તમે કોઇપણ સેમીનારમાં જાવ, સેલ્ફ હેલ્પના પુસ્તકો વાંચો, વર્કશોપમાં જાવ, વેબનાર અટેન્ડ કરો કે પછી કોઈ વ્યક્તિ પાસેથી જીવન માટે સલાહ લેવા જાવ - એક વિષય એવો છે જે બધા દોહરાવશે. તે છે - આત્મ નિરિક્ષણ. ચેમ્પિયન બનવા માટે આત્મનિરિક્ષણ શા માટે જરૂરી છે તેની ચર્ચા જ આજે આપણે સિક્રેટ નમ્બર ૬માં કરવાના છીએ.
સૌથી પહેલાં તો એ જાણીએ કે આત્મનિરિક્ષણ એટલે શું? - તમારી જાતના ગુણો અને અવગુણો વિશે તમને પૂરી માહિતી હોવી, તમારી અંદર લાગણીઓ અને તર્કનું કેટલું પ્રમાણ છે તે ખબર હોવી, તમારે જયારે કોઈ નિર્ણય લેવાના હોય ત્યારે તમારી માનસિક પેટર્ન કેવી છે તે ખબર હોવી, તેમજ પોતાની જાતને, વિચારોને, લાગણીઓનું સતત નિરિક્ષણ કરવું - તેને કહેવાય આત્મનિરિક્ષણ.
તમને એવું થશે કે આવું અઘરું આત્મનિરિક્ષણ કરવાથી ફાયદો શું? - તમારી જાતને પામશો. જો તમારી જાતને ઓળખી જશો તો આપણે આગળ શીખ્યા એમ તમે એવરેજ માનસિકતાવાળા છો કે પછી વર્કિંગ ક્લાસવાળા કે પછી ચેમ્પિયન - તે તમને ખબર પડી જશે.
તમે કોઈ ધંધો કરતા હોય કે પછી નોકરી કરતા હો કે પછી વિદ્યાર્થી હોય - આત્મનિરિક્ષણ તમારા માટે ફાયદાકારક છે. કેવી રીતે એ સમજાવું.
પહેલાં કોર્પોરેટ વર્લ્ડમાં કર્મચારીઓને મશીન સમજવામાં આવતા હતા. તેઓ પાસે રોબોટની જેમ કામ કરાવવામાં આવતું હતું. તેની લાગણીઓને જરા પણ મહત્વ આપવામાં આવતું નહોતું. ધીમે ધીમે માનસિકતા બદલાવા લાગી. બધા મેનેજર્સ તેના કર્મચારીઓની લાગણીઓને સમજવા લાગ્યા. તેઓને કઈ વાતથી ઉત્સાહ અનુભવાય છે અને કઈ વાતથી તેઓ નિરાશ થઇ જાય છે તે સમજવા લાગ્યા. તેઓમાં કઈ સારી આવડત છે અને કઈ નબળાઈ છે તે સમજવા લાગ્યા. તેથી કર્મચારીઓ એક રોબોટ માનસિકતામાંથી બહાર નીકળીને ચેમ્પિયનની માનસિકતાને સમજવા લાગ્યા અને અપનાવવા લાગ્યા.
વર્લ્ડક્લાસ લીડર્સ પણ સમજવા લાગ્યા કે જો તેઓ કર્મચારીઓના પોટેન્શિયલને સમજશે તો તેનો મહત્તમ ફાયદો કંપનીને જ થવાનો છે. આમ પણ દરેક વ્યક્તિમાં કોઈને કોઈ આવડત છુપાયેલી જ હોય છે. તમારી અંદર શું આવડત રહેલી છે તે જાણવા માટે તમારી જાતને પ્રશ્નો પૂછો - તમને કઈ પ્રવૃત્તિ ગમે છે, શા માટે ગમે છે અને તમે તે પ્રવૃત્તિને કઈ રીતે તમારા વ્યવસાયમાં પરિવર્તિત કરી શકો તેમ છો તે જાણો. આ જ રીતે જો તમે મેનેજર હો તો તમારા કર્મચારીઓની અંદરની આવડત જાણવાનો પણ પ્રયત્ન કરો.
આમ તો આત્મનિરિક્ષણ માટેની બે રીત છે:
૧ તમારી જાતે તમારી લાગણીઓનું વિશ્લેષણ કરો.
૨ કોઈ બીજું વ્યક્તિ તમારી લાગણીઓનું વિશ્લેષણ કરે અને તમને સાચી દિશા આપે.
