Real steel

real-steel_by darshali soni.jpeg

રીઅલ સ્ટીલ - હાર ન માનો.

ઘણા લોકોને બોક્સિંગ જોવાનો ગજબનો શોખ હોય છે. જેમ અમુક યુવાનો ક્રિકેટ પાછળ ઘેલા હોય છે તે જ રીતે અમુક યુવાનો માટે બોક્સિંગ મનપસંદ પ્રવૃત્તિ હોય છે. પરંતુ માની લો કે માનવીઓ વચ્ચે બોક્સિંગ મેચ થવાને બદલે રોબોટનો યુગ આવે તો? બે માનવીની બદલે બે રોબોટ બોક્સિંગ કરવા મેદાનમાં ઉતરે તો? અનેક એવોર્ડ્સ હાંસિલ કરેલ રીઅલ સ્ટીલ મુવી રોબોટ બોક્સિંગની વાર્તા પર જ આધારિત છે.

આ મુવીનો આઈડિયા તો મે ૧૯૫૬માં જ એક મેગેઝીન "ધ મેગેઝીન ઓફ ફેન્ટસી એન્ડ સાયન્સ ફિક્સન"ના "સ્ટીલ" નામના આર્ટીકલમાં અસ્તિત્વમાં આવી ગયો હતો. પરંતુ આ વાર્તા પરથી બનેલ મુવી રીઅલ સ્ટીલ ૨૦૧૧માં રીલીઝ થયું. આ મુવીમાં મુખ્ય પાત્ર ચાર્લીનો અભિનય બધાના ચહિતા અને એક્સ મેન - હ્યુજ જેકમેનએ કરેલ છે. ચાર્લી આખી દુનિયામાં રોબોટ બોક્સિંગમાં બીજા ક્રમાંકે હતો. તેના રોબોટનું નામ "એમ્બુશ" હતું. પરંતુ એક બોક્સિંગ મેચ દરમિયાન ચાર્લી મેચ હારી જાય છે અને તેને રોબોટ બોક્સિંગમાં હાર્યા બાદ નાણાની ઉઘરાણી કરવાવાળાનું દબાણ શરુ થઇ જાય છે.

કહેવાય છે ને કે મુશ્કેલીઓ આવે તો એકસાથે આવે. એ જ સમયે ચાર્લીની ગર્લફ્રેન્ડ બેલી મરી જાય છે. તે બંનેનું એક સંતાન હોય છે જેનું નામ છે મેક્સ. ૧૧ વર્ષના મેક્સને ચાર્લી ક્યારેય મળ્યો નથી હોતો. તેની માતાનું મૃત્યુ થતા મેક્સની કસ્ટડી માટે કેસ દાખલ થાય છે. મેક્સની માસી અને તેનો ધનવાન પતિ મેક્સની કસ્ટડી ઇચ્છતા હોય છે. પરંતુ આ બાબતનો નિર્ણય ચાર્લી જ લઇ શકે. તેથી ચાર્લી તેઓ સાથે એવી ડીલ કરે છે કે - તેઓ તેને રોબોટ બનાવવા નાણા આપે બદલામાં તે મેક્સની કસ્ટડી તેઓને સોંપી દેશે. ઉનાળાના સમય દરમિયાન મેક્સ ચાર્લી સાથે રહી શકશે.

ડીલ તો થઇ જાય છે. પરંતુ ચાર્લી મેચમાં હારી જાય છે. તે સમયે મેક્સ અને ચાર્લી ભેગા મળીને નકામા બંધ રોબોટને રીપેર કરીને મેદાનમાં ઉતારે છે. મેક્સ વીડીયોગેમ રમી રમીને રોબોટ બોક્સિંગ શીખ્યો હોય છે. તે પણ રોબોટ બોક્સિંગમાં હાથ અજમાવે છે. તેઓ નવા રોબોટનું નામ "એટોમ" રાખે છે. શું આ નવો રોબોટ "એટોમ" ચાર્લીને મેચ જીતવામાં મદદરૂપ થઇ શકે છે? શું ચાર્લી અને મેક્સ વચ્ચેનો સંબંધો સમય જતા વધુ ઉત્તમ બને છે? તો ચાલો જાણીએ રોબોટ બોક્સિંગ મુવી શું શીખવે છે:

