તમે ચેમ્પિયન કોને કહેશો? મહેનતુ વ્યક્તિ? સફળતાની ભૂખ ધરાવનાર વ્યક્તિ? સફળ વ્યક્તિ? પેશન ધરાવનાર વ્યક્તિ? - જો કે આ પુસ્તકમાં ચેમ્પિયનનો અર્થ માત્ર એક જ શબ્દમાં આપી દીધો છે. અહી ચેમ્પિયન એટલે કમિટમેન્ટ. એવો વ્યક્તિ કે જે આપેલ વચન પૂરું કરી જાણે. તેણે પછી પોતાની જાતને કમીટમેન્ટ આપ્યું કે બીજા કોઈને. તે કામ પૂરું કરીને જ જંપે. તેનામાં દ્રઢ નિશ્ચયતા હોય. તેટલું જ નહી તે તેનું કમિટમેન્ટ પૂરું કરવા માટે ગમે તે કરી છૂટે.
આવો ચેમ્પિયન ક્યારેય થાકતો નથી. તે કમીટમેન્ટ પૂરું કરવા માટે સતત મહેનત કરતો રહે છે. પોતાની જાતનો વિકાસ કરતો રહે છે. તેના માટે ધ્યેયો મહત્વના હોય છે. એવરેજ લોકો કમીટમેન્ટ તો આપી દે છે. પણ જો વચ્ચે કોઈ મુશ્કેલી આવી જાય તો મેદાન છોડીને ભાગી જાય છે. તેઓ પોતે આપેલ કમીટમેન્ટ પૂરું કરી શકતા નથી.
એવરેજ લોકો તો ઘણીવાર કમીટમેન્ટ પણ એવા આપે છે જે તેના માટે સહેલા હોય. તેના કમ્ફર્ટ ઝોનમાં આવતા હોય. જયારે ચેમ્પિયન માટે તો કમ્ફર્ટ ઝોનની બહાર જ પ્રગતિ હોય છે. તેઓ તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કંઇક અલગ કરે છે. પોતાના ડરનો સામનો કરે છે. તેમજ સફળતા પણ હાંસિલ કરે છે.
ચેમ્પિયન એકવાર કોઈ કામ પૂરું કરવાનું નક્કી કરી લે પછી યુદ્ધના ધોરણે કામ કરે છે. તેના માટે "કરો યા મરો"ની નીતિ જ કામની હોય છે. તેઓ કામ પોતાનું વચન પાડવા માટે બધી જ મહેનત કરીને સફળતા હાંસિલ કરી લે છે.
જયારે કમીટમેન્ટની વાત આવે છે ત્યારે તે પૂરું કરવા માટે કિંમત પણ ચૂકવવી પડે છે. અંગ્રેજીમાં એક સુંદર સુવાક્ય છે - "એવરીથિંગ કમ્સ વિથ અ પ્રાઈઝ."
તમે જયારે કોઈ વ્યક્તિને કે પોતાની જાતને કોઈ કામ પૂરું કરવા માટે કમીટમેન્ટ આપો છો ત્યારે તમારે કંઇક ગુમાવવું પડે છે. તે પછી સમય, નાણા, મહેનત, એનર્જી, કોઈ આઈડિયા, કોઈ તક, વ્યક્તિ - કંઈપણ હોઈ શકે. કારણ કે જયારે કમીટમેન્ટ પૂરું કરવાની વાત આવે ત્યારે તમારે પુરેપુરા સમર્પણથી કામ કરવું પડે છે.
આવા સમયે ચેમ્પિયન લાગણીના તાણાવાણા કે પછી તર્કના ઘોડા પાછળ ભાગવાને બદલે મેન્ટલ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરે છે. તે કિંમત પણ એવી ચુકવે છે જેના કારણે તેને પોતાને ઓછી નુકસાની જાય અથવા સાવ નુકસાની જ ના થાય.
જો કે તમે પણ એક વાત યાદ રાખજો - જયારે તમે ચેમ્પિયન બનવાની રાહ પર ચાલવાનું નક્કી કરો છો ત્યારે સફળતા માટેની એક કિંમત ચૂકવવા તૈયાર રહેજો. કારણ કે દુનિયામાં કંઇ જ સરળતાથી કે મફતમાં મળતું નથી. કિંમત કોઇપણ સ્વરૂપે હોઈ શકે. જો હિંમત હોય તો જ સફળતાનો ઘોડો લઈને દોડવાનું.
આ બધું વાંચ્યા બાદ ખાલી એટલું વિચારો કે તમારા માટે કમીટમેન્ટ એટલે શું? તમે તમારા કમીટમેન્ટ પૂરા કરવા માટે શું કરી છૂટો એમ છો? શું તમારામાં કિંમત ચૂકવવાની હિંમત છે? - આ દરેક પ્રશ્નોના જવાબ થકી તમે તમારી જાતને વધુ સારી રીતે ઓળખી શકો છો.
તમારા જીવનમાં પણ એવી કોઈ ઘટના હશે જયારે તમે કરો યા મરોની નીતિ વાપરી હશે. અથવા તો તમારી આસપાસના કોઈ લોકોએ એવું કર્યું હશે. તેનામાંથી શીખો. જો તમે ક્યારેય કમીટમેન્ટ આપીને કામ ન કર્યું હોય તો કોઈ કામ પૂરું કરી આપવાની જવાબદારી સાથે શરુ કરો. એક ચોક્કસ સમય નક્કી કરો. તેટલા સમયમાં કામ પૂરું કરી જ નાખો.
ફૂડ ફોર થોટ
કમીટમેન્ટ એક મહત્વનો શબ્દ છે. જયારે તમે તમારી જાત સાથે કે બીજા લોકો સાથે કોઈ કમીટમેન્ટમાં જોડાવ છો ત્યારે તેના પર ટકી રહો. તમારા જીવનમાં ક્યાં પાંચ કમીટમેન્ટ એવા છે જે તમે કોઇપણ હાલતમાં પૂરા કરવા માટે તત્પર છો. તેના માટે તમે કેટલી મહેનત કરી રહ્યા છો અને કેટલી મહેનત કરવા તૈયાર છો? તમારી જાતને એક સરળ પણ સટીક પ્રશ્ન પૂછો - "શું હું આપેલા કમિટમેન્ટ પૂરા કરી શકીશ?" જવાબ તમને સાચી દિશા આપશે.