Malcom & Marie

malcolm-marie-by darshali.jpg

એક દંપતી એવું – કે જે દેખાડે પ્રેમનો ખરો પહેલું

 

જીવનમાં સૌથી મહત્વનો કોઈ સંબંધ હોય તો તે છે જીવનસાથી સાથેનો સંબંધ. એક એવો વ્યક્તિ કે જે તમારી નબળાઈઓ અને તાકાત બન્નેને સમજીને, બંનેને સ્વીકારીને પણ તમારી સાથે આખું જીવન વિતાવે છે. તમારો આજીવન સાથ આપે છે. તમને તમારા વ્યક્તિત્વનું સત્ય પણ દેખાડે છે અને તમારી ખુશીઓમાં તમારી સાથે જ નાચીને ખુશ પણ થાય છે.

આજે એવા દંપતીની વાત કરવી છે કે જે એકબીજા માટે ખૂબ જ સ્પષ્ટ દ્રષ્ટિકોણ ધરાવે છે, એકબીજાને પોતાના સુંદર અને કદરૂપો ચહેરો પણ દેખાડે છે. આમ છતાં એકબીજાને પ્રેમ કરવાનું બંધ કરતા નથી. આજના મુવીનું નામ છે: મેલ્કમ અને મરી.

 

મેલ્કમ  એક ફિલ્મ મેકર હોય છે. તેને તેની ફિલ્મ બદલ ઘણા વખાણ અને ટીકા પણ મળતા હોય છે. તે એક એવું મુવી બનાવે છે કે જે એક યુવાન સ્ત્રી પર છે. તે મુવીમાં ઈમાની નામની સ્ત્રી કઈ રીતે ડ્રગ્સમાં ડૂબી ગઈ હોય છે અને કઈ રીતે પોતાની જાતને તેમાંથી બહાર લાવે છે તેવી રજૂઆત કરતું હોય છે.

મેલ્કમના મૂવીના પ્રીમિયર વખતે તે પોતાની સ્પીચમાં તેની ગર્લફ્રેન્ડ મરીને થેન્ક્યુ કહેવાનું ભૂલી જાય છે. જ્યારે તેની જીવનના અનેક લોકોનો તે આભાર માને છે. પણ તેની ગર્લફ્રેન્ડ કહો કે જીવનસાથીને થેન્ક્યુ કહેવાનું ભૂલી જાય છે. 

આ એક ઘટનાથી મરીના મનમાં તેના સંબંધો દરમિયાન મેલ્કમેં જેટલી ભૂલ કરી હતી તે બધી જ તાજા થઇ જાય છે. ઘરે આવીને મેલ્કમની સફળતા સેલિબ્રેટ કરવાના બદલે આખી રાત મેલ્કમ અને મરિ ઝઘડો કરે છે. આ ઝગડાની અંદર મેલ્કમ મરીના વ્યક્તિત્વના કેટલાક સત્યો દેખાડે છે અને મરી મેલ્કમને.

પ્રેમ કેટલો નાજુક હોય છે, એકબીજાને સમજવા અને સ્વીકારવા કેટલું અઘરું હોય છે, એકબીજાને મોટીવેશન આપવું કેટલું અઘરું હોય છે, એકબીજાને પોતાની નિષ્ફળતા ગણાવી કેટલી અઘરી હોય છે, તે તમને આ મુવીમાં જોવા મળશે. એક સીનમાં બંને લોકો એકબીજાને મારવાના હોય એવી રીતે ઝગડતા દેખાશે તો બીજા સીનમાં તે તમને એકબીજાને આલિંગન કરીને વાતો કરતા દેખાશે.

તમે જયારે આ મુવી જોશો ત્યારે તમે ભલે ફિલ્મમેકર નહીં હો અને તમારી પત્ની કે જીવનસાથી મોડલ નહીં હોય આમ છતાં તે બંનેની જેટલી દલીલો છે તે બંને સંબંધોને લગતા, પ્રેમને લગતા જેટલા પહેલુંઓની ચર્ચા કરે છે તેમાં ક્યાંક તમને તમારો પડછાયો દેખાશે. ત્યાં તમને તમારો સંબંધ દેખાશે. તમને સમજાશે કે સંબંધની નાજુકતા શું છે. અને લોકો કઈ રીતે સમજણ નહિ હોવાને કારણે થાપ ખાઈ જતા હોય છે.

