આજે સિક્રેટની શરૂઆત એક નવો શબ્દ શીખીને કરીશું. જેમ ચેમ્પિયન બનવા માટે અનેક સિક્રેટ્સ શીખવા અને અમલમાં મૂકવા જરૂરી છે. તેમ તમારા શબ્દભંડોળમાં વધારો થતો રહે તે પણ જરૂરી છે. તો ચાલો એક નવા શબ્દથી શરૂઆત કરીએ.
મથાળા પરથી તમને પ્રશ્ન થશે કે આ મોમેન્ટમ એટલે શું ખરેખર? મોમેન્ટમ એક મનની પરિસ્થિતિ છે જે દરમ્યાન તમે ઉત્સાહ, પેશન અને અદમ્ય શક્તિનો અનુભવ કરો.
માનવી એક લાગણીશીલ પ્રાણી છે.
“તે ઉત્તમ પરફોર્મન્સ તો જ આપી શકશે જો તે મનથી સ્થિર અને ખુશ હશે.”
જે વ્યક્તિ મોમેન્ટમના અહેસાસથી પસાર થતો હોય તેનું વર્તન જ તમને અલગ લાગશે. તે સતત ઉત્સાહિત અને ખુશ રહેવા લાગશે. તે લાગણીશીલ હોવા છતાં એક અલગ જ મનના ઝોનમાં રહીને તેના સપનાઓ માટે દોડતો હશે. તે વ્યક્તિ ક્યારેય થાકશે. નહીં. તેના મનમાં સતત આગળ વધવાની, સતત શીખતું રહેવાની, સતત ધ્યેયો માટે કામ કરતું રહેવાનું તલપ હશે. તેના માટે આળસ ક્યારેય વિકલ્પ નહીં હોય.
મોમેન્ટમ – એક માનસિકતા
ચેમ્પિયન્સ આ મોમેન્ટમ માનસિકતાનો ઉપયોગ પોતાના પેશન પાછળ કરે છે. તેઓ સતત ઉત્સાહિત રહીને પોતાના વિચારોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરે છે. ચેમ્પિયન્સ તેની લાગણીઓને કાબૂ કરતા શીખે છે. તેનો મોમેન્ટમની માનસિકતા કેળવતા શીખી જાય છે. મોમેન્ટમ થકી આત્મવિશ્વાસ વધે છે અને એક અલગ જ પ્રકારના પાવરની અનુભૂતિ થાય છે.
હકીકતમાં મોમેન્ટમ એક દ્રષ્ટિકોણ છે. કોઈપણ લાગણીશીલ વ્યક્તિ મોમેન્ટમની માનસિકતા શીખી શકે છે. એવરેજ લોકો કોઈવાર મોમેન્ટમ અનુભવે છે. જયારે ચેમ્પિયન્સ સતત મોમેન્ટમમાં જીવતા હોય છે. એવરેજ લોકો મોમેન્ટમ માનસિકતા આપોઆપ વિકસે તેની રાહ જુએ છે. જયારે ચેમ્પિયન્સ મોમેન્ટમ માનસિકતાનું સર્જન કરે છે.
આ કોઈ રોકેટ સાયન્સ નથી. તમે પણ મોમેન્ટમની માનસિકતા વિકસાવી શકો છો. સાવ સરળ ભાષામાં કહું તો મોમેન્ટમ એટલે તમારે સતત એવી માનસિક અવસ્થામાં રહેતા શીખવાનું છે જેમાં – નિરાશા, આળસ, સમયના બગાડને સ્થાન નથી. જયારે તમે આ માનસિકતા વિકસાવી લેશો પછી ધ્યેયો હાંસિલ કરવા સરળ લાગવા માંડશે. આપોઆપ જ તમારી આગળ વધવાની ઝડપ વધશે, તમને સાચા રસ્તાઓ, યોગ્ય માર્ગદર્શક અને જોઈતી તક મળવા લાગશે. આ બધું જ પામવા માટે તમારે સૌથી પહેલા મોમેન્ટમ માનસિકતામાં જીવતા શીખવું પડશે.
ફૂડ ફોર થોટ
તમારી જાતને સતત નીચેનું વાક્ય કહેતા રહો:
"મારામાં અદભુત માત્રામાં મોમેન્ટમની લાગણી રહેલી છે." આ જ રીતે તમારા મગજનું ઉત્તમ રીતે પ્રોગ્રામિંગ કરવા માટે નવા નવા હકારાત્મક વાક્યો તમારી જાતને કહેતા રહો. જ્યાં સુધી તમારું મન આ દરેક વાક્યોને સ્વીકારવા ન લાગે ત્યાં સુધી આવા અનેક વાક્યો બોલતા રહો.
અર્ધજાગૃત મન શું કાલ્પનિક છે અને શું વાસ્તવિક છે તેની વચ્ચેનો ફરક સમજી શકતું નથી. તેથી તમે જે પ્રકારના વિચારો કરશો તે પ્રકારના પરિવર્તન પણ આવશે જ. તમારા ધ્યેય સુધી પહોંચવા માટે ઉત્તમ ભાષા અને ઉત્તમ વિચારોનો ઉપયોગ કરો. મોમેન્ટમની માનસિકતા તમને સફળતા અપાવશે.
તમે આ માનસિકતા અપનાવવા માટે – જે લોકો મોમેન્ટમની માનસિકતામાં જીવે છે તેની સાથે પણ સમય વિતાવી શકો. અહી એ વાત ખરી પડશે કે જેવો સંગ તેવો રંગ. આવી માનસિકતામાં જીવતા લોકો સતત પ્રવૃત્તિશીલ રહે છે, સીસ્ટમને ધ્યાનમાં લઈને કામ કરે છે, શિસ્તને ધ્યાનમાં લે છે, તેના વિચારો અને પ્રવુત્તિમાં તેની આ માનસિકતા જોવા મળે છે. તેથી તમે જયારે આવા લોકો સાથે સમય વિતાવો છો ત્યારે તેની પ્રોસેસને સરળતાથી અનુસરી શકશો. આજથી જ આ માનસિકતા પર કામ કરવાનું શરુ કરી દો.