ચેમ્પિયનની માનસિકતા કેવી હોય?

mistakes by darshali soni.jpg

સામેવાળું વ્યક્તિ ચેમ્પિયન છે કે નહી તે જાણવા માટે તમારે દૂરબીન કે બિલોરી કાચ લઈને જોવું નથી પડતું. તેના વિચારો, માનસિકતા, વર્તન, નિર્ણયો અને એક્શન પરથી જ ઓળખાય જાય છે. આજે સિક્રેટ નંબર સાતમાં મારે ચેમ્પિયનના અમુક માઈન્ડસેટ કેવા હોય તેના વિશે વાત કરવી છે. તો ચાલો શરુ કરીએ:

૧ હજુ થોડું વધારેની તાલાવેલી

ચેમ્પિયન અસંતોષી હોય છે. તે નાના નાના અચીવમેન્ટથી તો રીજાતા જ નથી. તેઓને હંમેશા ઉત્તમની પણ પહેલે પાર જવાની તાલાવેલી હોય છે. માની લો કે તે શૂન્યમાં થી ૧ સુધી પહોંચી ગયા હોય તો પછી હવે તેને ૧૧૧૧૧.... બસ આ રીતે આગળ જ વધતું રહેવું હોય છે. આ "હજુ થોડું વધારે"ની ઈચ્છા જ તેને મોટીવેટ કરે છે. જેના થકી તે સતત નવા નવા ધ્યેયો હાંસિલ કરી શકે છે. ક્યારેક અસંતોષની લાગણી તમને માનસિક રીતે હેરાન કરી શકે છે પણ અંતે ચેમ્પિયન હો તો આ લાગણીનો પણ સામનો કરી જ લેશો ને.

૨ ખૂશીની વ્યાખ્યા

તમે કોઇપણ વ્યક્તિને ખૂશીની વ્યાખ્યા પૂછો - બધાની વ્યાખ્યા અલગ જ હોવાની. ચેમ્પિયન માટે ખુશીની વ્યાખ્યા અલગ જ છે. તેના માટે ખૂશી એટલે શીખતું રહેવું, વિકાસ થવો જોઈએ અને ઉત્તમ વ્યક્તિ બનતું રહેવું. તેઓને ભૌતિક સુખ-સગવડોથી ખૂશી મળતી નથી. તેઓને પોતાના પેશન સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં ખૂશી મળે છે. તેઓમાં સતત નવું શીખવાની જીજ્ઞાસા હોય છે. તેથી જ તેઓ એક વિદ્યાર્થી બનીને શીખતા રહે છે. તે જ વાત તેને ખૂશી આપે છે. તમારી ખુશીની વ્યાખ્યા શું છે?

૩ એન્સાયકલોપીડિયા ના બની શકો

તમે ચેમ્પિયન માનસિકતા ધરાવતા હો તેનો મતલબ એવો નથી કે તમને બધી જ ખબર હોવી જોઈએ. તે પછી કોઈપણ ક્ષેત્ર, વિષય, વ્યક્તિ કે સ્થળ. એક વાત યાદ રાખો કે દુનિયા એટલી મોટી છે કે તમે ક્યારેય બધું જ નહી જાણી શકો. તે શક્ય જ નથી. તેથી એવો આગ્રહ પણ ન રાખો. આમ પણ જો તમે એન્સાયકલોપીડિયા બની જશો તો ગાંડા થઇ જશો. જો કે ચેમ્પિયન પણ આ વાત સમજે જ છે. અને તમને જે નથી આવડતું તેના માટે તમે કોઈ તે જ ક્ષેત્રની વ્યક્તિની નિમણુક પણ કરી શકો ને. તમારે જ બધું શીખવું થોડું જરૂરી છે?

૪ કમ્ફર્ટ ઝોન

કૂવામાં રહેલા દેડકાને એવું જ લાગે છે કે તે કૂવો જ તેની દુનિયા છે. જયારે તે એકવાર હિંમત કરીને બહાર નીકળે છે ત્યારે તેને ખબર પડે છે કે દુનિયા તો બહુ મોટી છે. તે માત્ર કૂવામાં જ નહી પણ - નદી, દરીયો, ઝરણું, રસ્તા પર પાણીના ખાડા કે પછી કોઈના ઘરમાં પણ રહી શકે છે.

