Wild

wild by darshali soni.jpg

વાઈલ્ડ - એક સત્યકથા

૨૦૧૪માં આવેલી ઓસ્કાર નોમીનેટેડ મુવી અને સત્યકથા પર આધારિત મુવી એટલે વાઈલ્ડ. ૨૬ વર્ષની શેરિલ પોતાના ડિવોર્સ બાદ અને માતાના મૃત્યુ બાદ એકલપંડે ૩ મહિના સુધી ૧૨૦૦ માઈલ્સની હાઈકિંગ કરવા નીકળી પડે છે. શેરિલ જયારે ૨૨ વર્ષની હતી ત્યારે જ તેની માતા મૃત્યુ પામી હોય છે. ત્યારબાદ તે ડ્રગ્સ અને અન્ય ખોટા રસ્તે ચડી જાય છે. જેના કારણે ડિવોર્સની નોબત આવે છે. આ મુવીમાં શેરિલનું પાત્ર પ્રખ્યાત અભિનેત્રી રીસ વિધરસ્પુન અને તેની માતાનું પાત્ર લોરા ર્ડન દ્વારા અભિનીત છે.

ખોટા રસ્તેથી સાચા રસ્તે શેરિલ કઈ રીતે પોતાના જીવનમાં પહોંચે છે તે તમે આ વાઈલ્ડ મુવીમાંથી શીખી શકશો. તો ચાલો જાણીએ શેરિલની મુસાફરી શું કહે છે:

૧ સ્વ સાથેની ખૂશી

આપણે એક માનવ સહજ સ્વભાવને લીધે હંમેશા બીજા લોકોની શોધમાં હોઈએ છીએ. એકલતા આપણાથી સાખી શકાતી નથી. હંમેશા કોઈને કોઈ વ્યક્તિનો સહારો અને સાથ શોધતા હોઈએ છીએ. શેરિલ પણ પેલા એવા જ કંઇક રસ્તા પર હતી. પણ જયારે તે પોતાની જાતે એકલી ૩ મહિના સુધી મુસાફરી કરે છે ત્યારે તેને એ સત્ય સમજાય છે કે પોતાની જાત સાથે પણ ખુશ રહી શકાય છે. હંમેશા તમારી સાથે કોઈ હોય જ તેવું જરૂરી નથી.

૨ તમારા જીવનના મહારથી કોણ?

જીવનમાં એક માતા,બહેન, પુત્રી, પત્ની એ જ રીતે ભાઈ, પતિ, પિતા, પુત્ર આવા અનેક રોલ નિભાવવામાં જ જીવન નીકળી જતું હોય છે. ત્યારે તમે પોતાના જીવનની ચાવી બીજા લોકોને જ આપી દીધી હોય છે. તેથી પોતાના જીવનના ડ્રાઈવર તમે પોતે બનવાને બદલે બીજા લોકો જ હોય છે. આ મુવીમાં શેરિલની માતાને હંમેશા માટે એ અફસોસ રહી ગયો કે તે બીજા લોકો માટે જ જીવી. પોતાની ઈચ્છાઓ અને પોતાના જીવન વિશે કઈ વિચાર્યું નહિ. શું તમે તમારા જીવનના મહારથી છો કે બીજું કોઈ?

૩ મુસાફરી અને અંત:સ્ફૂરણા

ટ્રાવેલિંગ એક મજાનો અનુભવ છે. પણ ત્યારે સાથોસાથ સજગતા પણ તેટલી જ જરૂરી છે. તમને મુસાફરી દરમિયાન અનેક પ્રકારના લોકો મળશે. અમુક લોકો સારા હશે કે જેના પર તમે ભરોસો મૂકી શકો તો વળી અમુક લોકો ખરાબ પણ હશે. ત્યારે તમારા મનમાંથી શું જવાબ મળે છે તેને આધારે જ નિર્ણયો લેવા જોઈએ. શેરિલને પણ તેની ૩ મહિનાની મુસાફરીમાં અનેક પ્રકારના લોકો મળે છે. પણ તે સમજી વિચારીને જ બધા લોકો સાથે સંબંધો વિકસાવે છે.

૪ જીવન એક એડવેન્ચર

જીવનમાં દુઃખ આવવાને કારણે અને અનેક અણગમતી પરિસ્થિતિઓ ઉભી થવાને કારણે આપણે જીવનથી કંટાળી જતા હોઈએ છીએ. આવા સમયે હતાશ થવાને બદલે જો જીવનને એક એડવેન્ચર જ માની લઈએ તો? જીવન માટેનો દ્રષ્ટિકોણ જ બદલી નાખીએ તો કેવું? શેરિલ પણ પોતાના જીવનમાં બનેલી ખરાબ ઘટનાઓથી દુઃખી થઇ ગઈ છે. આ મુસાફરી તેને જીવનનો નવું પહેલું દેખાડે છે અને તે ફરીથી જીવનને પ્રેમ કરવા લાગે છે.

૫ ભૂલો અને માફી

બધા લોકોથી ભૂલો તો થતી જ હોય છે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે બીજા લોકો ભૂલ કરે તો આપણે તેને ક્યારેક ક્યારેક માફ કરી દેતા હોય છીએ. પણ જયારે આપણે જ ભૂલ કરી હોય ત્યારે આપણી જાતને જ માફ કરવી સૌથી વધુ અઘરું બની જતું હોય છે. શેરિલ પોતાના અણગમતા ભૂતકાળને કારણે પોતાની જાતને માફ કરી શકતી નથી. એકલપંડની મુસાફરી તેને જીવનના અનેક રંગો દેખાડે છે અને તે પોતાની જાતએ માફ કરવા તૈયાર થાય છે.

આ મુવી એક સત્યકથા પરથી બનેલું છે. તેમજ વાઈલ્ડ નામથી જ એક પુસ્તક પણ છે. તેથી એટલું તો જરૂરથી કહી શકાય કે શેરિલના અનુભવો અને તેને મળેલા જીવનના પાઠ કાલ્પનિક નથી. ખરેખર તમે પણ આ મુવીમાંથી શેરિલ પાસેથી શીખી શકશો. દરેક મુવી સારું અને ખરાબ બંને ચિત્ર રજુ કરતું હોય છે. તે મુવીમાંથી તમે શું ગ્રહણ કરો છો તે તમારે નક્કી કરવાનું હોય છે. આ મુવીમાં શેરિલની ખરાબ છબી પણ છે અને સારી પણ. તમે તેના ક્યાં વ્યક્તિત્વને અનુસરો તે તમારી પસંદગી મુજબ નક્કી થશે.

આભાર

દર્શાલી સોની