Pirates of the caribbean

Pirates of the caribbean by darshali soni.jpg

પાયરેટસ ઓફ કેરેબિયન - હોલીવુડની પ્રખ્યાત સીરીઝ

જો તમે હોલીવુડના મુવીઝ જોવાના શોખીન હો અને તમે જેક સ્પેરોનું નામ કે પછી પાયરેટસ ઓફ કેરેબિયન મુવીનું નામ ન સાંભળ્યું હોય તે અશક્ય છે. આ મૂવીનું પાત્ર જેક સ્પેરો તેના બોલ્ડ વલણ અને વ્યક્તિત્વ માટે અત્યંત પ્રખ્યાત છે. જેક સ્પેરોનું પાત્ર પ્રખ્યાત અભિનેતા જોહની ડેપ દ્વારા અભિનીત છે. આ મુવી એક સીરીઝ સ્વરૂપે લોકો સમક્ષ રજૂ થયું છે. અત્યાર સુધીમાં આ મુવીના પાંચ ભાગ આવી ગયા છે.

મુવીના મુખ્ય પાત્રોની વાત કરીએ તો જેક સ્પેરો - બ્લેક પર્લ જહાજનો કેપ્ટન, કેપ્ટન બારબોઝા, વિલ ટર્નર અને તેની ગર્લફ્રેન્ડ એલીઝાબેથ સ્વાન. આ ઉપરાંત મુવીમાં દરિયા પર રાજ કરતો ડેવી જોન્સ અને તેની ગર્લફ્રેન્ડ કેલીપ્સોનું પાત્ર પણ મુવીના અમુક ભાગમાં મહત્વનું છે. આ સીરીઝમાં મુવીના દરેક ભાગમાં કેપ્ટન જેક સ્પેરો અલગ અલગ મુશ્કેલીઓમાં ફસાય છે અને તેમાંથી પોતાના ખુરાફાતી મગજ દ્વારા બહાર નીકળે છે.

મુવીના એક ભાગમાં જેક સ્પેરો બારબોઝા પાસે બદલો લેવા માંગતો હોય છે કારણ કે તેણે દગો કરીને જેકનું બ્લેક પર્લ જહાજ લઇ લીધું હોય છે. તો વળી બીજા ભાગમાં જેક વિલને તેની ગર્લફ્રેન્ડ એલીઝાબેથને બચાવવામાં મદદ કરતો હોય છે. અન્ય એક ભાગમાં બધા પાયરેટસ ભેગા મળીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને લડત આપે છે. તો એક ભાગમાં જેક સ્પેરો "ફાઉન્ટેન ઓફ યુથ"ની શોધમાં નીકળ્યો હોય છે. ટૂંકમાં મુવીના મુખ્ય પાત્રો તો બધા ભાગમાં છે જ પણ દરેક ભાગમાં અલગ અલગ રસપ્રદ ઘટનાઓને કારણે બધા જ ભાગ જોવાની મજા આવશે.

 આ મૂવીનું સૌથી તોફાની અને પ્રેરણા પણ આપતું હોય તેવું પાત્ર છે જેક સ્પેરોનું. તો ચાલો જાણીએ શું શીખવે છે જેક સ્પેરો:

૧ શબ્દો કરતા એક્શન મહત્વના છે

જેક સ્પેરો મુવીના દરેક ભાગમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. ત્યારે તે માત્ર વાતો કરવાને બદલે સાચા સમયે સાચા એક્શન લઈને પોતાની જાતને બચાવી લે છે. તેને પહેલેથી જ ખબર હોય છે કે તે શું કરી શકે તેમ છે અને શું કરી શકે તેમ નથી. તેને જરૂર લાગે ત્યારે તે બીજા લોકોની મદદ પણ લઇ લે છે. તેનામાંથી એ વાત ખરેખર શીખવા જેવી છે કે શબ્દો કરતા એક્શનને જ વધુ મહત્વ આપવું જોઈએ.

૨ પરફેકટ મોમેન્ટ

મોટાભાગના લોકો સાચા સમયની રાહ જોતા રહેતા હોય છે. મુવીના એક ભાગમાં જેક વિલ ટર્નરને સમજાવે છે કે હકીકતમાં પરફેક્ટ મોમેન્ટ કે સાચો સમય જેવું કઈ હોતું જ નથી. તમારે જ જે-તે સમયને યોગ્ય માનીને સાચા એક્શન લેવાના હોય છે. જે લોકો પરફેક્ટ મોમેન્ટની રાહ જુએ છે તે હંમેશા રાહ જોતા જ રહી જાય છે.

૩ વાટાઘાટ

જેક સ્પેરોનો એક ડાયલોગ પ્રખ્યાત છે - "વાય ફાઈટ વેન યુ કેન નેગોશીએટ?" બધા પાયરેટસ ભેગા મળીને જયારે પણ ઝગડાઓ કરવા લાગતા ત્યારે જેક સ્પેરો કંઇક વચલો રસ્તો નીકાળીને સમસ્યાનું સમાધાન લાવતો અને ઉત્તમ રીતે વાટાઘાટ કરીને બધાને ફાયદો થાય તેવા નિર્ણયો જ લેતો. ધંધામાં પણ એવું થતું હોય છે કે વાટાઘાટને બદલે દલીલને મહત્વ આપવામાં આવે તો મુશ્કેલીઓ સર્જાતી હોય છે. આવા સમયે વાટાઘાટને જ પ્રાધાન્ય આપવું જોઈએ.

૪ જીતવાનો રસ્તો

જયારે બધા પાયરેટસને એવું લાગે કે હવે જીતવાનો કોઈ રસ્તો નથી અને હારવાનું જ છે ત્યારે જ જેક સ્પેરોનું તેનું ખુરાફાતી મગજ ચલાવીને કંઇક ઉત્તમ ઉકેલ શોધી લાવતો. ઘણીવાર જીવનમાં પણ એવું થતું હોય કે જીતવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય અને સાવ હતાશા આવી જતી હોય ત્યારે હંમેશા યાદ રાખવું જોઈએ કે કોઈ ને કોઈ રસ્તો હંમેશા હોય જ છે. માત્ર વાર એટલી છે કે તમારે મગજ દોડાવીને તે રસ્તો શોધવાનો છે અને હાર માનવાની નથી.

૫ એટીટ્યુડ

તમે જીવનની દરેક સમસ્યાને કઈ રીતે જૂઓ છો? બહુ મોટી સમસ્યા અને બહુ મોટો પ્રશ્ન અને બધું દુઃખ તમને જ મળ્યું છે એ રીતે? કે ગમે તેવી મોટી મુશ્કેલી હોય પણ હકારાત્મક વલણ રાખીને સમસ્યા ઉકેલાય જ જશે તેવું વલણ રાખો છો? જેક સ્પેરોનો એક ડાયલોગ પ્રખ્યાત છે - "સમસ્યા એ નથી કે સમસ્યા છે. સમસ્યા એ છે કે જે તે સમસ્યા માટે તમારું વલણ એટલે કે એટીટ્યુડ કેવો છે." તમે પ્રશ્નને કઈ રીતે જૂઓ છો તે ખૂબ જ મહત્વનું છે. દરેક મુશ્કેલીમાં જેકનો એટીટ્યુડ બોલ્ડ અને નીડર જ હોય. તેને પોતાની જાત પર જ એટલો ભરોસો હોય કે તે ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળી જ જશે.

જીવનમાં કઈ રીતે નીડર બનવું, ગમે તેવા દુઃખમાં પણ કઈ રીતે ખુશમિજાજી રહીને જીવવું અને જરૂર પડ્યે જેક સ્પેરો જેવા ગીલીન્ડર બનીને સમસ્યાના ઉકેલ શોધવા આવું તો ઘણું તમને આ મૂવીની સીરીઝ શીખવશે. જો તમે હજુ સુધી આખી સીરીઝ ન જોઈ હોય તો આજથી જ જોવાનું શરુ કરો. જેકનું પાત્ર તમને જરૂરથી ગમશે.

આભાર

દર્શાલી સોની