માની લો કે તમે કોઈ ગુરુ માનેલા છે. તો જો તમારો ગુરુ તર્કથી તમારી જાતનું વિશ્લેષણ કરતા હોય તો તે શીખાઉ છે. પણ જો તે તમારું મૂલ્યાંકન લાગણીઓથી કરતા હોય તો તે નિષ્ણાત છે. કારણ કે માનવીજાતિના સ્વભાવના મૂળમાં લાગણી છે. તમે જ વિચારો - લાગણી વગરની દુનિયા કેવી લાગે?
- દરેક લાગણીનું પોતાનું એક આગવું મહત્વ છે. જેમ પ્રેમ જરૂરી છે તેમ ગુસ્સો પણ જરૂરી છે, જેમ નિરાશા જરૂરી છે તેમ ઉત્સાહ પણ જરૂરી છે. મેનેજર્સનું કામ જ એ છે કે તેઓ આ લાગણી અને તર્કનું સંતુલન જાણે છે. જેથી કરીને તેના કર્મચારીઓ પાસેથી વધુ કામ લઇ શકાય.
હવે જો તમે મેનેજર હશો તો એવું પણ કહો કે - "મારે તો ૫૦ કર્મચારીઓ છે. બધાની લાગણીઓ સમજવા બેસું તો કેમ કામ થાય? તે તો સમયનો બગાડ છે. બધાની લાગણીને ન્યાય તો ન આપી શકાય."
તેનો જવાબ સરળ છે - જો તમે મેનેજર તરીકે ચેમ્પિયન માનસિકતા ધરાવતા હશો તો તે સમયનો બગાડ નહી પણ રોકાણ ગણશો. કારણ કે કોઈ વ્યક્તિને જયારે તમે કંઇક શીખવાડો છો ત્યારે તે અંતે ફાયદો તો તમને જ થવાનો છે ને. તમારી કંપનીને જ તે આવડત ઉપયોગમાં આવશે ને. તેથી તમારા કર્મચારીઓને આત્મનિરિક્ષણ કરતા શીખવો. જેથી કરીને તેઓ સારું પરફોર્મન્સ આપી શકે.
કારણ કે જે વ્યક્તિ તમારી લાગણીઓની કદર કરે છે તેનાથી તમે તરત જ જોડાઈ જાવ છો. આ માનસિકતા દરેક માનવીની હોય છે. તેથી જ તો હાલના વર્લ્ડક્લાસ લીડર્સ તેના કર્મચારીઓની બહુ જ નજીક હોય છે અને તેઓની ખુશીનું તેઓ સૌથી વધુ ધ્યાન રાખે છે.
શીખાઉ લોકો અને ચેમ્પિયન વચ્ચે મુખ્ય તફાવત માત્ર એક વિચારનો જ છે - શીખાઉ લોકોને બધા પરિણામો તાત્કાલિક જોઈતા હોય છે. જયારે ચેમ્પિયનમાં ધીરજ હોય છે. તેને ખબર છે કે જયારે તે બીજા કોઈ વ્યક્તિને આત્મનિરિક્ષણ શીખવે છે ત્યારે તે વ્યક્તિને પોતાની જાતને સમજવા અને સુધારવા સમય આપવાનો હોય છે. તે જ રીતે ચેમ્પિયન પોતાની જાતનું આત્મનિરિક્ષણ કરે ત્યારે પણ તેને સમય તો જોઇશે જ. તેથી તમે પણ આત્મનિરિક્ષણ વખતે ધીરજ રાખો.
ફૂડ ફોર થોટ
આજના આખા આર્ટીકલનો સાર એ જ છે કે તમે આત્મનિરિક્ષણ કરો અને બીજા લોકો પાસે કરાવો. તેના માટે આજે કોઈ એક નજીકના વ્યક્તિને ૨૦ મિનીટનો સમય કાઢીને આત્મનિરિક્ષણ કરવામાં મદદરૂપ થાવ. તેના માટે તમે તેને નીચેના પ્રશ્નો પૂછી શકો:
૧ તમને જીવનમાં સૌથી વધુ શું મેળવવાની ઈચ્છા છે?
૨ તમારા માટે તે ઈચ્છા શા માટે મહત્વની છે?
૩ તમે તે ઈચ્છા માટે કેવી લાગણી અનુભવો છો?
૪ જો તમારી ઈચ્છા પૂરી થઇ જાય તો તમે આગળ શું એક્શન લેશો?
૫ તમારા માટે ક્યાં પ્રકારની લાગણીઓ અને લોકો સૌથી વધુ મહત્વના છે?
આ પ્રશ્નોના જવાબ પછી તમને અને સામેવાળા વ્યક્તિને ઘણી વાસ્તવિકતાઓ સમજાઈ જશે.