charlie's angels

charlies angels by darshali soni.jpeg

ચાર્લીઝ એન્જલસ - આધુનિક શેરલોક હુમ્સ

જો શેરલોક હુમ્સ અને વ્યોમકેશ બક્ષી તમારા પ્રિય પાત્રો હશે તો તમે આ મુવી જરૂરથી જોયું હશે. અત્યાર સુધી એવું જ હતું કે જાસૂસની ભૂમિકા નિભાવવાની વાત આવે એટલે પુરુષો જ હોવા જોઈએ. આ મુવીએ આ વાતને ખોટી સાબિત કરી દેખાડી. વર્ષો પહેલાં ટીવીમાં ચાર્લીઝ એન્જલસની સીરીઝ આવતી. ત્યારબાદ તેના પર મુવી બનાવવાનું વિચારવામાં આવ્યું. તેથી જ તે ચાર્લીઝ એન્જલસનો પેલો ભાગ આવ્યો ૨૦૦૦માં.

ત્રણ સુંદર અને સાતીર મગજની સ્ત્રીઓ જાસૂસ બને. તેનો એક રહસ્યમયી બોસ હોય જે તેને અલગ અલગ પ્રકારના મિશન પર મોકલે. બસ સ્ટોરીલાઈન તો આટલી સરળ જ છે. મુવીના પાત્રોની વાત કરું તો ડીલન નામની ચુલબુલી સ્ત્રીનું પાત્ર સુંદર બેરી ડરુમરે નિભાવ્યું છે. કેમેરોન ડીઆઝે નટાલિઆનું પાત્ર નિભાવ્યું છે. અને ત્રીજી તોફાની સ્ત્રી એલેક્સનું પાત્ર લુસી લુએ નિભાવેલ છે. તમને આ મુવીમાં એક વિલન અને તેને કઈ રીતે આ ત્રણેય સ્ત્રીઓ હરાવી દે છે તેવું ઘણું જોવા મળશે. આ મુવીમાં પેલો ફ્રેન્ડસ સીરીઝવાળો જોઈ પણ એક જેસન નામના પાત્રને નિભાવતો જોવા મળશે.

ત્રણેય એન્જલસ પોતાની માર્શલ આર્ટસ, સુંદરતા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમુક સફળ મિશન પાર પડે છે. તે બધા વચ્ચેની મિત્રતા પણ અનોખી છે. જો તમને કોઈ એક્શન ડ્રામા મુવી જોવાનું મન થયું હોય તો આ મુવી જરૂરથી જોવું જોઈએ. ચાલો જાણીએ કે શું શીખવે છે આ આધુનિક વીરાંગનાઓ:

૧ ચાર્લી અને પ્રમાણિકતા

તમે નોકરી કરતા હો કે બીજું કોઈ કામ -  તમારો એક બોસ તો હશે જ. તે ત્રણ સ્ત્રીઓનો બોસ એટલે ચાર્લી. જે ક્યારેય તેઓને મળતો નથી. માત્ર તેના અવાજથી તેઓની સાથે વાતો થાય છે. જો કે આ ત્રણેયની કામ પ્રત્યેની અને તેના બોસ પ્રત્યેની પ્રમાણિકતામાંથી ઘણું શીખવા જેવું છે. તમે જીવનમાં કોઇપણ કામ કરતા હો પ્રમાણિકતા સૌથી વધુ જરૂરી છે.

૨ સ્ત્રી સશક્તિકરણ

૨૦૦૦ની સાલમાં સ્ત્રીઓ પ્રત્યે જાગૃતતા લાવવાના બહુ કોઈ સેમીનાર કે ચળવળો થતી નહોતી. ત્યારે આવું કોઈ મુવી આવે તો દર્શકોને જરૂરથી મજા પડવાની જ. જો કે હવે તો હોલીવુડ અને બોલીવુડમાં ઘણા સ્ટ્રોંગ સ્ત્રી પાત્રોના મુવી આવી જ ગયા છે. પણ આજકાલની છોકરીઓ ટીકટોકમાંથી ઉંચી આવીને આ એન્જલસ જેવી આવડતો જરૂરથી વિકસાવી શકે.

૩ સ્ટ્રેટેજી

જીવન હોય કે ધંધો - સ્ટ્રેટેજી સૌથી મહત્વની છે. તમે આ મુવીમાં જોશો કે કઈ રીતે ત્રણેય સ્ત્રીઓ ચતુરાઈ વાપરીને સ્ટ્રેટેજી ઘડીને વિલનને માત આપે છે. તમે પણ આ બધું શીખવા માટે અનુભવો લો, પુસ્તકો વાંચો અને મુવીઝ જૂઓ.

૪ બોલ્ડનેસ

સામાન્ય રીતે આ શબ્દનો અર્થ ખોટો જ નીકાળી લેવામાં આવે છે. શું સ્ત્રીઓએ જરૂર પડ્યે બોલ્ડ બનવું જોઈએ કે તેને બોલ્ડ બનવાનો હક જ નથી. આવી ઘણી બાબતો સમાજમાં થતી જ હોય છે. હાલમાં તો સ્ત્રીઓ જાગૃત બનીને કરાટે શીખવા પણ જાય છે અને એકલી વિદેશમાં ભણવા અને નોકરી કરવા પણ જાય છે. મુવી જોયા બાદ સ્ત્રીમાં પોતાની જાત માટે કેટલી બોલ્ડનેસ હોવી જોઈએ તે તમને સમજાશે.

૫ સ્વ રક્ષણ

ઘણી સ્ત્રીઓનો હજુ પણ માઈન્ડસેટ એવો હોય છે કે એક સમય પછી લગ્ન કરી લેવાના અને કોઈ પર આધારિત થઇ જવાનું. પતિ કે પિતા કે ભાઈ જ તેનું રક્ષણ કરી શકે. જો કે આ વાત હવે સાચી રહી નથી. જો ૨૦૦૦ની સાલમાં એવું મુવી બની શકતું હોય કે જેમાં સ્ત્રીઓ કરાટે અને માર્શલ આર્ટ કરતી હોય તો હાલના જમાનામાં તો સ્ત્રીઓએ પગભર થતા અને સ્વ રક્ષણ કરતા શીખવું જ જોઈએ.

આ મુવીમાંથી આમ તો ઘણું શીખવાનું છે. આ મુવીને ૧૫થી વધુ અવોર્ડસ મળેલા છે. આ અઠવાડીયા મસ્ત આરામથી વીરાંગનાઓનું મુવી જોવાનું ઈચ્છા હોય તો આ મુવી જરૂરથી જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની