કઈ જ અઘરું નથી

કઈ જ અઘરું નથી!

મિડલ ક્લાસ લોકો એવું માને છે કે અઘરી બાબતોથી લોકો વધુ પ્રભાવિત થાય છે. આ માન્યતા તદન ખોટી છે. વર્લ્ડ ક્લાસ લોકોની માન્યતા મિડલ ક્લાસ લોકો કરતા તદન વિપરીત છે. તેઓ કોઈપણ અઘરા આઈડિયા, ફિલોસોફી કે સીસ્ટમને ખૂબ જ સરળ આઈડિયા, સીસ્ટમ કે ફિલોસોફીમાં રૂપાંતરિત કરી દે છે. ૨૦મી સદીમાં આલ્બર્ટ આઈનસ્ટાઈને રીલેટીવીટીનો સિદ્ધાંત આપ્યો. બધા વૈજ્ઞાનિકોના મતે આ સિદ્ધાંત ખૂબ જ અઘરો છે. ત્યારે આઈનસ્ટાઈને ખૂબ જ સરળતાથી સમજાવતા કહ્યું - "તમે કોઈ સુંદર છોકરી સાથે સમય વ્યતિત કરો ત્યારે સમય કેટલો ઝડપથી પસાર થઇ જાય છે પરંતુ જો તમે કોઈ અણગમતા વ્યક્તિ સાથે સમય પસાર કરો કરો તો થોડો સમય પણ બહુ કંટાળાજનક બની જાય છે. - આ સિદ્ધાંત રીલેટીવીટીનો સિદ્ધાંત છે." આ રીતે આઈનસ્ટાઈને અઘરા સિદ્ધાંતને ખૂબ જ સરળ ભાષામાં સમજાવી દીધો.

મહાન લોકોની ખાસિયત જ એ છે કે તેઓ કોઈપણ અઘરી વિચારધારાને સરળ વિચારધારામાં આરામથી રૂપાંતરિત કરી શકે છે. જયારે નવશિખીયા લીડર્સ માટે સફળતા ખૂબ જ અઘરી બાબત છે. તેના મતે અમુક આઈડિયા, સિદ્ધાંતો, વિચારો અને આદતો થકી સફળતા ન મેળવી શકાય. તેઓ સફળતાની મુસાફરીને જરૂર કરતા વધુ અઘરી બનાવી દે છે. અનેક મોટી કંપનીમાં અઘરી સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. મહાન લીડર્સને પૂછશો તો તેઓ કહેશે કે ધંધાના ૯૦% પ્રશ્નો તો નફો વધવાથી જ ઉકેલાઈ જતા હોય છે. તેના માટે કોઈ અઘરી સીસ્ટમ અમલમાં મુકવાની જરા પણ જરૂર નથી. ચેમ્પિયન્સ સતત તેના વિચારો અને આઈડિયાને સરળ બનાવવાના પ્રયત્નો કરતા રહે છે. તેઓના મનમાં દરેક બાબત માટે સ્પષ્ટતા હોય છે. કોઈપણ બાબતને સરળ બનાવી દેવાથી સ્પષ્ટતાથી કામ કરી શકાય છે. સ્પષ્ટતાથી નિર્ણય લઇ શકાય છે.

ફૂડ ફોર થોટ

એવી કઈ બાબતો છે જેનાથી તમે પ્રોત્સાહિત થતા હો, ખુશ થતા હોય, કંઇક કરી છૂટવાની પ્રેરણા મળતી હોય. આ બાબતો કે આઈડિયાને શબ્દોમાં રૂપાંતરિત કરી દો. એટલી હદે તમારા વિચારોને સરળ બનાવી દો કે ચોથા ધોરણમાં ભણતું બાળક પણ તમારી વાતને સમજી શકે. આ પ્રવૃત્તિ દ્વારા તમે માનસિક રીતે દરેક બાબતમાં સ્પષ્ટ બનતા શીખી જશો.