Forest Gump

forest gump by darshali soni.jpg

ફોરેસ્ટ ગંપ - ઓસ્કાર વિનર મુવી

૧૯૯૪માં રીલીઝ થયેલ ફોરેસ્ટ ગંપને છ ઓસ્કાર મળ્યા છે. મુવીનું મુખ્ય પાત્ર ફોરેસ્ટ ગંપનું પાત્ર ટોમ હેન્ક્સે નિભાવ્યું છે. આ મુવીની વાર્તા ખૂબ જ સરળ છે. ફોરેસ્ટ એક લો આઈ કયું સાથે જન્મેલ વ્યક્તિ હોય છે. તેની નાનપણમાં માત્ર એક જ મિત્ર હોય છે. તેનું નામ જેની છે. ફોરેસ્ટ ગંપ જેનીને ખૂબ જ પ્રેમ કરતો હોય છે. ગંપ વિયેટનામ જઈને આર્મીમાં જોડાય છે. ત્યાં તેના બે નવા મિત્રો બને છે - ડેન અને બુબા. ઓછા આઈકયું વાળો ફોરેસ્ટ ગંપ અનેક મેડલ્સ જીતે છે, લોકોને જોગીંગ કરવા પ્રેરણા આપે છે. તેમજ આર્મીમાં અનેક સૈનિકોનો જીવ પણ બચાવે છે.

આ મુવીમાં ફોરેસ્ટ ગંપનું નામ તેની માતાએ એક સિવિલ હીરો - જનરલ બેડફોર્ડ ફોરેસ્ટ પરથી રાખ્યું હતું. ફોરેસ્ટ ગંપની માતા તેને જીવનના ઘણા પાઠો શીખવે છે. જેમ કે -

૧ જીવન એક ચોકલેટ બોક્સ છે.

ફોરેસ્ટની માતા હંમેશા તેને કહેતી કે જીવન એક ચોકલેટ બોક્સ જેવું છે. તમને બોક્સમાંથી શું મળશે તે ખબર જ નથી હોતી. જીવનમાં તમને ક્યારે કઈ સરપ્રાઈઝ મળી જાય તેનો કોઈ નક્કી સમય નથી હોતો. બસ તમારે આશા રાખવાની છે કે જીવનમાં કંઇક તો મળશે જ. કોઈવાર બોક્સમાંથી ભાવતી ચોકલેટ મળે તો કોઈવાર ઓછી ભાવતી. તે જ રીતે જીવનમાં અનુભવોનું પણ તેવું જ છે. હા, પણ જીવન એક ચોકલેટ બોક્સ જેવું છે એટલે એવું પણ કહી જ શકાય કે જીવન મીઠાશથી ભરેલું તો છે જ.

૨ ભૂતકાળ અને ભવિષ્ય

ફોરેસ્ટ બધા બાળકો જેવો સામાન્ય ન હતો. તે જયારે હતાશ થઇ જતો ત્યારે તેની માતા સમજાવતી કે તે ભૂતકાળને ભૂલીને આગળ વધશે તો જ ભવિષ્યની કલ્પના કરી શકશે. ભૂતકાળમાં જ ખોવાયેલ રહેશે તો ક્યારેય સારું ભવિષ્ય બને તેવી આશા નહિ રાખી શકે. ભવિષ્ય તરફ મીટ માંડવા માટે ભૂતકાળને ભૂલવો જરૂરી છે.

૩ નસીબ

ફોરેસ્ટ જયારે તેની વૃદ્ધ માતાને મળે છે ત્યારે તેઓ નસીબ અંગે વાત કરે છે. ફોરેસ્ટની માતા સમજાવે છે કે ખરેખર નસીબ જેવું કઈ હોતું જ નથી. તમારે જ તમારું નસીબ ઘડવાનું હોય છે. તેમજ એવું પણ બની શકે કે તમારું નસીબ કહો કે જીવનનું આયોજન તે પહેલેથી જ નક્કી હોય છે. ઘણા લોકો માટે નસીબ જ બધું છે તો ઘણા લોકો પોતાનું નસીબ જાતે ઘડે છે. ફોરેસ્ટ ગંપે પણ પોતાનું નસીબ જાતે ઘડ્યું.  તે તેના જીવનમાં આવતી દરેક તકોને સ્વીકારતો ગયો અને નસીબના નક્કી કરેલા પાસા પર ચાલતો ગયો. તેને તેની મંઝીલ મળી તો ગઈ જ.

૪ ભગવાન

ફોરેસ્ટ ગંપ જયારે આર્મીમાં જોડાય છે ત્યારે ત્યાંના લ્યુટેનન્ટ ડેનિયલ ફોરેસ્ટ ગંપને પૂછે છે - "શું તમે ભગવાનને મળ્યા?" ત્યારે ફોરેસ્ટ ગંપ સુંદર જવાબ આપે છે - "શું ભગવાનને શોધવાના હોય છે?"  તમારું શું કહેવું છે? - તમે ભગવાનને શોધવા નીકળ્યા છો ક્યારેય? ઘણા લોકોના મતે ભગવાન રહસ્યમય છે તો ઘણા લોકો ભગવાનને શોધવા નીકળે છે. ડેનિયલ અપંગ હોવાથી તેને ભગવાન પર ભરોસો ન હતો. શું તમને ભગવાન પર ભરોસો છે?

૫ ચાલતા રહો

ફોરેસ્ટ ગંપમાં દોડવાની ઉત્તમ આવડત હોય છે. એકવાર તે દોડવાનું શરુ કરે છે. રોડ પૂરો થઇ જાય છે. શહેર પણ પૂરું થઇ જાય છે. તે આલાબામામાં રહેતો. તે આલાબામાની પણ બહાર નીકળી જાય છે. આમ છતાં તે દોડવાનું બંધ કરતો નથી. જીવનનું પણ કંઇક આવું જ છે. તમે એક પછી એક રસ્તામાંથી પસાર થાવ છો. પરંતુ જેમ ફોરેસ્ટ દોડવાનું બંધ નથી કરતો. તેમ તમે પણ જીવનમાં દોડવાનું ક્યારેય બંધ ન કરો. કોને ખબર ક્યારે મંઝીલ મળી જાય. તેથી દોડવાનું ચાલો રાખો.

આ મુવીમાં ટોમ હેન્કસને તેના અદભુત અભિનય માટે ઓસ્કાર મળ્યો છે. જો તમે ટોમ હેન્કસના ફેન હો તો જરૂરથી આ મુવી જૂઓ.

આભાર

દર્શાલી સોની