનીને જ નિર્ણયો લેતા હોય છે. તેથી જ તેઓ વર્લ્ડક્લાસ લોકો કહેવાય છે. તેઓ સતત આગળ વધતા રહે છે અને પોતાની જાતમાં અને દુનિયામાં નાના નાના બદલાવ લાવતા રહે છે.
ફૂડ ફોર થોટ
તમારા જીવનમાં જે કંઈપણ થયું છે તે દરેક બાબતની જવાબદારી તમે પોતાના પર જ લો. દરેક ઘટના માટે તમે પોતે જ જવાબદાર છો. આ પ્રકારની વિચારસરણી રાખવાથી તમે ઝડપથી વર્લ્ડક્લાસ લેવલે પહોંચી શકશો.