ઉતાવળે આંબા ન પાકે!

money as a tool.jpg

ઉતાવળે આંબા ન પાકે!

આજના સિક્રેટમાં એક એવા ગુણની વાત કરવી છે જે દરેક વ્યક્તિના જીવનમાં હોવો અનિવાર્ય છે. તમે ચેમ્પિયન બનવા માંગતા હો કે પછી તમારા જીવનથી ખુશ હો – આ ગુણ તો કેળવવો જ જોઈએ. જો કે આ ગુણ દરેક વ્યક્તિમાં હોતો નથી. આ ગુણનું નામ છે – “ધીરજ”. જીવનના કોઇપણ તબક્કામાં તમે અટવાયેલા હો – ધીરજ એક જ એવો ગુણ છે જે તમને આગળ વધારી શકશે. એવરેજ લોકો અને ચેમ્પિયન આ ધીરજના ગુણ થકી કઈ રીતે અલગ પડી જાય છે તે આજે સમજીએ:

૧ માનસિકતા

એવરેજ લોકોને એવું લાગે છે કે જો તેઓ કોઈ દિશામાં કંઇક મહેનત કરે છે તો તેઓને તરત જ પરિણામ મળી જવું જોઈએ. તેઓને તરત જ સફળતા મળી જવી જોઈએ, બેંક અકાઉન્ટ નાણાથી ભરાઈ જવા જોઈએ, છાપે નામ આવી જવું જોઈએ, સમાજમાં વાહ-વાહ થઇ જવી જોઈએ. જો કે એવરેજ લોકો એ નથી સમજતા કે સફળતાની ગતિ કંઇક અલગ છે. તે તમારી સ્પીડે કામ નથી કરતું.

ચેમ્પિયન આ વાત સારી રીતે સમજે છે. તેને ખબર જ છે કે તેણે કરેલા પ્રયત્નો ક્યારેય નકામાં જવાના નથી. ક્યારેક તો કામમાં આવશે જ. સફળતાના યોગ્ય સમયની રાહ જોવા માટે પણ ધીરજ જોઈએ. માનવીનું મન જ એટલું ચંચળ છે કે તેને તેના સમયે જ બધું જોઈતું હોય છે. જે વાસ્તવિક જીવનમાં શક્ય નથી.

તમને કુદરત પાસેથી પણ ધીરજનો ગુણ શીખવા મળે છે – શા માટે બાળક નવ મહીને જ જન્મે છે? શા માટે એક છોડમાંથી વ્રુક્ષ બનતા સમય લાગે છે? શા માટે ચકલી એક એક તણખા ભેગા કરીને માળો બનાવે છે? – તે તો કોઇપણ જગ્યાએથી તૈયાર માળો શોધવા નથી જતી.

જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો એક માનસિકતા મગજમાં નાખી જ દો –

“જ્યાં સુધી લોકો તમને એવરેજ વ્યક્તિને બદલે ચેમ્પિયન તરીકે ઓળખવા ન લાગે ત્યાં સુધી મહેનત કરતા રહો.”

૨ બલિદાનો

જીવનમાં સફળતા પામવા માટે ખાલી મહેનત કરવું કાફી નથી. કોઈવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો કરતા હો છો પણ ખોટી દિશામાં. આવા સમયે તમને ધારેલા પરિણામો ન મળે તો હતાશા તો મળવાની જ. તેથી તમારી સફળતા માટેની દિશા કેવી છે એ પણ ચકાસી લો. એક સરસ સુવાક્ય છે –

Everything comes with a price”

આપણા સમાજમાં અમુક માન્યતાઓ સત્ય મનાવવા લાગી છે. જેમ કે કંઇક પામવું હશે તો કંઇક ગુમાવવું પડશે. અમુક સપનાઓ હાંસિલ કરવા માટે અમુક બલિદાનો કરવા પડશે. વગેરે વગેરે. જો તમે ધ્યાનથી વિચારો તો આપણે જ નક્કી કરીએ છીએ કે શું મેળવવું છે અને શું ગુમાવવું છે. યુનિવર્સ આપણા પર એ નિયમ નથી થોપતી કે તમે કંઇક ગુમાવશો તો જ હું તમને કંઇક આપીશ. ચેમ્પિયન આ વાત સારી રીતે જાણે છે. તેથી જ તેના માટે બલિદાનની વ્યાખ્યા અલગ છે.

ચેમ્પિયન બલિદાન આપે છે – અધીરાઈનું, આળસનું, નકામી પ્રવૃત્તિઓનું, સમયના બગાડનું. તેના માટે મહેનત કરવી, પોતાના કામમાં માસ્ટરી કેળવવી, ધીરજ રાખવી, સતત શીખવું રહેવું. આ બધું જ વધારે મહત્વનું છે. તેથી તેના માટે બાકીના બલિદાનો આપવા સરળ બની જાય છે.

જો કે જયારે ચેમ્પિયન દિવસ-રાત એક કરીને મહેનત કરે છે ત્યારે તેને ન સમજવાવાળા લોકો ગાંડા પણ ગણે છે. ક્યારેક તો તેની ટીકા પણ કરે છે. આવા સમયે ચેમ્પિયન માટે બીજાનો અભિપ્રાય મહત્વનો નથી હોતો. તેના માટે પોતાનો અભિપ્રાય અને પોતાની મહેનત જ મહત્વની હોય છે.

હવે તમે પણ બલિદાનો માટેની વ્યાખ્યા બદલી નાખો. એક રવિવાર મુવી નહી જોવો, ફેસબુકમાં ઓછો સમય વીતાવશો – તો કઈ મોટી નુકસાની નહી થઇ જાય. તેની બદલે તમારા ધ્યેય માટે મહેનત કરશો તો ક્યારેક તો પરિણામ મળશે જ. આમ પણ ચેમ્પિયન ભગવાન શ્રી કૃષ્ણની ફિલોસોફીને અનુસરે છે,

“કર્મ કરો. ફળની ચિંતા ન કરો.”

૩ આયોજન

જો તમને એ સત્ય સમજાઈ ગયું હોય કે ઉતાવળે આંબા ન પાકે. તો એ પણ સમજી લો કે ધીરજથી કામ કરવા માટે ચોક્કસ આયોજન કરવું જરૂરી છે અને તેનો અમલ કરવો પણ જરૂરી છે. ચેમ્પિયન હંમેશા તેના કામમાં બે ડગલા આગળ ચાલતા હોય છે. તેના આયોજન ચોક્કસ અને જરૂર પડે ફ્લેક્સીબલ હોય છે. તેઓ પાસે હંમેશા પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે એક કરતા વધુ વિકલ્પો હોય છે. તેઓ સતત પોતાના વિચારોમાં ખોવાયેલા હોય છે. તેઓ કોઇપણ હાલતમાં ધ્યેયને હાંસિલ કરીને રહે છે. તેના માટે તેઓ સ્વ શિસ્ત થકી આયોજનને અનુસરે છે.

ફૂડ ફોર થોટ

તમારી જાતને પૂછો:              

મને મારા વખાણ સાંભળવા ગમે છે કે પછી મારી ગમતી પ્રવૃત્તિ કરવી ગમે છે? – જવાબ પરથી ખબર પડી જશે – એવરેજ માનસિકતા છે કે પછી વર્લ્ડક્લાસ.

 

આભાર

દર્શાલી સોની