મુવી બનાવનાર ડાયરેક્ટર એક સ્ત્રીની માનસિકતા કેવી હોય છે, તેની વિચારસરણી કેવી હોય છે, તે તેમના જીવનસાથીને શા માટે સતત પ્રેમ આપતી હોય છે, શા માટે તેની મદદ કરતી હોય છે, શા માટે તેણી સંબંધ જાળવી રાખવા માટે અનેક પ્રયત્નો કરતી હોય છે. તે પણ દેખાડ્યું છે. 

સાથોસાથ એક એવી સ્ત્રી પણ દેખાડી છે કે જે પોતાની બનાવેલી દુનિયામાં ખોવાઈ ગઈ છે, સાથોસાથ મેલ્કમને એક એવા પાત્ર તરીકે દેખાડ્યો છે કે જેને કામ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે પણ આ કામની જંજાળ માટે ક્યારેક સંબંધોનું મહત્વ ભૂલી જાય છે.

આ મુવીનો મારો ફેવરિટ છે એ છે કે જ્યારે મરી મેલ્કમને એ જણાવે છે કે મેલ્કમ તેને જીવનમાં કેટલીક બાબતો માટે થેંક યુ કહી શક્યો હોત. માત્ર મુવી બનાવવામાં મદદ કરવા માટે જ નહીં પણ જીવનની નાની-નાની બાબતો જેમ કે જે તેને ભાવતા પાસ્તા બનાવી આપે છે, દરરોજ સવારે જાગીને તેને ખૂબ જ પ્રેમ કરે છે, તેની મુવી સ્ક્રીપ્ટ પચાસ વાર વાંચીને એડિટિંગ કરવામાં મદદ કરે છે, જ્યારે જ્યારે મેલ્કમ પાછો પડી જાય છે ત્યારે તેને મોટીવેશન આપવામાં મદદ કરે છે. આવા તો અનેક કિસ્સાઓ મરી મેલ્કમને ગણાવે છે. જેના પરથી મેલ્કમને સમજાય છે કે તે મરીનો કેટલો આભારી છે.

મુવીમાં ઘણા સીન કટાક્ષવાળા છે. જેમ કે એક તરફ મેલ્કમ મરી સાથે ઝગડો કરતો હોય છે અને સાથે સાથે મરીએ જ બનાવેલા પાસ્તા ખાતો હોય છે. મરી પોતે કેટલી સારી કલાકાર છે તે સમજાવવા માટે થઈને મેલ્કમ સામે એટલી ઉત્તમ એક્ટિંગ કરે છે કે એકવાર તો મેલ્કમને એમ થઇ જાય છે કે તેણી તેને મારી નાખશે. 

મરી પોતાની જાતને સાબિત કરવા માટે અને પોતાની આવડતોને સાબિત કરવા માટે શું કરે છે તે જોવા માટે તમારે મુવી જોવું રહ્યું. મેલ્કમ પોતાની વાત સમજાવવા માટે અને મરીને તેમની નબળાઇઓ કઈ રીતે દેખાડે છે તે જોવા માટે તમારા મુવી જોવું રહ્યું. એક એવા દંપતીને જોવા માટે તમારા મુવી જોવું જોઈએ કે જે તમને એક ટકા પણ તમારો અરીસો દેખાડી જતું હોય.

૨૦૨૧માં આવેલું મુવી કોવીડના સમયમાં બનાવવામાં આવ્યું હતું. તેથી બહુ જ ઓછા ક્રૂ મેમ્બરની સાથે એક જ ઘરની અંદર આખું મુવી શૂટ કરવામાં આવ્યું છે. આખું મુવી બ્લેક એન્ડ વ્હાઈટમાં છે એટલે એવું ન માની લેતાં જુનું મુવી છે. કંઈ નહીં તો મરી અને મેલ્કમનો સંબંધ પ્રત્યેનો, પ્રેમ પ્રત્યેનો દ્રષ્ટિકોણ જાણવા માટે થઈને એક વાર મુવી જોઈ લેજો.