૧  હાર ન માનો

જીવન સરળ નથી. જીવન સરળ હશે પણ નહિ. જીવનમાં વ્યક્તિએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય છે. તમે કોઈપણ પડકારની સામે લડત આપો તે વધુ મહત્વનું છે. તમે હારો કે જીતો તે મહત્વનું નથી. જો તમે પ્રયત્ન જ નહી કરો તો તે તમારી હાર જ છે. ચાર્લીને જૂના નકામો રોબોટ એટોમ મેચ જીતાડી શકે તેવો ભરોસો જ ન હતો. તેણે તે રોબોટ પર કામ નહોતું કર્યું. તેના પુત્ર મેક્સે હાર ન માની. તેણે રોબોટને રીપેર કરીને મેદાનમાં ઉતારવા માટે પ્રયત્નો કર્યા. તમે પણ હાર માન્યા વગર સતત પ્રયત્ન કરતા રહો.

૨ બાળકોમાંથી શીખો

તમે કોઈવાર નિરીક્ષણ કરજો - બાળકો જીદ્દી હોય છે. તેઓ એકવાર કંઇક નક્કી કરી લે તો તે પોતાની જીદ પૂરી કરીને જ જંપે છે. તેઓ પીછેહઠ કરતા નથી. ચાર્લી જયારે મેચ હારવાને કારણે નિરાશ થઇ જાય છે ત્યારે મેક્સ પીછેહઠ કરતો નથી. તે એટોમ રોબોટ પર કામ કરવાની જીદ કરે છે. તે પોતાની જીદ પૂરી કરે છે. તમે પણ તમારા સપનાઓ અને ધ્યેય માટે જીદ કરો. પીછેહઠ ન કરો. ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ તમારા સપનાઓને પૂરા કરવામાં હાર ન માનો.

૩ ધીરજ અને વિશ્વાસ

રોબોટ બોક્સિંગ હોય, મેચ હોય, મેચ હારી જાય કે મેચ જીતી જાય, નાણા પૂરા થઇ જાય - ગમે તેવી પરિસ્થિતિ ઉભી થાય ચાર્લી અને મેક્સ તેના રોબોટ પર કામ કરતા જ રહે છે. ચાર્લી તેના પુત્ર મેક્સને પણ શીખવાડે છે કે મેદાનમાં જીતવા માટે ધીરજ હોવી જરૂરી છે. ભગવાન પર વિશ્વાસ હોવો જરૂરી છે. પોતાની જાત પર વિશ્વાસ હોવો જરૂરી છે કે તમે જીતશો જ. જો તમે આસ્તિક હો તો પ્રાર્થના કરો, ધીરજ રાખો - સારા પરિણામો મળશે જ. નાસ્તિક હો તો તમારી જાત અને આવડત પર ભરોસો રાખો.

૪ પોતાની જાતને ન ભૂલો

ચાર્લી રોબોટ બોક્સિંગમાં દુનિયામાં બીજા નંબર પર આવે તેટલો શ્રેષ્ઠ હોવા છતાં મેચ હારવાને કારણે પોતાની જાત પરનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. ત્યારે મેક્સ જ તેને તેની આવડત યાદ કરાવીને ચાર્લીમાં આત્મવિશ્વાસના બીજ રોપે છે. ચાર્લી પોતાની જાતને યાદ કરે છે, પોતાની સફળતાને યાદ કરે છે અને ફરીથી પોતોનો રોબોટ લઈને મેદાનમાં ઉતરી જાય છે.

જો તમને સાયન્સ ફિક્શન અને રોબોટ ટેકનોલોજીના મુવી ગમતા હોય સાથોસાથ હ્યુજ જેકમેન તમારો પ્રિય અભિનેતા હોય તો આ મુવી તમને જરૂર ગમશે.

આભાર

દર્શાલી સોની