આજના સિક્રેટની વાત કરું તે પહેલાં મારે એક સરળ પ્રશ્ન પૂછવો છે - તમારા જીવનમાં નાની કે મોટી કોઇપણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તમે તેનો સામનો કેવી રીતે કરો છો? તમારા જવાબ નીચે મુજબના હોઈ શકે -
૧ હું હિંમતથી સામનો કરું છું.
૨ હું મુશ્કેલીથી દૂર ભાગું છું.
૩ હું ઉકેલ મેળવવા માટે પ્રયત્નો કરું છું.
૪ હું ઉકેલ મેળવવા માટે બીજા લોકોની મદદ મેળવું છું.
૫ હું મુશ્કેલીને એક તક સમજું છું.
જો તમારો જવાબ પાંચ અને એક નંબરનો હશે તો તમે ચેમ્પિયન બનવાના ગુણો ધરાવો છો. કારણ કે મુશ્કેલી જ તમને પથ્થરમાંથી હીરો બનાવે છે. તમે જ કલ્પના કરોને કે જીવનમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી જ ન હોય તો જીવન કેવું કંટાળાજનક થઇ જાય. ચેમ્પિયન માટે મુશ્કેલી તો એક મસ્ત મજાની ગેમ હોય છે. જેને તેઓ ખૂબ જ માણે છે.
તેઓ પાસેથી એક મસ્ત માઈન્ડસેટ શીખવા જેવું છે - "સ્ટ્રગલ ઈઝ ફ્રેન્ડ"
તેઓ મુશ્કેલીઓ અને તણાવને આવકારે છે. કારણ કે ખરાબ સમય અને પરિસ્થિતિ માનવીને ઉત્તમ બનાવી શકે છે. તે સમયને જ તેઓ "બ્યુટી ઓફ લાઈફ" કહે છે. તેના માટે કોઈ મુશ્કેલી નાની કે મોટી નથી હોતી. અઘરી કે સહેલી નથી હોતી. તેઓ બસ સામે કોઈ પરિસ્થિતિ આવે એટલે તરત જ સામનો કરી, ઉકેલ શોધી આગળ વધી જાય છે.
આપણે જે રીતે રીયાલીટી શો જોઈએ છીએ તે જ રીતે અંગ્રેજી ભાષામાં એક "ધ એલન ડીજેન્ર્સ શો" આવે છે. જેમાં એલન નામની લેસ્બીયન વ્યક્તિ ઉત્તમ રીતે શો હોસ્ટ કરે છે અને બધા લોકોને હસાવે છે, બધા લોકોના ઈન્ટરવ્યુ લે છે. તેની વધારે વાત ફરી ક્યારેક. પણ તેણીના જીવનની એક ઘટના જણાવું - તેની ગર્લફ્રેન્ડનું કાર એકસીડન્ટમાં મૃત્યુ થાય છે. એલન તે જ સમયે તે જ રસ્તા પરથી નીકળે છે. તેને પહેલાં તો ખબર નથી હોતી. પણ પછી તેને ખબર પડે છે. જયારે તેને આ વાતની ખબર પડે છે ત્યારે તેણી તૂટી જાય છે અને જીવનમાં એક જીવનસાથી ગુમાવવાનું દુઃખ કેટલું અઘરું છે તે બધા જાણે જ છે. આ સમયે તે આઘાત તેના માટે એક મુશ્કેલી છે. પણ તે આ મુશ્કેલીને જીવનમાં આગળ વધવાની તક માને છે. તેણી પોતાના ડીપ્રેશનમાંથી બહાર આવે છે. તેની ગર્લફ્રેન્ડના મૃત્યુ બાદ એલન તેના જીવનનું સૌથી પહેલું સ્ટેન્ડ અપ કોમેડીનું પરફોર્મન્સ આપે છે. જે તેનું જીવન બદલાવી નાખે છે.
તમારે આ ઉદાહરણમાંથી એટલું જ શીખવાનું છે કે જો તેણી જીવનની સૌથી મોટી લાગતી મુશ્કેલીમાંથી બહાર આવી શકતી હોય તો તમે તો જીવનમાં બહુ નાની સમસ્યાઓ લઈને બેઠા હશો. જો કે તમારા માટે મુશ્કેલીની વ્યાખ્યા શું છે તે પણ મહત્વનો ભાગ ભજવે છે.
એલન માટે તેની મુશ્કેલીનો ઈલાજ, તેના દુઃખનો ઈલાજ - તેનું કામ હતું. તેના માટે તે આઘાત એક તક બની ગયું. જીવનમાં બીજા લોકોને હસાવવાનું અને બીજા લોકોને પ્રેરણા આપવાનું. તમે શું કરવાનું પસંદ કરશો?
હજુ એક ચેમ્પિયનની માનસિકતા તમને જણાવું - તેનું કામ પ્રત્યેનું સમર્પણ. તેઓ થાકી ન જાય ત્યાં સુધી કામ કરતા રહે છે. તેઓ શરીરની અને મગજની મર્યાદાઓથી હારી જતા નથી. તેઓ સતત મહેનત કરતા રહે છે. તેના માટે ૯ થી ૫ની નોકરી કામ નથી. તેના માટે ૧૮ કલાક એક મજાનો સમય છે. તેના માટે કામ એ જ તેનું જીવન હોય છે.
તમે ઈચ્છો તો તમે પણ નોકરી કે ધંધા સિવાય તમારા સપનાઓ માટે સમય કાઢી શકો. દરેક નાના બહાના કે મુશ્કેલીને તકમાં ફેરવી શકો. કઈ રીતે આવું કરવું તેના જવાબ તમારી પાસે હશે જ. સવાલ માત્ર તેનો અમલ કરવાનો છે.
ફૂડ ફોર થોટ
આજે તમારા જીવનનું મુવી રીવાઈન્ડ કરીને જૂઓ. એવી કઈ કઈ ઘટનાઓ હતી જેમાં તમે બહુ જ હેરાન થયા હતા અને બહુ જ દુઃખી થઇ ગયા હતા. પછી આ ઘટનાઓના લીસ્ટમાં હજુ એક બાબત વધારે લખો. તે મુશ્કેલી કે ઘટનામાંથી બહાર નીકળ્યા બાદ તમારા જીવનમાં શું સારું થયું? બસ આ લીસ્ટ પરથી તમે ખરાબમાં પણ સારું જોતા શીખી જશો. એટલું જ નહી હવે પછી જીવનમાં મુશ્કેલી આવશે ત્યારે તમે તેનો સરળતાથી અને સભાનતાથી સામનો કરી શકશો.