કમ્યુનિકેશન અને નેટવર્કિંગનું મહત્વ

communication.jpg

કમ્યુનિકેશન અને નેટવર્કિંગનું મહત્વ

અંગ્રેજી ભાષામાં એક બહુ જ સુંદર સુવાક્ય છે – “કમ્યુનિકેશન વર્કસ ફોર ધોઝ હુ વર્ક એટ ઈટ.” સરળ ભાષામાં કહું તો જો તમે તમારી વાતચીત કરવાની આવડત પર કામ કરશો તો આ જ આવડત તમને વધુ સારા વક્તા બનાવશે.” જીવનના કોઇપણ ક્ષેત્રમાં – કારકિર્દી, સંબંધો, સ્વ,માં વાતચીતનું સૌથી વધુ મહત્વ છે. તમારામાં જેટલું વાકચાતુર્ય વધુ હશે તેટલી સફળતાની સીડી તમારા માટે સહેલી બનશે. આજના સિક્રેટમાં ચેમ્પિયન કઈ રીતે કમ્યુનિકેશન અને નેટવર્કિંગના ઉપયોગ થકી સફળતા હાંસિલ કરે છે તેની વાત કરીશું.

તમે ક્યારેક ચેમ્પિયનનું નિરિક્ષણ કર્યું છે? તેઓ કોઇપણ વ્યક્તિ સાથે બહુ ઓછા સમયમાં સારા સંબંધો વિકસાવી શકે છે. તેને તમે દુનિયાના કોઇપણ છેડે મૂકી દો પણ તે લોકોને પોતાના બનાવી શકે છે. તેઓ પોતાના ધંધાની કે નોકરીની અઘરીમાં અઘરી ડીલ પણ બુદ્ધિ અને કમ્યુનિકેશન થકી જીતી લે છે. જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો તમારી કમ્યુનિકેશનની આવડત પર કામ કરો. તમારી જાતનું નિરિક્ષણ કરો. તમે લોકો સાથે કઈ રીતે વાત કરો છો, લોકો સાથે કઈ રીતે સંબંધો વિકસાવો છો, તમારે તમારી ભાષા કે વાતચીતની ઢબમાં કોઈ બદલાવ લાવવાની જરૂર છે કે નહી તેના પર કામ કરો.

નેટવર્કિંગ તમારા માટે અનેક તકો લઈને આવે છે.”

તમે નોકરી કરતા હો, ધંધો કરતા હો, વિદ્યાર્થી હો કે ગૃહિણી હોય – નેટવર્કિંગ ખુબ જ જરૂરી છે. માત્ર ઉત્તમ કમ્યુનિકેશન થકી સંબંધો વિકસાવી લેવાથી કઈ જ નહી થાય. તમારે તે સંબંધોને જાળવી રાખતા પણ શીખવું પડશે. તમારા નેટવર્કમાં એક જ પ્રકારના લોકો ન રાખો. અલગ અલગ ક્ષેત્રના લોકો તમારા નેટવર્કમાં હોવા જોઈએ. જેથી કરીને તમારા માટે અનેક તકો ખુલી જશે. આ ઉપરાંત આ બધા જ લોકો સાથે ટૂંકાગાળાના કે સ્વાર્થના સંબંધ ન નિભાવો. તેઓ સાથે લાંબાગાળાના સંબંધો નિભાવો. જરૂર પડે તેને પણ મદદરૂપ થાવ. જરૂરી નથી કે તમે નાણા થકી જ લોકોને મદદરૂપ થઇ શકે. ચેમ્પિયનનો સૌથી ઉત્તમ ગુણ હોય છે તેની વિનમ્રતા. તે હંમેશા બધાને મદદરૂપ થાય છે. બધા લોકો સાથે ઉત્તમ સંબંધ નિભાવી જાણે છે.

નેટવર્કિંગના અનેક ફાયદાઓ છે. માની લો કે તમારો ધંધો થપ્પ થઇ ગયો. આવા સમયે જો તમારું નેટવર્ક સારું હશે તો તમને માર્ગદર્શન પણ મળશે, નાણા કમાવવાની નવી તકો વિશે પણ જાણવા મળશે અને બધા લોકો તમને ખરાબ સમયમાં સાથ પણ આપશે. આ બધું ત્યારે જ શક્ય થશે જયારે તમારું નેટવર્ક મોટું અને સ્વાર્થવિહીન હશે. નેટવર્કિંગ કરવા માટેની અનેક ટેકનીક્સ છે. તે શીખવા માટે નેટવર્કિંગ પરના પુસ્તકો વાંચો. તે ટેકનીક્સને અમલમાં મૂકો.

“લોકોને માત્ર સાંભળો નહી, તેઓને સમજો!”

મોટાભાગના લોકોને વાત સમજવા કરતા સાંભળવામાં રસ હોય છે. તેઓ સાંભળવા ખાતર વાત તો સાંભળી લે છે. પણ તેઓ સામેવાળા વ્યક્તિને સમજવાનો પ્રયત્ન નથી કરતા. જો તમે વર્લ્ડ ક્લાસ ચેમ્પિયન બનવા માંગતા હો તો સારા શ્રોતા બનો. જયારે તમે લોકોને શાંતિથી સાંભળો છો અને તેઓને સમજવાનો, તેઓની લાગણીઓને સમજો છો ત્યારે ઉત્તમ સંબંધો વિકસાવી શકો છો. જો કે ચેમ્પિયન ફાલતું વાતો પર ધ્યાન નથી આપતા. જો તમે બધા જ લોકોને સાંભળવા બેસી જશો તો તમારા જીવનમાં ક્યારેય આગળ નહી વધી શકો. તેથી તમારા સમય, તમારી આસપાસના લોકોને સમજી વિચારીને પસંદ કરો. તમે પણ જયારે લોકો સાથે વાત કરો ત્યારે નવા આઈડિયાઝ, હકારાત્મક બાબતોની વાત કરો. નકારાત્મક વાતો અને નકારાત્મક લોકોથી દૂર રહો. સરળ સ્વભાવના બનો. નકામી વાતો અને સંબંધોમાં તમારો સમય ન બગાડો.

ફૂડ ફોર થોટ

આજે જ કોઈ કમ્યુનિકેશન ટેકનીક્સ શીખવા માટેનું પુસ્તક વાંચવાનું શરુ કરો અથવા વિડીયોઝ જોવાના શરુ કરો. તમારી જાત પર કામ કરો. કમ્યુનિકેશન અને નેટવર્કિંગમાં પાવરધા બનો.

 

આભાર

દર્શાલી સોની