How to lose a guy in 10 days

how to lose guy in 10 days by darshali soni.png

હાઉ ટુ લુઝ અ ગાય ઇન ૧૦ ડેયઝ - અલગ લવસ્ટોરી!

૨૦૦૩માં એક મસ્ત મજાનું કોમેડી મુવી આવ્યું હતું. અત્યાર સુધીમાં તમે એવા મુવીઝ જોયા હશે જેમાં સાચો પ્રેમ કેમ મેળવવો, કઈ રીતે પ્રેમી કે પ્રેમિકાને ફસાવવી, કઈ રીતે ખોવાયેલા બે પ્રેમી પંખીડા પાછા મળે -આવા ખેલ હોય. પણ આ મુવી થોડું અલગ હતું.

કઈ રીતે કોઈ છોકરાને તમારા જીવનમાંથી ૧૦ જ દિવસમાં ભગાડી દેવો તેની વાર્તા આ મુવીમાં આપેલી છે. એડ એક્ઝીક્યુટીવ બેન્જામીન બેરી પોતાની જાતને વુમનાઈઝર ગણાવે છે. તે કોઇપણ છોકરીને થોડા જ સમયમાં પટાવી શકે છે તેવા ફાંકા મારે છે. તેની સામે બીજી એક કંપનીની કોલમિસ્ટ એન્ડીને આ વાતની ખબર પડે છે. ત્યારે તેણીને એક પ્રોજેક્ટ મળે છે, જેમાં તેણે કોઈ છોકરાને ૧૦ દિવસમાં કેમ ડમ્પ કરી દેવો તેના પર લખવાનું હોય છે. બસ પછી શરુ થાય છે - એન્ડી અને બેનની રોલર કોસ્ટર રાઈડ.

કઈ રીતે બેન અને એન્ડી એકબીજાને ખોટા ભ્રમ અને પ્રેમના વચનો આપે છે અને કઈ રીતે આ ખોટો પ્રેમ સાચો બની જાય છે તેની વાર્તા એટલે - "હાઉ ટુ લુઝ અ ગાય ઇન ૧૦ ડેયઝ". તો ચાલો જાણીએ શું શીખવે છે આ પ્રેમી પંખીડાઓ:

૧ પામવું અને ગુમાવવું

મુવીમાં એક ડાયલોગ મસ્ત છે - "તમને જે મળ્યું જ નથી તેને તમે કઈ રીતે ગુમાવી શકો." કેટલી સાચી વાત છે. ઘણીવાર એવું લાગતું હોય છે કે તમને પ્રેમ મળી ગયો છે - પણ કદાચ તે ભ્રમ જ હોય છે. શરૂઆતમાં એન્ડી અને બેનને એવું જ લાગ્યું હતું કે તેઓને સાચે પ્રેમ મળી ગયો? ઘણા મુવીઝ એવા હોય છે કે આખા મુવીમાંથી ખાલી એક જ લાઈન પણ જીવનમાં ઉતારી લો તો જીવન સરળ બની જાય છે. શું તમે કઈ ન મેળવેલું ગુમાવેલું છે?

૨ નસીબ

નસીબમાં માનવું કે ના માનવું એ તો વ્યક્તિગત બાબત છે. પણ જો તમે નસીબમાં કે યુનિવર્સમાં માનતા હશો તો તમે એક વાત તો સ્વીકારશો જ. આપણા જીવનમાં ક્યારે કોણ અને કેવી રીતે આવીને જીવનના પાના જ બદલાવી નાખે તેની ખબર નથી હોતી. એક મહત્વાકાંક્ષી છોકરી એન્ડી કઈ રીતે બેનના સાચા પ્રેમમાં પડી જાય તે જોવાની મજા આવશે. તમારી દુનિયામાં ડોકિયું કરીને જોજો. બની શકે તમને પણ નસીબની ઝલક મળી જાય.

૩ ધારણાઓ

જીવનમાં માનવીનો સ્વભાવ છે કે દરેક બાબત અને વ્યક્તિ માટે એક ધારણા બાંધી લેવાનો. બની શકે ક્યારેક આ ધારણાઓ સાચી પડે અને ક્યારેક સાવ ખોટી. એન્ડીને એમ લાગતું હોય છે કે આ આર્ટીકલ લખવાથી બધી સ્ત્રીઓને પુરુષો વિશેની હકીકત ખબર પડી જશે. જયારે હકીકતમાં તો તેને પોતાને જ સમજાય છે કે જેવું તે પુરુષો વિશે અને ખાસ કરીને બેન વિશે જે વિચારે છે તે ખોટું પણ હોઈ શકે. તમે જીવનના કોઈપણ તબક્કામાં હો - ધારણાઓ બાંધી ના લો.

૪ પ્રેમની તાકાત

એન્ડી અને બેનને એવો પૂરો ભરોસો હતો કે તેઓ ક્યારેય પ્રેમમાં નહી પડે. બેન તેનો વુમનાઈઝર સ્વભાવ અનુસરતો હતો અને એન્ડી તેના આર્ટીકલને ઉત્તમ બનાવવા માટે ઢોંગ કરી રહી હતી. પણ જયારે બેન એન્ડીને તેના ઘરે લઇ જાય છે અને તેના કુટુંબીજનોને મળે છે, જયારે તે બેન સાથે સમય ગાળીને એકબીજાને ઓળખે છે ત્યારે તેને પ્રેમની તાકાત સમજાય છે. કઈ રીતે તર્ક અને કારકિર્દી કરતા પણ વધુ પ્રેમ મહત્વનો સાબિત થાય છે તે તમે મુવીમાં જોશો.

આમ તો મુવી બહુ જુનું છે. થોડું કોમેડી અને રોમેન્ટિક છે. પણ ક્યારેક આવા મુવી જોઈ લેવાથી જીવન અને પ્રેમ વિશેની વ્યાખ્યાઓને થોડી ધાર મળી જતી હોય છે. તેથી એકવાર આ મુવી જોઈ લેવું ખોટું નથી.

આભાર

દર્શાલી સોની