ગમતું કામ કરશો કે પછી ગાડરિયા પ્રવાહની પાછળ ભાગશો?

secret no 45.png

મથાળું વાંચીને તમે જવાબ તો એમ જ આપશો કે તમે ગમતું કામ કરવા જ ઇચ્છશો. પણ શું તેવું ખરેખર છે? શું તમે ખરેખર તમને ગમતું કામ કરી રહ્યા છો કે પછી સમાજમાં ચાલ્યો આવતો ગાડરિયા પ્રવાહમાં જ જોડાઈ ગયા છો? કે પછી જીવનની મુશ્કેલીઓની સામે તમે તમારું ગમતું કામ કરી શકો તેમ નથી – તેવું બહાનું મળી ગયું છે? કે પછી તમારી પાસે ગમતું કામ કરવાની તક મળી રહી નથી? કે પછી તમને ગમતું કામ કરવામાંથી નાણા ઉભા કરતા નથી આવડતા? – આજના સિક્રેટમાં આ જ બધા પ્રશ્નોની વાત કરવી છે.

સૌથી પહેલા તો જો ઉપરના બહાનાઓ આપીને તમે કામ ન કરતા હો તો તમારી તુલના પણ એવરેજ માનસિકતા ધરાવનાર લોકો સાથે જ થાય. જો તમારે ખરેખર ચેમ્પિયન માનસિકતા વિકસાવવી હોય તો બે વાત પર ધ્યાન આપવું પડે – બહાનાબાજી બંધ કરવી પડે અને ગાડરિયા પ્રવાહના ભરોસે જીવન જીવવાનું બંધ કરવું પડે.

સ્ટીવ જોબ્સ હંમેશા કહેતા કે જો તમે તમારું ગમતું કામ કરતા હશો તો તમે ખુશ હશો. તે કામ તમને કામ જેવું જ નહી લાગે. ચેમ્પિયન આ સ્ટીવ જોબ્સના વિચારો ખાલી વાંચવા ખાતર નથી વાંચતા. તેઓ તેને પોતાના જીવનમાં અમલમાં પણ મૂકે છે. હવે તમે ગમતું કામ કરવા માટે અને ચેમ્પિયન બનવા માટે શું કરશો તે જાણી લઈએ:

૧ માનસિકતા

એવરેજ લોકોને એવું કહેવાની ટેવ હોય છે કે, “સફળ લોકોને અમારા જેવો સંઘર્ષ નથી કરવો પડ્યો. તેઓને હંમેશા ગમતું કામ કરવા માટે મળી ગયું છે.” આ એવરેજ લોકોના બહાના માત્ર છે. સફળ લોકોને પણ સંઘર્ષનો સામનો કરવો પડે છે. ફર્ક ખાલી એટલો છે કે તેઓ પોતાના ગમતા કામ પાછળ જીવ રેડી દે છે. તેઓ મહેનત કરે છે. તેઓ નિષ્ઠાથી કામ કરે છે. તેથી તેના માટે સંઘર્ષ અને સફળતા બંને સહેલા બની જાય છે. આ સંઘર્ષની માનસિકતા મનમાંથી કાઢવી પડશે. ગમતા કામ પાછળ મહેનત કરશો તો પરિણામો ઝડપથી મળશે. કારણ કે તે કામમાંથી તમને આનંદ પણ મળે છે. કંટાળતા પણ નથી.

૨ ઉત્તમ કે પછી નકલ

એક સમય એવો આવ્યો હતો કે બધા લોકો એમબીએ, કમ્પ્યુટર એન્જીનીયરીંગની પાછળ ભાગી રહ્યા હતા. અત્યારે એવો સમય આવી ગયો કે બધા લોકો એઆઈ, મશીન લર્નિંગ અને કોચ બનવાની દિશામાં ભાગી રહ્યા છે. સમય સાથે સમાજમાં અને કારકિર્દીમાં નવા નવા ટ્રેન્ડ ચાલતા રહે છે. એવું જરૂરી છે કે તમે આ ગાડરિયા પ્રવાહને અનુસરો જ? હા, જો તમને પણ આ બધા જ વિષયોમાં રસ હોય તો જરૂરથી તે જ દિશામાં કામ કરવાનું ચાલુ કરાય. પણ જો બધા કરી રહ્યા છે તેથી આપણે પણ કરીએ – આ માનસિકતા હશે તો તમે ઉત્તમ કામ અને સફળતાની શોધમાં નથી. તમે માત્ર નકલ કરી રહ્યા છે.

જયારે તમે ગમતું કામ નથી કરતા ત્યારે તમે કારકિર્દી બની જાય તેટલી સફળતા કદાચ હાંસિલ કરી પણ લેશો પણ તેમાં તમને આનંદ નહી મળતો હોય. તમારું પરફોર્મન્સ ઉત્તમ પણ નહી હોય. – તે તમને જ ખબર હશે.

આવું કરવાને બદલે તમારું ગમતું કામ કરો. એક સમય એવો આવશે કે તમે તમારા ગમતા કાર્યક્ષેત્રમાં નિષ્ણાત બની જશો. પછી તમારે હરીફાઈનો ડર નહી રાખવો પડે. કારણ કે તમે એ બધા જ લેવલથી પરે પહોંચી ગયા હશો. પણ આટલા લેવલે નિષ્ણાત બનવા માટે કામ પ્રત્યે પ્રેમ હોવો જરૂરી છે. જો તમને કામ ગમતું હશે તો તે જ કામમાં વર્ષો નીકળી જશે તો પણ તમને ખબર નહી પડે.

૩ નાણા અને સફળતા

એવરેજ લોકો ગાડરિયા પ્રવાહ પાછળ એટલે ભાગે છે કારણ કે તેઓ સફળતાને નાણાના ત્રાજવામાં આંકે છે. તેઓમાં પોતાની આવડત કે ગમતા કામમાંથી નાણા ઉભા કરવાની સમજ નથી હોતી. અથવા તો તેઓને કઈ દિશામાં આગળ વધવાથી સફળતા મળશે તે જ ખબર નથી હોતી. જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો માત્ર નાણા પાછળ ન ભાગો. તમારા ગમતા કામમાં પાવરધા બનશો એટલે નાણા અને તકો મળશે જ. હા, થોડી ધીરજ રાખવી પડશે – પણ સફળતા ચોક્કસથી મળશે.

ગમતા કામમાં પણ મહેનત તો કરવી જ પડશે. બની શકે જરૂર કરતા વધુ પ્રયત્નો કરવ પડે. નવા રસ્તાઓ પણ શોધવા પડે. ઘણીવાર નાસીપાસ પણ થઇ જવાશે. આવા સમયે હાર ન માનો. પ્રયત્નો અને મહેનત ચાલુ રાખો.

ફૂડ ફોર થોટ

તમે હાલમાં જે કામ કરી રહ્યા છો તેને કેટલું માણી રહ્યા છો? તમને તમારું કામ કેટલું ગમે છે? આ પ્રશ્નનો જવાબ એક થી સાતમાં આપો. તમારા જવાબ પરથી તમારે કઈ દિશામાં કામ કરવું તે ખબર જશે.