The Proposal

the proposal by darshali soni.jpg

ધ પ્રપોઝલ - શું પ્રેમ અચાનક થઇ શકે?

માની લો કે તમે કોઈ વિદેશના એક સારા શહેરમાં વિઝા લઈને નોકરી કરવા ગયા છો. અચાનક જ તમને ખબર પડે કે જો તમારે જે - તે શહેરમાં વધારે સમય રહેવું હોય તો વિઝાનો કંઇક જુગાડ કરવો પડશે તો શું તમે તેના માટે કોઈની સાથે લગ્ન કરવા તૈયાર થઇ જશો? - જેથી કરીને તમારે તે શહેર ન છોડવું પડે?તમને એમ થશે કે આવું તો ગાંડપણ કોણ કરે? - આવું ગાંડપણ "ધ પ્રપોઝલ" મુવીની માર્ગારેટ કરે અને તેનો સાથ આપે એન્ડ્રુ.

૨૦૦૯માં આવેલું આ મુવી એક લવ સ્ટોરી કમ ડ્રામા કહી શકાય. જેમાં યુએસમાં ન્યુયોર્કમાં નોકરી કરતી માર્ગારેટ પોતાની એડિટરની નોકરી ન જાય તે માટે થઈને તેના આસિસ્ટન્ટ એન્ડ્રુને તેની સાથે લગ્ન કરવાનું કહે છે અને બંને કેનેડા પણ જાય છે. કઈ રીતે સાવ અલગ અલગ સ્વભાવના લોકો એકબીજાના પ્રેમમાં પડે છે તેની કહાની એટલે ધ પ્રપોઝલ. માર્ગારેટનું પાત્ર પ્રખ્યાત અભિનેત્રી સાન્દ્રા બુલોકે નિભાવ્યું છે અને એન્ડ્રુનું પાત્ર ડેડમેન પ્રખ્યાત રાયન રેનોલ્ડે નિભાવ્યું છે.

આ મુવીમાં દેખીતી રીતે કોઈ ફિલોસોફીકલ લેશન કે શીખવા જેવું કઈ નથી પણ હા, રીડ બીટવીન ધ લાઈન્સ જેવું ઘણું શીખવાનું છે.

ખામી

તમને તમારા અંગત વ્યક્તિની ખામી સૌથી વધારે ક્યારે અનુભવાય છે? જયારે તે તમારી સાથે હોય ત્યારે કે પછી તમારી સાથે ન હોય ત્યારે. તમે માનો કે ન માનો એ વાત હકીકત છે કે તમે જે વ્યક્તિને ખૂબ જ પ્રેમ કરતા હો અને તે તમારી પાસે હાજર ન હોય ત્યારે તે ખામીના સમયમાં જ તમને તેની સૌથી વધુ વેલ્યુ સમજાય છે. એન્ડ્રુને પણ માર્ગારેટ માટે આવી જ ફીલિંગ્સ અનુભવાય છે. તે ખામીનો સમય જ તમને એ વાત સમજાવશે કે જે-તે વ્યક્તિનું તમારા જીવનમાં કેટલું મહત્વ છે.

બોન્ડીંગ

કોઈવાર તમે ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ તમે કોઈ વ્યક્તિ સાથે ઉત્તમ પ્રકારે સંબંધો વિકસાવી શકતા નથી. અને ક્યારેક બહુ અજાણ્યા હોવા છતાં બહુ ઓછા સમયમાં તમે કોઈ વ્યક્તિને પોતાના કરી શકો છો. એન્ડ્રુ અને માર્ગારેટ એકબીજાથી તદન અલગ વ્યક્તિ હતા આમ છતાં સમય જતા તેઓ વચ્ચે ઉત્તમ બોન્ડીંગ થઇ ગયું અને પ્રેમમાં પણ પડી ગયા. બોન્ડીંગ હંમેશા સમયની માંગ કરે છે.

એક્સપ્રેસ

તમે અંતર્મુખી વ્યક્તિ હો કે બહિર્મુખી - તમારી લાગણી એક્સપ્રેસ કરતા શીખશો તો જ સામેવાળા વ્યક્તિને તમારો પ્રેમ અને લાગણી સમજાશે. કોઈવાર લાગણી ન એક્સપ્રેસ કરો તેને લીધે જ સંબંધોમાં ખાલીપો આવી જતો હોય છે. આવા સમયે તમારી જાતને મર્યાદામાં ન બાંધો અને લાગણીઓ એક્સપ્રેસ કરતા થઇ જાવ. માર્ગારેટ પોતાનો પ્રેમ એક્સપ્રેસ કરે છે કે નહી તે માટે તો મુવી જોવું જ રહ્યું.

પ્રેમ અને સમય

પ્રેમમાં પડવા માટે કોઈ ચોક્કસ સમય, સ્થળ અને વ્યક્તિ હોવું જરૂરી છે? શું પ્રેમ કહીને જીવનમાં આવે છે? ના, અણધાર્યો પ્રેમ જ સૌથી સુંદર હોય છે. તે સમયની મર્યાદામાં બંધાતો નથી. માર્ગારેટને પણ ક્યાં ખબર હતી કે એક એડજસ્ટમેન્ટ પ્લાન તેના જીવનભરનો પ્લાન બની જશે અને તે એન્ડ્રુઅન પ્રેમમાં પડી જશે. સાચો સમય જેવું પણ કઈ હોતું નથી. તેથી જયારે પણ એવું અનુભવાય કે પ્રેમ થઇ રહ્યો છે ત્યારે બિન્દાસ તમારી લાગણી જતાવી દો. બાકીનું પરિણામ તો તમારી સામે જે હશે તે તરત જ આવી જશે.

લીડરશીપ

તમને એમ થશે કે ધંધામાં લીડરશીપ હોય - સંબંધોમાં થોડી લીડરશીપ હોવાની. હા, હોવાની. કારણ કે કોઈ એક પાત્ર એવું હોય કે જે વધુ મેચ્યોર હોય અને સંબંધોમાં ક્યારે શું નિર્ણય લેવા તે સમજી શકતું હોય છે. આ મુવીમાં પણ ક્યારેય માર્ગારેટ તો ક્યારેક એન્ડ્રુ લીડર બનીને એકબીજાને સાચવી લે છે.  જો તમારા સંબંધોમાં લીડરશીપ ઉત્તમ હશે તો સંબંધોમાં હંમેશા પ્રેમ ટકેલો રહેશે.

આ મુવી ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે પણ નોમીનેટ થયેલું છે. આ મુવી નિરાંતે રવિવારની રજામાં જોવું જોઈએ. એક સરસ મજાની લવ સ્ટોરી જોવાનું મન થાય ત્યારે "ધ પ્રપોઝલ" જોઈ નાખવાનું. મુવીનું નામ ભલે ધ પ્રપોઝલ છે પણ ક્યારેય કોણ અને કેવી રીતે એકબીજાને પ્રપોઝ કરશે તે જોવાની તમને મજા પડી જશે.

આભાર

દર્શાલી સોની