આનંદી સ્વભાવ થકી જીવો આનંદી જીવન

HAPPY MAN BY DARSHALI SONI.jpg

શું તમારો સ્વભાવ આનંદી છે? કે તમે ધીર-ગંભીર વ્યક્તિ છો? કે પછી તમને ખુશ કરવા કે હસાવવા તે ખુબ જ અઘરું કામ છે? તમારો જવાબ જે કંઈપણ હોય, પણ જો તમારે ચેમ્પિયન બનવું હોય તો સ્વભાવમાં પણ ફેરફારો કરવા તૈયાર રહેવું પડશે.

ચેમ્પિયન્સ તો મોજીલા હોય છે. તેઓ હંમેશા આનંદમાં રહે છે. તેઓને તેનું કામ કરવાની મજા આવે છે. બહારના લોકો એવું માને છે કે – ચેમ્પિયન્સ શિસ્તબદ્ધ, બલિદાન આપનારા હોય છે. તેઓ જાણે સફળતા મેળવવા માટે મશીનની જેમ કામ કરે છે. હકીકતમાં જો તમે કોઈ ચેમ્પિયન્સને જાણશો તો ખ્યાલ આવશે કે તેઓની સફળતાનો એક જ મંત્ર છે: આનંદમાં રહીને કામ કરો. તેઓ તેના કામને પૂરા મનથી માણે છે. જયારે એવરેજ લોકો કામનો લોડ લઈને જ જીવતા હોય છે. તેના ચહેરા પર હાસ્ય જોવું પણ આશ્ચર્યની વાત કહેવાય. તેઓના મનમાં હંમેશા કામની ચિંતા જ હોય છે.

તમને ખબર હશે કે જો તમારું મન ખુશ નહી હોય તો તમે પણ ખુશ નહી રહી શકો. જો તમે ખુશ નહી હો તો કામ પર ધ્યાન નહી આપી શકો અને કામ પર નહી ધ્યાન આપો તો સફળતા હાંસિલ નહી થાય. ટૂંકમાં તમારી સફળતાનો આધાર તમારા માઈન્ડસેટ અને સ્વભાવ સાથે સીધો જ જોડાયેલો છે. ખુશ રહો. હળવાશથી જીવન જીવો. કામ પણ આનંદ કરતા કરતા કરો.

ચેમ્પિયન તેની કારકિર્દી નક્કી કરવામાં ઉતાવળ કરતા નથી. તેઓ કારકિર્દીનો એવો જ રસ્તો પસંદ કરે છે જેના થકી તેના ટેલેન્ટ અને આવડતનો વિકાસ થાય. તેઓ તેના પેશન માટે બધું જ કરી છૂટે છે. જો તમને તમારું કામ કરવું ગમતું જ નહી હોય તો આવી કારકિર્દીનો કોઈ મતલબ જ નથી. તેથી બધાની સાથે દુનિયાની રેસમાં ભાગવાને બદલે તમારે જોઈતો હોય તેટલો સમય લો પણ તમારી ગમતી પ્રવૃત્તિ શોધો. જેથી કરીને તમને પાછળથી અફસોસ ન થાય.

