Second Act

second act by darshali soni.jpg

સેકન્ડ એક્ટ – જીવન તક તો આપે જ છે!

જે લોકો કારકિર્દીની દોટમાં ભાગી રહ્યા છે તેની પાસેથી તમે એક વાત ઘણીવાર સાંભળી હશે – કોઈવાર કંપનીમાં તમે ગમે તેટલી આવડત ધરાવતા હો તો નોકરી નથી મળતી. ઉંચો હોદો નથી મળતો. કારણ? – કોલેજ ડીગ્રી નથી, કહેવાતી મોટી કોલેજમાંથી તમે ભણ્યા નથી. આવા સમયે કંપનીને અનુભવ કે આવડત દેખાતા નથી.

કલ્પના કરો કે તમારી સાથે આવું થયું હોય અથવા તો તમારી આસપાસના કોઈ વ્યક્તિ સાથે આવું થયું હોય ત્યારે તમે તેને શું સલાહ આપશો? – કોલેજ ડીગ્રી લેવાનું કહેશો? જે-તે નોકરીમાં ટકી રહેવાનું કહેશો? કે કોઈ ખુરાફાતી વિચાર અપનાવીને કારકિર્દીની સીડીમાં આગળ વધવાનું કહેશો?

જો કે માયાને તો ખુરાફાતી વિચાર થકી સફળતા મળે છે. કારણ? – તેણી જીવનમાં આવેલી “બીજી” તકને સ્વીકારી લે છે. કઈ રીતે માયા જીવનનો સેકન્ડ ચાન્સ જીવી લે છે તેની કહાની એટલે સેકન્ડ એક્ટ મુવી. મુવીમાં માયાનું પાત્ર પ્રખ્યાત જેનીફર લોપેઝે નિભાવેલ છે.

માયા એક ૪૦ વર્ષની સ્ત્રી છેલ્લા ૧૫ વર્ષથી એક સુપરમાર્કેટ સ્ટોરમાં નોકરી કરતી હોય છે. તેને મેનેજર બનવાની આશા હોય છે. પરંતુ તેનો બોસ માયાને બદલે કોલેજ ડીગ્રી અને સારી કોલેજમાંથી ભણેલ વ્યક્તિને મેનેજર બનાવી દે છે. માયાને એક વાત સમજાય જાય છે કે – દુનિયામાં સ્માર્ટ લોકો કરતા ડીગ્રીના લેબલ ધરાવતા લોકોને પહેલા તક મળે છે. તેથી તેણી નાસીપાસ થઇ જાય છે.

માયાની ચાર બહેનપણી હોય છે. તેમાંની એક બહેનપણીનો દીકરો માયા માટે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ ઉભું કરે છે. ઓબામાને મળી લીધું. સૌથી ઉત્તમ કોલેજમાંથી ડીગ્રી લીધી છે. સારામાં સારી કંપનીમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. આવી ખોટી માહિતીઓ ભરીને તે માયાના સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી નાખે છે.

આ ફેક માહિતીને આધારે માયાને સૌથી ઉત્તમ કંપનીમાં પ્રોડક્ટ ડીપાર્ટમેન્ટમાં કન્સલ્ટન્ટની નોકરી મળી જાય છે. તેણીને પોતાની આવડત દેખાડવાની તક મળે છે. મુવીમાં અહીંથી ટ્વીસ્ટ આવે છે. કઈ રીતે માયા તેની દીકરીને મળે છે, કઈ રીતે તેનો બોયફ્રેન્ડ તેના જીવનમાંથી નીકળીને પાછો આવી જાય છે, કઈ રીતે માયાને મિત્રોનું મહત્વ સમજાય છે તેના માટે તમારે મુવી જોવું જ રહ્યું.

 તો ચાલો જાણીએ શું શીખવે છે માયા અને તેનું જીવન:

૧ તમે તમારી જેલમાં છો?

જીવનમાં તમને આગળ વધતા કોણ રોકી શકે છે તે ખબર છે? બીજા લોકો નહી? સમય નહી? પરિસ્થિતિ નહી? વાતાવરણ પણ નહી? – તમારી જાત જ તમને રોકી શકે છે. તમે પોતે જ તમારી એક જેલ બનાવી લેતા હોવ છો. જે જેલમાં હવે તમને ગમવા લાગે છે. તમે ઈચ્છો તો છો કે સફળતા હાંસિલ કરવી છે અને જીવનમાં બધા જ સુખ પામવા છે. પણ તેના માટે પ્રયત્નો કરવામાં નથી આવતા. બહાના જ કાઢવામાં આવે છે. બીજા લોકો અને સમાજ પર દોષ નાખવામાં આવે છે. પણ એકવાર વિચારો – જો તમે તમારી જાતને રોકવાનું બંધ કરી દેશો તો કેટલી તક જીવનમાં અપનાવી શકશો? માયા પોતાની લઘુતાગ્રંથીની જેલમાંથી બહાર આવે છે. તકને સ્વીકારે છે. તમે કોની રાહ જુઓ છો?

૨સેકન્ડ ચાન્સ

કોઈવાર જીવનનો એવો પડાવ આવે છે કે તમને એમ લાગવા માંડે – જીવન હવે પૂરું થઇ ગયું, કારકિર્દી પૂરી થઇ ગઈ, હવે જીવન બીજી તક નહી આપે. બરાબર આ જ સમયે જો તમે ધારો તો જીવનની બીજી ઇનિંગ શરુ કરી શકો છો. માયાને ૪૦ વર્ષની ઉંમરે તેની કારકિર્દી બનાવવાની તક મળે છે. તેણી તકને આવકારે છે. તમને પણ જીવન સેકન્ડ ચાન્સ આપશે જ. બસ આંખો ખોલીને શોધતા રહો.

મુવીમાં કોઈ મોટા મોટા પાઠો શીખવાના નથી. એક વિચાર જ મૂળ છે – તમારી જાતને રોકો નહી અને આગળ વધતા રહો. તકોને અપનાવતા રહો. કોઈવાર આવા મુવી જોયા પછી ફરીથી એક વાર પોતાની જાતને અજમાવવાનું મન થાય તો કઈ ખોટું નહી. તેથી એક વાર આ મુવી જોવા જેવું ખરું.

આભાર

દર્શાલી સોની