તમને ખબર છે – એવરેજ લોકો ચેમ્પિયનથી અલગ કેમ તરી આવે છે? માત્ર એક જ ગુણના કારણે. – આ એક જ ગુણ એવો છે જેના કારણે ચેમ્પિયન જીવનમાં આગળ વધી જાય છે અને એવરેજ લોકો પાછળ રહી જાય છે. આત્મવિશ્વાસ. આજના સિક્રેટ નંબર ૨૦માં આ ગુણ વિશે વાત કરવી છે.
આપણે વર્ષોથી એવું સાંભળતા આવ્યા છીએ કે – સારો ઈન્ટરવ્યુ આપવો હોય, છોકરીને પ્રપોઝ કરવું હોય, કોઈ બીઝનેસ ડીલ કરવી હોય કે પછી જીવનનો કોઇપણ મહત્વનો મુકામ હાંસિલ કરવો હોય ત્યારે પોતાની જાતમાં વિશ્વાસ હોવો જરૂરી છે. જો તમને જ તમારી જાત પર વિશ્વાસ નહી હોય તો પછી કોઈ બીજું વ્યક્તિ તમારા પર વિશ્વાસ શા માટે કરશે?
આ સુપર સે ઉપર વાળો આત્મવિશ્વાસ જ ચેમ્પિયનની ખાસિયત છે. નાનપણથી ચેમ્પિયન તેની આસપાસ એવું વાતાવરણ ઉભું કરે છે અને આસપાસ એવા લોકોને રાખે છે જે તેને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે. એટલું જ નહી તેનામાં રહેલા આત્મવિશ્વાસમાં વધારો પણ કરે. તેના માતા-પિતાથી માંડીને શિક્ષક, મિત્રો, સલાહકારો, અને સહકર્મચારીઓ પણ એવા હોય છે જે તેનામાં આત્મવિશ્વાસ ભરે.
એક વાત યાદ રાખજો – કોઈ વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપુર બનીને જન્મ્યું નથી. તમે ધારો એટલા લેવલનો આત્મવિશ્વાસ વિકસાવી શકો છો. આત્મવિશ્વાસ વધારવા માટે તમે અનેક પ્રકારની ટેકનીક્સ અપનાવી શકો છો. જેમ કે –
મેડીટેશન, મેન્ટલ ઈમેજીનેશન, કોઈ રમત, માર્શલ આર્ટ, સંગીત, જીમ વગેરે.
દરેક વ્યક્તિની અલગ અલગ પેટર્ન હોય છે. કોઈ વ્યક્તિ એક ચોક્કસ ગીત સાંભળવાથી મોટીવેટ થઇ જાય છે તો વળી કોઈ વ્યક્તિને કસરત કરવાથી પોતાની જાત પરનો વિશ્વાસ વધે છે. તમારા માટે કઈ ટેકનીક કામ કરે છે તે તમારે જાણવાનું છે. આમ છતાં તમે કઈ રીતે આત્મવિશ્વાસ વિકસાવી શકો તેની એક ઉત્તમ અને અસરકારક ટેકનીક નીચે મુજબ છે:
૧ સૌથી પહેલા તો તમારી જાત સાથે સારી રીતે વાત કરવાનું શરુ કરો. તમારી જાત માટે સારી ભાષા વાપરો. તમારી જાતને પ્રોત્સાહન આપતા રહો. સેક્ફ ટોક વખતે તમારી જાતને ઉતારી ન પાડો. તમારી લાગણીઓ અને વિચારોને સમજવાનો પ્રયત્ન કરો. સેલ્ફ ટોક થકી તમે તમારો આત્મવિશ્વાસ વિકસાવી શકો છો. તમે ૯૦ દિવસ સુધી સેલ્ફ ટોકની આદત જાળવી રાખશો તો – તમારા જીવનમાં તેની અસર આપોઆપ દેખાશે.
માનવીના માનસ પર શબ્દોની ખતરનાક અસર જોવા મળે છે. તેથી બીજા સાથે વાત કરતી વખતે અને પોતાની જાત સાથે વાત કરતી વખતે ઉત્તમ ભાષાનો ઉપયોગ કરો. જેથી કરીને તમારી અંદરનો આત્મવિશ્વાસ વધતો જશે. સેલ્ફ ટોક પર અનેક પુસ્તકો પણ લખાયેલા છે. જેમાંનું એક પુસ્તક – “વોટ ટુ સે વેન યુ ટોક ટુ યોરસેલ્ફ” આ પુસ્તકના લેખક શેડ હેમસ્ટેર છે. જો તમે વાંચવાના શોખીન હો તો આ પુસ્તક તમને જરૂરથી ગમશે.
૨ પબ્લિક સ્પીકિંગનો ડર ઘણા લોકોમાં હોય છે. તેઓને એમ લાગે છે કે આત્મવિશ્વાસની ખામીને કારણે જ આ ડર છે. જો કે ગુડ ન્યુઝ એ છે કે પબ્લિક સ્પીકિંગનો ડર બહુ જ ઓછા સમયમાં કાઢી શકાય છે. પહેલા પાંચ વ્યક્તિ વચ્ચે બોલવાનું શરુ કરો. ધીમે ધીમે આગળ વધતા જાવ. એક લેવલ એવું આવશે કે તમને ગમે તેટલા લોકોની સામે મૂકી દેવામાં આવે તો પણ તમે ભરપુર આત્મવિશ્વાસથી બોલી શકશો. યાદ રાખો – આત્મવિશ્વાસ વધારી શકાય છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી.
ફૂડ ફોર થોટ
તમારા મિત્રોને એક પ્રશ્ન પૂછો – “તને શું લાગે છે મારામાં કેટલો આત્મવિશ્વાસ છે? એક થી દસની વચ્ચે કોઈ એક આંકડો જણાવ.”
મિત્ર એટલા માટે કારણે કે તેઓ તમને વધુ સારી રીતે ઓખળતા હોય છે. તમારી નજીકના લોકો તમને સત્ય જણાવી શકે છે. બસ આ રીતે જ તમારી અંદરના આત્મવિશ્વાસને જગાડો અને ચેમ્પિયન બની જાવ.