હા, મથાળું વાંચીને એમ ન માની લેતા કે તમે સિકંદર છો. અહી તમારી દુનિયા એટલે તમે તમારી આવડત થકી દુનિયાના કોઇપણ છેડે પહોંચી શકો છો. તમે દુનિયામાં કોઇપણ છેડે જઈને પણ સફળતા હાંસિલ કરી શકો છો. ફક્ત જરૂર છે - યોગ્ય આવડત અને યોગ્ય માનસિકતા કેળવવાની. આજના સિક્રેટમાં તમે કઈ રીતે લોકલને બદલે ગ્લોબલ વિચારતા શીખી શકશો અને ચેમ્પિયન બની શકશો તેની વાત કરવી છે. સૌથી પહેલા તો તમારી જાતને નીચેના થોડા પ્રશ્નોના જવાબ આપો. અમુક બાબત તો તમને તમારા પોતાના જવાબ પરથી જ સમજાઈ જશે:
તમારી વિચારસરણી કેવી છે? તમારા સપનાઓ કેટલા મોટા છે? એક એરિયા પૂરતા સીમિત? એક શહેર પૂરતા સીમિત? એક દેશ પૂરતા સીમિત? તમારા ધ્યેયો પૂરા કરવા માટે તમે દુનિયાના કોઈપણ છેડે જવા તૈયાર છો? શું તમે વૈશ્વિકીકરણમાં માનો છો?
જો તમે તમારું આખું જીવન એક જ પ્રવૃત્તિ કરીને મરી જવા માંગતા હો તો તમે ખોટા રસ્તા પર છો. જો તમે તમારા બનાવેલા કમ્ફર્ટ ઝોનમાં રહેવા માટે ક્યારેય એક શહેરમાંથી બીજા શહેરમાં ન જવા માંગતા હોય તો તમે ખોટા રસ્તા પર છો. ચેમ્પિયન અને એવરેજ લોકો વચ્ચેનો તફાવત - કમ્ફર્ટ ઝોન છે.
મિડલક્લાસ લોકો અને ચેમ્પિયન્સ વચ્ચે આ જ તો તફાવત છે – મિડલ ક્લાસ લોકોને તેના પાડોશી કોણ છે તે પણ ખબર નથી હોતી. જયારે ચેમ્પિયન્સ પાસે વૈશ્વિક માહિતી હોય છે. તેઓ જાણે છે કે – બોમ્બેના અર્થતંત્રના ફેરફારની અસર શિકાગોમાં જોવા મળે. સિડનીના અર્થતંત્રમાં કઈ ફેરફાર થાય તો તેની અસર ટોક્યોમાં જોવા મળે. આખું વિશ્વ અને તેનું અર્થતંત્ર એકબીજા સાથે જોડાયેલા છે. ચેમ્પિયન્સ માટે સરહદો મર્યાદા નથી. તેઓ તેનો આઈડિયા દુનિયાના કોઈપણ છેડે રજુ કરી શકે છે અને સફળ બની શકે છે.
ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જો તમારે પ્રગતિ કરવી હોય તો તમારા કામ અને તમારા શહેર કરતા પણ વધુ માહિતી રાખવી જરૂરી છે. જરૂર પડે ત્યારે આ માહિતી જ તમને કારકિર્દીમાં આગળ વધવામાં કામમાં આવશે. જો તમને ખબર જ નહી હોય કે તમારી દુનિયા સિવાયની બહાર દુનિયામાં શું ચાલી રહ્યું છે તો તમે તેના માટે તૈયારી જ નહી કરી શકો.
ચેમ્પિયન અને મધ્યમવર્ગના લોકોની માનસિકતા વચ્ચેનો ફર્ક
મિડલક્લાસ લોકો એકલતામાં રહેવાનું પસંદ કરે છે. તેઓ દુનિયાની માહિતી પર ધ્યાન આપતા નથી. તે તેની ૯ થી ૬ની નોકરીથી ખુશ હોય છે. તેઓના સપનાઓ તેના શહેરથી મોટા નથી હોતા. તેઓ દીર્ઘદ્રષ્ટા નથી હોતા. તેઓ દુનિયાના અર્થતંત્રમાં શું થાય છે તેની પરવા કરતા નથી. જયારે વર્લ્ડક્લાસ લોકો વૈશ્વિક અર્થતંત્ર પર ધ્યાન આપે છે. તેઓ આઈડિયા કે ધંધો ક્યાં શહેર કે દેશમાં વધુ સફળ થઇ શકશે તેની માહિતી તેઓ પાસે હોય જ છે.
કોઈ મર્યાદાઓ નથી.
હાલમાં ઈન્ટરનેટેશ્વને ખરેખર એક નાનકડું ગામડું બનાવી દીધું છે. દરેક વ્યક્તિ દુનિયાના કોઈપણ દેશની માહિતી માત્ર એક ક્લિકથી મેળવી શકે છે. તમે ગામડામાં બેઠા બેઠા ન્યુયોર્કની કંપની સાથે પણ ધંધો કરી શકો.
તમે ધારો તે પ્રકારનો ધંધો ઓનલાઈન કરી શકો છો. હવે ધંધો કરવા માટે કે તમારી આવડત થકી નાણા કમાવવા માટે કોઈ મર્યાદાઓ રહી નથી. હાલમાં અનેક ઓનલાઈન પ્લેટફોર્મને કારણે કોઈ મર્યાદાઓ રહી નથી. બસ તમારે ઈન્ટરનેટનો સાચો ઉપયોગ કરતા શીખી જવાનું છે.
સાથોસાથ તમારે તમારી આવડત પર પણ કામ કરવાનું છે.. તમે આવનારી દરેક તકોને આવકારશો તો જરૂર સફળતા મેળવશો. જ્યાં સુધી મિડલ ક્લાસના લોકો વૈશ્વિક વિચારસરણી નહિ કેળવે ત્યાં સુધી તેઓ વર્લ્ડક્લાસ લોકોની કક્ષામાં સામેલ નહિ થઇ શકે. તેથી જ તમારી જાતને મર્યાદાઓમાંથી બહાર કાઢી લો.
ફૂડ ફોર થોટ
તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછો:
“શું હું એક ઉત્તમ નાગરિક છું?”
“શું હું દુનિયામાં બદલાવ લાવવા માટે કઈ સારું કામ કરી રહ્યો છું?”
“મારે મારા શહેર સિવાય હજુ ક્યાં કામ કરવું છે?"
“મારે ક્યાં શહેરમાં જવું જોઈએ?"
"કઈ જગ્યાએ મારી આવડતની વધુ કદર થશે?"
“કોઈ ચોક્કસ જગ્યાએ જવા માટે મારે કઈ આવડત વિકસાવવાની જરૂર છે?"
તમારા કોઈ કામથી દુનિયામાં કંઇક નાનો એવો પણ ફેરફાર આવે તેવી પ્રવૃત્તિઓ કરો. વિશ્વનું કલ્યાણ થતું હોય તેવી પ્રવૃતિઓ અને ઓર્ગેનાઈઝેશનના ભાગ બનો. વ્યક્તિ દુનિયામાં કોઈપણ ખૂણે હોય – જો તમે તેને મદદ કરી શકતા હો તો મદદ કરો.