Eternal sunshine of the spotless mind

eternal sunshine of the spotless mind by darshali soni.jpg

એટરનલ સનસાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ

ઓસ્કાર વિનર આ મુવીની વાર્તા ખૂબ જ સુંદર છે. આમ તો ઘણી લવ સ્ટોરીઝ વારંવાર હોલીવુડમાં તમને જોવા મળશે પણ ૨૦૦૪માં આવેલ આ મુવી કંઇક અલગ જ દ્રષ્ટિકોણથી બનેલ છે. આ મુવીમાં એક દંપતીની વાત કરવામાં આવી છે. જીમ કેરી અભિનીત જોએલ અને કેટ વિન્સ્લેટ અભિનીત ક્લેમેનટાઈનનું પાત્ર રસપ્રદ છે. ક્લેમેનટાઈન તેના જોએલ સાથેના રિલેશનશિપને ભૂલવા માંગે છે. તેથી તે એક વિચિત્ર મેડીકલ પ્રોસીજર કરાવડાવે છે. આ મેડીકલ પ્રોસીજર મુજબ તમે જે તે વ્યક્તિની બધી જ યાદોને તમારા મગજમાંથી ભૂસી શકો છો. ડોક્ટર હાર્વડ પાસે ક્લેમેનટાઈન જાય છે અને જોએલને પોતાના મગજમાંથી ભુસાવી નાખે છે.

આ વાતની જાણ જયારે જોએલને થાય છે કે ત્યારે જોએલ પણ દુઃખી થઈને આ જ મેડીકલ પ્રોસીજર કરાવડાવાનું નક્કી કરે છે. વાર્તા અનોખી અહીંથી જ બને છે. જોએલના મગજમાંથી જયારે ક્લેમેનટાઈનની યાદો ભૂસવામાં આવતી હોય છે ત્યારે જોએલ તે યાદોને બચાવવાની કોશિશ કરે છે. ક્યાંક હજુ પણ જોએલ કેલેમેનટાઇનને ભૂલવા માંગતો નથી. આ મુવીના નામ પરથી તમને પ્રશ્ન થાય કે આ મૂવીની વાર્તા સાથે નામ કઈ રીતે સબંધિત છે તો આ મુવીનું નામ એલેકઝાન્ડર પોપની એક કવિતામાંથી લેવામાં આવેલ છે.

જોએલ અને કેલેમેનટાઈનની સરળ વાતોમાંથી જ ઘણું શીખવા મળે છે. જેમ કે આપણે શેની શોધમાં છીએ? પ્રેમની કે પછી કોઈ આપણને અટેનશન આપે તેની શોધમાં?

૧ કાશ...

જોએલ જયારે કેલેમેનટાઈનની યાદોને ભૂસવાની પ્રોસીજર કરતો હોય છે ત્યારે તે એવું વિચારે છે કે કાશ...તે તેની ગર્લફ્રેન્ડને રોકી શક્યો હોત? કાશ તે તેની ગર્લફ્રેડની યાદોને પોતાની પાસે જ રાખી શક્યો હોત...આ કાશવાળી લાગણી જ માનવીને જીવનમાં અફસોસ આપે છે. કોઈપણ રિલેશનશિપમાં કાશ...ના અફસોસ કરતા પોતાની લાગણીઓને વ્યક્ત કરી દેવી વધુ સારું કહી શકાય.

૨ વર્તમાન

ક્લેમેનટાઈન તો જોએલને ભૂલી ગઈ છે. આમ છતાં તેઓ ફરીથી એકબીજાને મળે છે. ફરીથી એકબીજાના પ્રેમમાં પડે છે. આ સમયે જોએલ પોતાના મગજની યાદોમાં હોય છે. ત્યારે ક્લેમેનટાઈન કહે છે કે આ બધી યાદો તો હમણાં જતી રહેશે તો હવે આપણે શું કરવું જોઈએ? ત્યારે જોએલ કહે છે - વર્તમાનની ક્ષણોને જીવી લઈએ. માનવીના જીવનમાં યાદોનું આગવું મહત્વ છે. પણ ઘણીવાર યાદો કરતા વર્તમાન જીવી લેવાની મજા અલગ હોય છે.

