The Vow

the vow by darshali soni.jpg

ધ વાઉ - પ્રેમમાં વચનનું મહત્વ

હોલીવુડમાં અત્યાર સુધીમાં પુસ્તકો પરથી ઘણા મુવીઝ બનેલા છે. તેમાંથી ખાસ કરીને નિકોલસ સ્પાર્કની લવ સ્ટોરીના પુસ્તકોમાંથી પણ ઘણા મુવીઝ બનેલા છે. આ વખતે એક એવી લવ સ્ટોરીની વાત કરવી છે કે જે સત્ય ઘટના છે. હકીકતમાં એક કીમ અને કીરકીટ નામના પાત્રની પ્રેમકથા પરથી ૨૦૧૨માં બનેલું મુવી એટલે - ધ વાઉ. આ મુવીમાં હોલીવુડના પ્રખ્યાત પાત્રો ચેનીગ ટેટમ અને રેચલ એડમ્સ છે. મુવીમાં વાર્તા બહુ સરળ છે. પેજ અને લીઓ બંને પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે. એક વખત પેજનું એકસીડન્ટ થાય છે અને તેણી કોમામાં સરી પડે છે. કોમામાંથી બહાર આવતા તેણી તેના જીવનની પાંચથી છ વર્ષની યાદો ભૂલી ગઈ હોય છે. તે એ પણ ભૂલી ગઈ હોય છે કે તેના લીઓ સાથે લગ્ન થઇ ચુક્યા છે. કઈ રીતે લીઓ તેને બધી યાદો થકી પોતાના જીવનમાં પાછી લાવે છે અને પોતાના લગ્નનું અને પ્રેમનું વચન પૂરું પાડે છે તેની કથા એટલે ધ વાઉ.

૧ અસ્તિત્વ

આપણું અસ્તિત્વ શેનાથી બનેલું છે? યાદોથી? બુદ્ધીથી? કે નાની નાની ક્ષણોથી? આ મુવી મુજબ આપણું અસ્તિત્વ છે આપણી યાદોથી. પેજને ભલે લીઓ સાથેની બધી જ યાદો યાદ નહોતી પણ લીઓ ફરીવાર તે જ વાતો તેની સામે લાવીને તેણીને પોતાનું ખોવાયેલું અસ્તિત્વ પાછું લાવવામાં મદદરૂપ થાય છે. કોઈવાર એવું થાય કે તમે જ તમારી જાતને ઓળખી શકતા ન હો તો ત્યારે તમારા અસ્તિત્વને પાછું મેળવવા માટે એકવાર તમારી યાદોની મુલાકાત લો.

૨ શક્યતા

માનવી ઘણીવાર અનેક પ્રયત્નો કર્યા બાદ નાસીપાસ થઇ જાય છે. તેને ઘણીવાર એવું લાગવા માંડે છે કે બધું જ અશક્ય છે. કોઈ શક્યતાઓ બાકી રહી જ નથી. લીઓ પણ પેજને પાછી લાવવા માટે અનેક પ્રયત્નો કરે છે. એક સમય આવે છે જયારે તે હારી જાય છે. આ સમયે જ પેજને ફરીવાર લીઓ સાથે પ્રેમ થઇ જાય છે. ઘણીવાર આપણને લાગતી કોઈ અશક્ય વાત ક્યારે શક્ય થઇ જાય તે ખબર પણ નથી પડતી. તેથી શક્યતાને ક્યારેય નકારવી ન જોઈએ. ગમે ત્યારે ગમે તે થઇ શકે છે.

૩ સમય

સમયનું મહત્વ અનેક મુવીમાં દર્શાવેલ છે. કોલેટરલ બ્યુટી મુવીમાં તો સમયનું પાત્ર જ દેખાડેલ છે. આ મુવીમાં પણ સમય કેટલો બળવાન છે તે દર્શાવેલ છે. પેજ ભલે પોતાના જીવનના ૬ થી ૭ વર્ષ ભૂલી જાય છે. લીઓ તેની સાથે વધુને વધુ સમય ગાળીને કોઇપણ રીતે પેજને પાછી લાવવાનો પ્રયત્ન કરે છે. કોઈવાર સમય ખરાબ ચાલતો હોય તો તેવું ન માની લો કે સારો સમય ક્યારેય આવશે જ નહી. સાચા સમયની રાહ જૂઓ અને પ્રયત્નો કરતા રહો.

૪ ફરીવાર પ્રેમ

પ્રેમમાં લોકો ઘણીવાર બહુ જલ્દી હાર માની લેતા હોય છે. લીઓ હાર નથી માનતો. તે અનેક પ્રયત્નો કરે છે. પેજને બધી યાદો તાજા કરાવીને ફરીથી પ્રેમમાં પાડવાના પ્રયત્નો અંતે સફળતામાં પરિણમે છે. કોઈવાર એવું જીવનમાં બની શકે કે તમને એવી આશા જ ન હોય કે ફરીવાર પ્રેમ થઇ શકે અને સમય અને સંજોગોની સામે ઘણીવાર ચમત્કાર થઇ જતા હોય છે.

૫ વચન

મૂવીનું નામ જ "ધ વાઉ" છે. પ્રેમમાં પડવું અને તેમાંથી બહાર નીકળી જવું બહુ સહેલું છે. પણ પ્રેમમાં જે વચનો આપ્યા છે તે નિભાવી જાણવા જ સૌથી અઘરા હોય છે. પેજ તો લીઓને એકસીડન્ટ પછી ભૂલી ગઈ હોય છે. આમ છતાં લીઓ તેના પ્રેમના વચનને જાળવી રાખવા માટે અનેક પ્રયત્નો કરે છે અને પેજને પોતાના જીવનમાં પાછી લાવે છે. આ મુવીમાં જે સમયે પેજ અને લીઓ લગ્ન કરે છે ત્યારે તે બંને એકબીજાને ઘણા વચનો આપે છે - તે સીન મુવીનો સૌથી સારો સીન કહી શકાય.

આ મુવીને ચારથી વધુ એવોર્ડ્સ મળેલા છે. અને તમે બધાએ શેરલોક હુમ્સ મુવીમાં રેચલ એડમ્સને જોઈ જ હશે. એકવાર પ્રેમની પરિભાષા ફરીથી સમજવા માટે આ મુવી એકવાર જોવું જ જોઈએ.

આભાર

દર્શાલી સોની