The help

the help by darshali soni.jpg

ધ હેલ્પ - ક્રાંતિકારી મુવી

૧૯૬૩ના સમયની વાત છે. મીસીસીપીમાં "સિવિલ રાઈટ"ની ચળવળ ચાલતી હતી. તે સમયે ગોરાઓ કહો કે વાઈટ પીપલ કહો તે આફ્રિકન અમેરિકન સ્ત્રીઓને નોકરાણી તરીકે રાખતા. આ સ્ત્રીઓ જ ઘરની દેખભાળથી માંડીને તેઓના બાળકોને પણ ઉછેરતી અને તેનું ધ્યાન રાખતી. તે સમયે આ નોકરાણીઓને ખૂબ જ હડધૂત કરવામાં આવતી અને તેના પર અનેક પ્રકારના વિચિત્ર નિયમો પણ લાગુ પાડવામાં આવતા. આ સમયમાં જ એમા સ્ટોન દ્વારા અભિનીત સ્કીટર નામની સ્ત્રી પોતાનું ભણવાનું પૂરું કરીને મીસીસીપી પાછી ફરે છે. તેણી લેખક બનવા માંગતી હોય છે. કઈ રીતે સ્કીટર આફીક્રન અમેરિકન સ્ત્રીઓના સત્યને સમાજ સામે રજૂ કરે છે તેની કહાની એટલે "ધ હેલ્પ".

ઓસ્કાર વિજેતા મુવી "ધ હેલ્પ" ૨૦૦૯માં આવેલ કેથરીન સ્ટોકેટના પુસ્તક "ધ હેલ્પ"પરથી બનેલું છે. સ્કીટરની સહેલી હિલી રેસીઝમમાં માને છે. તેથી તેણી તેની નોકરાણી મીનીને કાઢી મુકે છે. સમય જતા સ્કીટર અનેક નોકરાણીઓને મળે છે અને તેના પર થતા અત્યાચાર વિશે જાણે છે. તે સમયના કડક કાયદાઓ મુજબ તો આફ્રિકન અમેરિકન સ્ત્રીઓને પોતાની વાત રજુ કરવાની પણ છૂટ ન હતી. સ્કીટરના અનેક પ્રયત્નો પછી સૌ પ્રથમ એબલીન નામની નોકરાણી તેની જીવનકથની જણાવે છે. ધીમે ધીમે ૧૧ નોકરાણીઓ પોતાના પર થયેલ અત્યાચાર અને જીવન પ્રસંગો સ્કીટર સાથે શેર કરે છે. આ બધા જ અનુભવો પરથી સ્કીટર એક પુસ્તક પ્રકાશિત કરે છે. તે પુસ્તકનું નામ રાખવામાં આવે છે - "ધ હેલ્પ". આ પુસ્તકને કારણે ગોરાઓના સમાજમાં ખલબલી મચી જાય છે કારણ કે તેઓના છુપાયેલા ખરાબ ચહેરાઓ સમાજની સામે છતાં થઇ જાય છે.

દરેક માનવી સમાન છે. આમ છતાં તે સમયમાં કાળા-ગોરાના રંગભેદના કારણે આફ્રિકન - અમેરિકન સ્ત્રીઓએ ઘણા દુઃખ વેઠ્યા હતા. હોલીવુડમાં અનેક મુવીઝ બનેલા છે જેમાં આવા ભેદભાવોની ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હોય. જેમ કે હિડન ફિગર, ડીજેન્ગો અનચેઈનડ. તો ચાલો જાણીએ "ધ હેલ્પ" મુવી શું શીખવાડે છે:

૧ મિત્રતા

મિત્રતામાં કોઈ મર્યાદા નથી હોતી. મિત્રતા રંગભેદ કે જ્ઞાતિવાદ નથી જોતી. એમા સ્ટોન અભિનીત સ્કીટરની પરમ મિત્ર એક આફ્રિકન અમેરિકન નોકરાણી એબલીન બને છે. તેઓ બંને ભેગા મળીને જ બાકીની નોકરાણીઓને સત્ય બોલવાની હિંમત અપાવે છે.  જે મિત્રતાની નીવ સત્ય પર ટકેલી હોય તે કોઈ ભેદભાવ કે વિચારસરણીના કારણે તૂટતી નથી.

૨ તમે કોને સાંભળો છો?

બહારની દુનિયા આફ્રિકન અમેરિકન સ્ત્રીઓ માટે ગમે તેટલું ખરાબ બોલતી હતી આમ છતાં તેઓને પોતાની જાત પર વધુ ભરોસો હતો. તેઓ બીજાને સાંભળીને દુઃખી થવા કરતા પોતાની જાતને સાંભળતા. તેઓ પોતાની જાતને સાંભળીને પોતાને હિંમત આપતા. બહારની દુનિયાના વિચારો અને બહારના લોકોના અભિપ્રાયોને તમારા પર હાવી ન થવા દો. તમારી અંતરાત્માને સાંભળો. તમારી જાતને તમે જ મુલ્યવાન માનો.

૩ તમારી જાતને પ્રેમ કરો

સ્કીટર જયારે નાની હતી ત્યારે એકવાર હતાશ થઇ જાય છે. કારણ કે તેની સાથે રમતા છોકરાઓ તેને બદસુરત કહે છે. ત્યારે સ્કીટરની નોકરાણી કોન્સ્ટેનટાઈન જેફરસન તેણીને સમજાવે છે કે - પોતાની જાતને પ્રેમ કરો. લોકો ગમે તે કહે - જો તમે જ તમારી જાતને પ્રેમ નહિ કરતા હો તો લોકોના અભિપ્રાય તમારા પર હાવી થશે અને તમે નકારાત્મક બની જશો. સ્કીટરના જેફરસન સાથે ગાઢ સંબંધો હતા. તેથી જ તો સ્કીટરે આફ્રિકન અમેરિકન સ્ત્રીઓના સત્યો પર પુસ્તક લખ્યું.

૪ તમારા દુશ્મનોને પ્રેમ કરો

ખ્રિસ્તી ધર્મ મુજબ ભગવાન ઈશુ કહેતા કે તમારા દુશ્મનોને પણ પ્રેમ કરો. આફ્રિકન અમેરિકન સ્ત્રીઓ પર આટલો અત્યાચાર થતો હોવા છતાં તેઓ તેના માલિક પ્રત્યે નફરત રાખતા નથી. જયારે તમે તમારા દુશ્મનોને પ્રેમ કરવા લાગવા છો ત્યારે તમે અડધી જીત મેળવી લીધી કહેવાય. તેથી દુશ્મનોને ધિક્કારવા ન જોઈએ. જો તમને ક્રાંતિકારી મુવીઝ ગમતા હોય અને એમા સ્ટોન તમારી પ્રિય અભિનેત્રી હોય તો આ મુવી તમને જરૂર ગમશે. એક નાની ઘટના થકી પણ અનેક પ્રકારના ફેરફારો સમાજમાં લાવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ "ધ હેલ્પ" મુવી છે.

આભાર

દર્શાલી સોની