નવશિખીયા લીડર્સને તેની નોકરીથી નફરત હોય છે. તેથી જ તેઓ ક્યારેય વર્લ્ડ ક્લાસ વ્યક્તિ બની શકતા નથી. હા, એ વાત સાચી છે કે વર્લ્ડ ક્લાસ લોકો  શિસ્તબદ્ધ હોય છે. પરંતુ તેની સફળતાનું રહસ્ય છે તેની અમુક લાગણીઓ: આનંદ, ઉત્સાહ, મોજ મજા અને તેનું કામ પૂરું થાય ત્યારબાદની ખુશી. એવરેજ લોકો તેની નોકરીમાં ગધેડાની જેમ કામ કરે છે અને ઘરે પાછા આવી જાય છે. જયારે ચેમ્પિયન્સ તેની નોકરી કે કામને જ એટલું રોમાંચક બનાવી દે છે કે તેને ઘરની યાદ જ નથી આવતી. તેની કામની જગ્યા જ તેના માટે તેનું ઘર બની જાય છે. તેથી જ એવરેજ લોકો ક્યારેય ચેમ્પિયન્સ સાથે હરીફાઈમાં ઉતરી શકતા નથી. એવરેજ લોકો  ક્યારે ૯ તો ૫ની નોકરી પૂરી થાય અથવા તો ક્યારે આઠ કલાક પૂરી થાય તેની રાહ જોતા હોય છે. જયારે ચેમ્પિયન માટે કામ અને સમય સાથે કોઈ લેવાદેવા નથી. તેઓને ગમતું કામ કરવાનું કહેવામાં આવે તો તેઓ ૧૪ કલાક પણ તેમાં વિતાવી દે છે. તેઓને ખાવા-પીવાનું પણ ભૂલાઈ જાય છે. આવું ત્યારે જ થઇ શકે જયારે તમને જે-તે કામ કરવું ગમતું હોય. બાકી ન ગમતા કામથી તો કોઇપણ વ્યક્તિ જલ્દી છૂટવાનો જ પ્રયત્ન કરે છે.

જો તમારે ચેમ્પિયન બનવું હોય તો આનંદી બનવું પડશે. હળવાશથી જીવન જીવતા શીખવું પડશે. જીવનની દરેક પરિસ્થિતિનો સામનો આનંદથી કરતા શીખવું પડશે. ત્યારે જ તમે ચેમ્પિયન જેવી માનસિકતા કેળવી શકશો.

એક વ્યક્તિ જયારે જીવનરૂપી રમતમાં ટકી રહેવા માટે કામ કરતો હોય છે ત્યારે ચેમ્પિયન્સ જીવનને એક રમત સમજીને રમવાની મજા લૂંટે છે. તેમજ સફળતા પણ મેળવે છે.

ફૂડ ફોર થોટ

“તમે તમારા જીવનથી કેટલા ખુશ છો?” – ૧ થી ૭ના સ્કેલ પર તમારી ખુશીને માપો.

ત્યારબાદ એવી પ્રવૃત્તિઓનું લીસ્ટ બનાવો જે તમને સૌથી વધુ ખુશી આપતી હોય. તે દરેક પ્રવૃત્તિઓને ૧ થી ૭ના સ્કેલ પર માપો. આવી જ રીતે તમારી જાતને હજુ એક પ્રશ્ન પૂછો:

“એવી કઈ પ્રવૃતિઓ છે જે મને આનંદ આપતી નથી?”

તમને જે કોઇપણ પ્રવૃત્તિઓ કરવી નથી ગમતી તે કરવાની બંધ કરી દો. જીવનમાં કઈ જ પરાણે ન કરવું જોઈએ. આ ઉપરાંત જીવનમાં કઈ જ ફરજીયાત પણ નથી. તેથી ન ગમતું નહી કરવાનું.

“ શું હું મારી ન ગમતી પ્રવૃત્તિઓને મારા જીવનમાંથી દૂર કરી શકું તેમ છું?”

આ પ્રશ્નનો જવાબ હા જ હોવો જોઈએ. જો જવાબ હા ન હોય તો તો કેવી રીતે હામાં પરિવર્તિત કરવો તેના માટે રસ્તાઓ શોધો. બની શકે તમને તમારી નોકરી ન ગમતી હોય. તો તમારી ગમતી પ્રવૃત્તિ કે કામ ન શોધી લો ત્યાં સુધી તે નોકરી કરો. પછી તમારો બધો જ સમય અને પ્રયત્ન તમારા ગમતા કામમાં લગાડી દો.

જીવન બહુ ટૂંકું અને અણધાર્યું છે. તમને ન ગમતી પ્રવૃતિઓમાં સમય ન બગાડો. જો તમને તમારું કામ ન ગમતું હોય તો નવું કામ શોધો. નવી પ્રવૃત્તિ શોધો. જીવનની દરેક ક્ષણને માણતા શીખો.