Like Father

like father movie talk by darshali soni.jpg

લાઈક ફાધર – એક અણમોલ સંબંધ

રેચલના લગ્ન થવાના હોય છે. તેના જૂના બોયફ્રેન્ડ ઓવેન સાથે. લગ્નની બધી તૈયારી થઇ ગઈ છે. કારકિર્દીને જ જીવન માનતી રેચલ લગ્નના દિવસે ચર્ચમાં જતા પહેલા પણ તેના કામના કોલ પર હોય છે. અંદર ચર્ચમાં બધા તેની રાહ જોતા હોય છે. અંતે ઓવેન રેચલ સાથે લગ્ન કરવાની ના પાડી દે છે. ૨૫ વર્ષ બાદ તેના રેચલના લગ્નમાં આવેલા તેના પિતા પણ તે લગ્નમાંથી ગાયબ થતા જ હોય છે ત્યાં રેચલ તેને જોઈ જાય છે.

હવે રેચલના જીવનમાં શું થાય છે? – શું તેને ઓવેન પાછો મળે છે? શું તેણી ૨૫ વર્ષ બાદ મળવા આવેલ તેના પિતાને માફ કરી શકે છે? શું રેચલ જીવનમાં કારકિર્દી અને જીવનની ખુશી વચ્ચેનું સંતુલન જાળવતા શીખી શકે છે? – આ બધા જ જવાબ જાણવા માટે તમારે ૨૦૧૮માં આવેલ “લાઈક ફાધર” મુવી જોવું રહ્યું.

રેચલના જીવન વિશે વધુ વાત કરીએ તો તેને તેની માતાએ જ મોટી કરી હતી. તેણી જયારે પાંચ વર્ષની હતી ત્યારે તેના પિતા તેઓને છોડીને જતા રહ્યા હતા. જો કે રેચલને તેની માતાએ ક્યારેય એવું અનુભવવા નહોતું દીધું કે તેણી પિતા વગર જીવી રહી છે. આમ છતાં રેચલે તેના પિતાને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે સમય જતા તેણી તેના જીવનમાં આગળ વધી ગઈ અને વધુ પડતી કારકિર્દી સાથે જોડાયેલી સ્ત્રી બની ગઈ. તેણી એક એડ કંપનીમાં કામ કરતી હતી. તેમજ પ્રમોશન મેળવવા માટે ખૂબ જ મહેનત કરી રહી હતી.

રેચલના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો ઓવેન તેના જીવનનો સૌથી પહેલો બોયફ્રેન્ડ હતો. જો કે તેણી તેની કારકિર્દીમાં ડૂબી ગઈ એટલે ઓવેનને ભૂલી ગઈ. જો કે તેની માતાનું મૃત્યુ થતા તેણીને એકલું ન લાગે એટલે તે ફરીથી ઓવેનને મળે છે અને ઓવેન સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. જો કે રેચલને તેની ફોનમાં જ વ્યસ્ત રહેવાની આદત અને કારકિર્દીને જ મહત્વ આપવાની આદત તેને મોંઘી પડી. ઓવેને તેની સાથે લગ્ન ન કર્યા. પણ હા, તેઓએ લગ્ન પહેલા મસ્ત ક્રુઝ પર જઈને હનીમૂન બનાવવાનું આયોજન તો અગાઉથી કરી નાખ્યું હતું.

લગ્ન ન થવાને કારણે રેચલ નિરાશ હોય છે. ત્યારે તેના પિતા તેને ફરીથી મળવા આવે છે. બંને ક્લબમાં જાય છે અને આખી રાત દારુ પીને ટલ્લી થાય છે. બીજા દિવસે સવારે જયારે રેચલને હનીમુન પર લઇ જવા માટે ડ્રાઈવર આવે છે ત્યારે હજી પણ નશામાં રહેલી રેચલ તેના પિતાને લઈને હનીમુન પર જતી રહી છે.

તે બંને જયારે જાગે છે ત્યારે એક મોટા ક્રુઝમાં હોય છે. એક એવું હનીમૂનરસ માટેનું ક્રુઝ જ્યાં બધા જમૈકા જતા હોય છે. શરૂઆતમાં તો ક્રુઝ પરના લોકોને એવું લાગે છે કે રેચલ અને તેના પિતા હેરી બંને પતિ-પત્ની છે. પછી બધાને ખબર પડે છે કે રેચલના લગ્નના દિવસે જ ઓવેન તેને છોડી દે છે અને તેના પિતા તેને ૨૫ વર્ષ પછી પહેલીવાર મળવા આવ્યા છે. ક્રુઝમાં બનેલું તેઓનું ગ્રુપ રેચલ અને તેના પિતાના સંબંધો સુધરી જાય તેવું ઈચ્છે છે. તેથી ક્રુઝમાં થતી દરેક પ્રવૃત્તિમાં તેઓને ભાગ લેવાનું કહેવામાં આવે છે.

પિતા-દીકરી વચ્ચે અનેક પ્રકારના ચડાવ ઉતાર આવે છે, ફરિયાદો થાય છે, ઝગડા થાય છે, રેચલને એવી પણ ખબર પડે છે કે તેના પિતા નાદાર બની ગયા છે, તેનો મિત્ર ગેબ મરી ગયો છે, તેના પિતા તેનું ઘર વેચીને દેવું ચુકવવાના છે, રેચલને પ્રમોશન મળે છે, પિતા અને દીકરીના સંબંધો સુધરે છે અને મુવી પૂરું થાય છે.

બસ, મૂવીની વાર્તા તો આટલી સરળ છે. પણ સૌથી મહત્વની વાત – કોઇપણ સંબંધને સમય આપવાથી અને વાત કરવાથી સુધરી શકે છે. જો રેચલ અને હેરી એટલે કે તેના પિતાએ સાથે સમય જ ન વિતાવ્યો હોત તો તેઓને એકબીજાની ફરિયાદ, વાતો, લાગણીઓ શેર જ ન થઇ શકી હોત. કઈ રીતે પિતા અને દીકરી એકબીજાની નજીક આવે છે અને ફરીથી એકબીજાના વર્ષો પછી સંપર્કમાં આવીને પણ સારા સંબંધો નિભાવે છે તે જોવા માટે આ મુવી જોવું રહ્યું. મુવીમાં કોઈ ટ્વીસ્ટ નથી, કોઈ એડવેન્ચર નથી, સરળ વાર્તા છે – પણ કોઈવાર આવા સરળ મુવી જોવાથી પણ નાની પણ કામની વાતો શીખવા મળે છે.