Instant Family

instant family by darshali soni.jpg

તમને ક્યારેય એવો પ્રશ્ન થયો કે લોકો બાળકોને શા માટે જન્મ આપે છે? લોકોને પોતાના બાળકો અને પોતાનો વંશજ વધારવાનો મોહ શું કામ હોય છે? લોકોને એવું કેમ લાગે છે કે લગ્ન કર્યા પછીનું સૌથી મહત્વનું પગલું છે – બાળકો કરવા? ઘણા લોકો શા માટે અનાથ બાળકોને દત્તક લે છે તો વળી ઘણા લોકો અનાથ બાળકોને દત્તક લેવાનું પસંદ કરતા નથી? – બની શકે તમારા મનમાં આવા પ્રશ્નો થયા હોય અને ન પણ થયા હોય. હજુ એક પ્રશ્ન તમારી જાતને પૂછો – જો તમને અનાથ બાળકોને દત્તક લઈને તેઓને એક નવું જીવન આપવાની તક મળે તો તમે એવું કરશો? કે પછી તમારી વિચારસરણી એવી છે કે બાળકો તો પોતાના જ હોવા જોઈએ?

પીટ અને એલીની વિચારસરણી પણ કંઇક અલગ હતી. તેઓને પોતાના બાળકો કરવા કરતા બાળકો દત્તક લેવામાં વધુ રસ હતો. ૨૦૧૮માં આવેલ “ઈન્સ્ટન્ટ ફેમિલી” એક એવા મૂવીની વાત કરવી છે જેમાં બાળકોને દત્તક શા માટે લેવામાં આવે છે અને બાળકોને દત્તક લીધા બાદ તમારા જીવનમાં કેવા કેવા બદલાવ આવી શકે છે.

તો વાત કરીએ પીટ અને એલીની. તેઓ સરસ મજાનું પોતાનું લગ્નજીવન વિતાવતા હોય છે અને બાળકોને જન્મ આપવો કે નહી તેનું આયોજન કરતા હોય છે. ત્યારે તેઓને એક એવી સંસ્થા વિશે ખબર પડે છે જે અનાથ બાળકોને દત્તક આપે છે. એવા બાળકો કે જેને તેના માતા-પિતાએ નોધારા કરી દીધા છે, અથવા તેના માતા-પિતા મરી ગયા છે અથવા તો તેના માતા-પિતા કોઈ ખરાબ કામને કારણે જેલમાં છે અથવા તો ઘણા બાળકો એવા છે કે જેને દત્તક લેવામાં આવ્યા પણ તે માતા-પિતા તે બાળકોને સાચવી ન શક્યા તેથી પાછા સંસ્થામાં મૂકી જાય છે.

પીટ અને એલી આ સંસ્થામાં જાય છે. ત્યારે તેઓને અને તેના જેવા અનેક બીજા દંપતિઓને બાળકો દત્તક લેતા પહેલા “કેવા માતા-પિતા બનવું?” તેનો કોર્ષ કરાવવામાં આવે છે. આવા કોર્ષ તમે પોતાના બાળકને જન્મ આપતા હો તો પણ કરવો જોઈએ એવું નથી લાગતું? આવા કોર્ષમાં પીટ અને એલીને બાળકોને કેવી રીતે સાચવવા અને કેવી રીતે મોટા કરવા તેની ટ્રેઈનીંગ આપવામાં આવે છે. ત્યારબાદ તેઓને બાળકો પસંદ કરવાની છૂટ આપવામાં આવે છે.

પીટ અને એલી બાળકો પસંદ કરવા માટે જાય છે ત્યારે તેઓને અનેક નાના બાળકો અને ટીનેજર્સ જોવા મળે છે. તેઓને સમજમાં નથી આવતું કે તેઓ કેવા બાળકને દત્તક લે. ત્યારે જ તેને એક એક ટીનેજર છોકરી લીઝી મળે છે. તેઓને આ છોકરી રસપ્રદ લાગે છે. પણ લીઝીનો એક ભાઈ અને બહેન પણ હોય છે. તેથી પીટ અને એલી જયારે લીઝીને દત્તક લેવાનો નિર્ણય લે છે ત્યારે એક સાથે તેને બીજા બે બાળકોને પણ દત્તક લેવા પડે છે.

લીઝી કે જે ટીનેજર હોવાની સાથોસાથ થોડી અતડી છે કારણ કે તેની માતા ડ્રગ્સને લીધે જેલમાં છે અને નાનપણથી લીઝીએ જ તેના ભાઈ-બહેનને મોટા કર્યા છે. તેથી તે પોતાની ઉંમર કરતા વહેલી મોટી થઇ ગઈ છે અને કોઈની કોઈ વાત માનવામાં કે આજ્ઞાકારી બનવામાં તેને કોઈ રસ નથી. લીઝીનો નાનો ભાઈ ઉવાન જે બહુ જ ડરપોક છે અને થોડી ઓછી બુદ્ધિવાળો છે – તે કોઈને કોઈ ભૂલો કરતો રહે છે અને લીઝીની નાની બહેન લીટા કે જે છે તો સાવ નાની પણ અત્યંત તોફાની છે.

શરૂઆતમાં તો પીટ અને એલીને આ ત્રણ બાળકોના માતા-પિતા બનવાનો અનુભવ અનોખો લાગે છે. પણ ધીમે ધીમે તેઓની સામે સમસ્યાઓ ઉભી થાય છે.  ત્રણેયના  તોફાનો, તેની જીદ, તેની ભૂલો – આ બધું જ સંભાળવું બંનેને અઘરું લાગવા માંડે છે. આમ છતાં તેઓ હિંમત હારતા નથી, તેઓને ટ્રેઈનીંગ આપનાર લોકો પાસેથી તે બાળકોને કેમ સાચવવા તે શીખે છે, કેટલાક કડવા અનુભવો પોતે કરે છે, કેટલીકવાર તેઓ પોતાની વાત મનાવવાને બદલે બાળકોને અને તેની ઇચ્છાઓ અને વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. ધીમે ધીમે એક દંપતિ સાથે રહેતા ત્રણ અજાણ્યા બાળકો એક કુટુંબ બની જાય છે. આ મુવી દરેક માતા-પિતાએ જોવું જોઈએ. બાળકોને સંભાળવા અઘરા લાગી શકે છે પણ કઈ રીતે ઘણીવાર તમારે બાળકોને સમજવાના હોય છે અને કઈ રીતે ઘણીવાર બાળકો પણ તમને સમજતા હોય છે તે તમને આ મુવીમાંથી શીખવા મળશે.

મુવીના દરેક પાત્રોમાં કોઈને કોઈ ખામી છે – આમ છતાં કઈ રીતે એક કુટુંબમાં બધી ખામીઓ હોવા છતાં બધા એકબીજાને સ્વીકારે છે અને પ્રેમ કરે છે તે સમજવા આ મુવી જોવું જોઈએ. પીટ અને એલીનું આ ઈન્સ્ટન્ટ ફેમિલી “કાયમી કુટુંબ” બને છે કે નહી તે જોવા માટે તમારે આ મુવી જોવું રહ્યું.