વ્યક્તિનું પણ એવું જ છે. તે પોતાનું એક સર્કલ બનાવી લે છે. જ્યાં તેને સમજી શકે અને પ્રેમ કરે તેવા લોકોનો મેળો હોય છે. તે ક્યારેય નવા વાતાવરણ કે નવા લોકો સાથે સેટ થવાનું વિચારતા નથી. કારણ કે તેઓ પોતાના વર્તમાન વાતાવરણમાં ગોઠવાઈ ગયા હોય છે. પણ જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો આ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. પેલું ડ્યુ ડ્રીંકની ટેગલાઈન છે ને - "ડર કે આગે જીત હે" એમ તમારા કમ્ફર્ટ ઝોનની આગળ પણ એક નવી દુનિયા છે જે તમને સફળ બનાવી શકે છે.

૫ ક્ન્સીસટન્સી ઈઝ ડેથ

જો તમે તમારી જાતનો વિકાસ કરવા માંગતા હો અથવા તો તમારા ધંધાનો વિકાસ કરવા માંગતા હો તો સતત નવું શીખતા રહો. કારણ કે એકને એક પ્રવૃત્તિ વર્ષો સુધી કરવાથી પ્રેક્ટીસ થાય એ વાત સાચી પણ નવું ન શીખવાથી વિકાસનું મૃત્યુ થઇ જાય તે વાત ખોટી. તેથી જ તો ઘણા ચેમ્પિયન તેના ક્ષેત્ર સિવાયનું પણ જ્ઞાન મેળવે છે. નવા લોકોને મળે છે અને સેમીનારમાં જાય છે. તમે પણ કંઈક ને કંઈક શીખીને તમારી જાતને કંડારતા રહો.

"શા માટે" ની રમત

તમે કોઈવાર નાના છોકરાઓનું નિરિક્ષણ કર્યું છે? તેઓ હંમેશા પ્રશ્નો પૂછતા રહે છે. તેનામાં સૌથી વધુ જીજ્ઞાસા હોય છે. તેથી જ તેઓ ધીમે ધીમે દુનિયા વિશે શીખવા માંડે છે. જો કે આવું કેમ, પેલું કેમ, કેવી રીતે આવા બધા પ્રશ્નો પૂછવાથી તમને કંઇક તો માહિતી મળવાની જ છે. તેથી જ તો ચેમ્પિયન હંમેશા પોતાના ધંધામાં, સ્ટ્રેટેજીમાં અને જીવનમાં "શા માટે" એવું પૂછતા રહે છે.

ખાસ કરીને તો તેઓ જયારે ભૂલ કરે છે ત્યારે પોતાની જાતને પૂછે છે - તેનાથી ભૂલ શા માટે થઇ અને તે ભૂલને કઈ રીતે સુધારી શકાય તેમ છે. જયારે તમને તમારી ભૂલ સમજાઈ જાય છે ત્યારે તમે જૂની માન્યતાઓ ભૂલીને કંઇક નવું કરી શકો છો. ભૂલનું ભાન હોવું જરૂરી છે. કારણ કે ધંધામાં અને જીવનમાં ભૂલો જ તો તમને સાચા પાઠો ભણાવે છે.

ઉપરના બધા મુદાઓ ચેમ્પિયનની માનસિકતા સાથે જોડાયેલા છે. જો તમે ચેમ્પિયન હો અથવા બનવા માંગતા હો તો સજાગ થઇ જાવ.

ફૂડ ફોર થોટ

તમારી જાતને થોડા સવાલો પૂછો:

૧ શું હું મારા જીવનમાં અને કારકિર્દીમાં વિકાસ કરી રહ્યો છે?

૨ શું હું સાચી દિશામાં કામ કરી રહ્યો છે?

૩ મારે વિકાસ માટે ક્યાં પગલા લેવાની જરૂર છે?

આ પ્રશ્નો પૂછવાથી તમને જીવનમાં વાસ્તવિક ચિત્ર દેખાશે. ઘણીવાર લોકો નોકરીમાં મળતી સિક્યુરિટીને કારણે, કમ્ફર્ટ ઝોનને કારણે અને જવાબદારીઓને કારણે પોતાના વિકાસને રૂંધી નાખતા હોય છે. તમે આવું ન કરો. તમારા થકી જ બધું છે. તેથી તમારી જાત માટે સમય કાઢીને આગળ વધતા રહો.