આ દુનિયામાં પ્રમાણિકતા અપનાવી શકાય ખરી?

honesty by darshali soni.jpg

એક સમય એવો હતો જયારે એવું માનવામાં આવતું કે ખોટું બોલવું પાપ છે. હવે એવો સમય આવી ગયો છો કે જો તમને ખોટું બોલતા નહી આવડતું હોય, જો તમે બહુ જ ભોળા હશો, જો તમે બહુ જ પ્રમાણિક હશો તો ફેકાઈ જશો. દુનિયા તમને ખાઈ જશે અને તમને ખબર પણ નહી પડે. હવે જાણે પ્રમાણિકતા એ નબળા વ્યક્તિત્વની નિશાની બની ગઈ. હા, એમાં મુવીઝ, સિરીઝ – તેના લુચ્ચા પાત્રો, અનેક પ્રકારની નવલકથાઓ, આપણી આસપાસ ઘટતી ઘટનાઓ જરૂરથી જવાબદાર ગણી શકાય.

હવે પ્રમાણિકતા શબ્દ માત્ર ઈન્ટરવ્યું પહેલા મળતા રેઝ્યુમેમાં જ લખવા માટે વપરાઈ રહ્યો છે. તેને જીવતા લોકો બહુ જૂજ છે. પણ શાંતિથી વિચારો તો પ્રમાણિકતા એ એક એવો ગુણ છે જે તમને લાંબાગાળે તો ખરો જ પણ જીવનના કોઇપણ તબક્કામાં સફળતા અપાવશે. ચેમ્પિયન એટલે કે સફળ લોકોમાં આ ગુણ ખૂટી ખૂટીને જોવા મળે છે. આવું શા માટે તેની જ વાત આજના સિક્રેટમાં કરવી છે.

સફળ લોકો અને પ્રમાણિકતા

ચેમ્પિયન્સ નિખાલસ અને પ્રમાણિક હોય છે. તેઓને રાજકારણ અને છેતરપીંડી ગમતી નથી. તેઓ પ્રમાણિકતાની ફિલોસોફીને જીવનભર અનુસરે છે. તેઓ પ્રમાણિક હોવાથી કોઈપણ બલિદાન આપવા પણ તૈયાર થઇ જાય છે. ઘણા લોકો ખોટો રસ્તો અપનાવીને ધનવાન બની જાય છે. જયારે ચેમ્પિયન્સ જાણે છે કે માત્ર ધનવાન બનવાથી સફળતા મળતી નથી. પ્રમાણિકતાથી કમાયેલું ધન જ સાચી પ્રતિષ્ઠા અને સફળતા અપાવે છે. ચેમ્પિયન્સના વિચારો જ સાચી દિશામાં હોય છે. તેથી તેઓ કોઈ ખોટા વિચારોને આકર્ષતા જ નથી. ચેમ્પિયનની માનસિકતા પહેલેથી જ હકારાત્મક હોય છે. તેઓ પ્રમાણિકતાને નબળાઈ બનવાને બદલે તેને એક મજબુત સાધન માને છે.

પ્રમાણિકતા અંગેનો સાચો દ્રષ્ટિકોણ

ઘણા લોકો એવું માને છે કે સફળતાને છીનવી શકાય છે. કોઇપણ રસ્તો અપનાવીને સફળતા મેળવી શકાય છે. હકીકતમાં સાચી મહેનત અને પ્રમાણિકતાથી કરેલ કામની સફળતા જ તમને ખૂશી અપાવી શકશે. 

એવરેજ લોકોની મેન્ટાલીટી  "લોટરી" જેવી હોય છે. તેઓ કોઈ લોટરી મળી જાય અને તેઓ ધનવાન બની જાય તેવી માનસિકતા રાખે છે. તેઓના માટે ભૌતિક સુખ સમૃદ્ધી જ સુખની વ્યાખ્યા છે. જયારે મહાન લોકો માટે ખૂશીની વ્યાખ્યા અલગ છે. તેઓ કેટલો સંઘર્ષ કરીને જીવનમાં આગળ આવ્યા અને તેઓએ તેના ધ્યેય હાંસિલ કર્યા કે નહિ તેના પરથી તેની ખૂશી નક્કી થાય છે. સંઘર્ષ વગરની જીત નકામી છે. એ જ રીતે પ્રમાણિકતા વગરની જીત પણ નકામી છે.

જો તમે પ્રમાણિકતાનું મૂલ્ય નહી સમજો તો આગળ જતા તમારા ખોટા કામ, તમારી લાલચ જ તમને નુકસાન પહોંચાડશે. તેથી જ તમે પણ એવા લોકો સાથે કામ કરો કે જે પ્રમાણિક હોય, સાથોસાથ તમે તમારી પ્રમાણિકતા ક્યારેય ન ચૂકો.

ફૂડ ફોર થોટ

તમારી જાતને આજે વચન આપો - તમે ક્યારેય તમારી જાત સાથે અપ્રમાણિક નહિ બનો. ક્યારેય ખોટા માર્ગથી નાણા નહિ કમાવો. અપ્રમાણિકતાથી મળેલી પ્રતિષ્ઠા પણ ખોખલી છે. અપ્રમાણિકતા તમારી આત્માને નબળી બનાવી દેશે. આ વચન આપી દેવાથી વાત પૂરી નહી થાય. તેને તમારે અમલમાં પણ મુકવું પડશે. હાલમાં તમારી સામે અનેક એવી તક આવશે, લાલચ આવશે કે જે તમને ખોટા રસ્તે જવા માટે પ્રેરણા આપશે. ત્યારે આ ખોટા રસ્તા પર ન જવું, પ્રમાણિક જ બની રહેવું – બહુ મોટો ભાગ ભજવે છે. તમારી જાત પરનો કાબૂ, તમારી લાલચ પરનો કાબૂ, તમારા વિચારો પરનો કાબૂ તમને ખરી સફળતા અપાવશે. તેથી જ જયારે ચેમ્પિયન બનવાની વાત આવે ત્યારે પ્રમાણિકતાને મહત્વ આપો.