૩ માનસિકતા

કોઈપણ નવા નવા રિલેશનશિપમાં બંને પાત્ર એકબીજાને પરફેક્ટ જ માનતા હોય છે. બંનેને એકબીજાની કોઈ ખામીઓ દેખાતી નથી. સમય જતા ખામીઓ દેખાવા લાગે છે અને ઝગડા ઉભા થાય છે. એકવાર જોએલ ક્લેમેનટાઈનનો કહેતો હોય છે કે તેને તો કેલેમેનટાઈનની બધી જ બાબતો ગમે છે, ત્યારે તેણી જોએલને સમજાવતા કહે છે કે એક સમય એવો આવશે જયારે જોએલ તેણીથી કંટાળી જશે. આ જ માનવીની માનસિકતા છે - એક સમય પછી લોકો એકબીજાથી કંટાળી જાય છે. આ સમયે પોતાના સંબંધોને કઈ રીતે વધુ સારા બનાવવા અને કઈ રીતે આ માનસિકતાને તોડવી તે જ શીખવાનું છે. જોએલ કંટાળતો નથી. તે તો ક્લેમેનટાઈનને ભૂસ્યા પછી ફરીથી તેના જ પ્રેમમાં પડે છે.

૪ પોતીકું કે અજાણ્યું?

ઘણીવાર તમે કોઈ વ્યક્તિ સાથે આખું જીવન વિતાવી દો પણ તે વ્યક્તિ તમને ઘણીવાર અજાણ્યું લાગે છે. તે જ રીતે તમે કોઈ વ્યક્તિ સાથે માત્ર થોડો સમય વિતાવો તો પણ તે તમને પોતાનું લાગવા માંડે છે. જોએલ અને કેલેમેનટાઇન એકબીજાને ભૂલવા માટે મેડીકલ પ્રોસીજર તો કરાવી લે છે. એકબીજાથી ફરીથી અજાણ્યા તો બની જાય છે. આમ છતાં તેઓ ફરીવાર મળે છે ત્યારે ફરીથી પ્રેમમાં પણ પડી જાય છે.

૫ સ્વીકારણા

કેલેમેનટાઈન જયારે નાની હોય છે ત્યારે તેના મનમાં એવી લઘુતાગ્રંથિ હોય છે કે પોતે સુંદર નથી. આ વાત તે જોએલને જણાવે છે ત્યારે જોએલ કહે છે - "તું સુંદર જ છો." - મુવીમાં આ સીન માત્ર ૨ થી ૩ મિનીટ માટે જ છે. આમ છતાં એક નાનકડી એવી વાત તો એ શીખવા મળે છે કે જયારે બે વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતા હોય ત્યારે તેઓ એકબીજાને જેવા છે તેવા સ્વીકારે પણ છે  અને એકબીજાને પોતપોતાની લઘુતાગ્રંથીઓમાંથી બહાર કાઢવાનો પણ પ્રયત્ન કરે છે. આ મુવીમાં જોએલ ખૂબ જ શાંત સ્વભાવનો છે. જયારે ક્લેમેનટાઈન બહિર્મુખી સ્વભાવની છે. આમ છતાં તેઓ એકબીજાને સ્વીકારે છે અને પ્રેમ કરે છે.

યાદોને ભૂલી શકાય નહિ. આમ છતાં મુવીમાં આ મેડીકલ પ્રોસીજરનું ટ્વીસ્ટ મુવીને વધુ રસપ્રદ બનાવે છે. મુવીના મોટાભાગના સીન જોએલના મગજમાં હોય તે જ રીતે દર્શાવવામાં આવ્યા છે. આ મુવીમાં બ્રેકઅપ પછીની ઉદાસીનતા પણ છે, બ્રેકઅપ પહેલાનો પ્રેમ પણ છે, મસ્ત મજાની યાદો પણ છે અને ફરીથી પ્રેમમાં પડવાની કહાની પણ છે. વર્ષો જૂની એક જ પ્રકારની લવ સ્ટોરી જોવા કરતા કંઇક અલગ પ્રકારનું આ મુવી જોવાની વધુ મજા આવશે.

આભાર

દર્શાલી સોની