Alice in wonderland

alice in wonderland by darshali soni.jpeg

એલીસ ઇન વન્ડરલેન્ડ - સપનાઓની દુનિયા

તમે નાના હો ત્યારે તમારા દાદા-દાદી અને માતા-પિતા પાસેથી અનેક પરીકથાઓ સાંભળી હશે. જે રીતે આપણે અકબર-બિલબર, તેનાલીરામ અને બીજા અનેક પાત્રો નાનપણમાં આવતા તે જ રીતે પ્રખ્યાત લેખક લ્યુઈસ કેરોલે "એલીસીઝ એડવેન્ચરસ ઇન વન્ડરલેન્ડ" નામનું પુસ્તક લખ્યું હતું. બસ, આ પુસ્તકમાંથી જ પ્રેરણા લઈને ૨૦૧૦માં હોલીવુડમાં "એલીસ ઇન વન્ડરલેન્ડ" મુવી બનાવવામાં આવ્યું.

તમને એવો પ્રશ્ન થાય કે આટલું જુનું મુવી અત્યારે જોવાનો શો મતલબ? વેકેશનનો માહોલ પૂરો થવા આવ્યો છે. બાળકોની સાથોસાથ તમે પણ ક્યારેક બાળક બનીને સપનાની દુનિયામાં ખોવાઈ જાવ તો કઈ ખોટું નથી. તો ચાલો જાણીએ શું કહે છે સુંદર મજાની એલીસ.

મૂવીની વાર્તા બહુ જ જાણીતી છે. તેમાં કોઈ મોટું રહસ્ય નથી. ૧૯ વર્ષની એલીસ એક મેજિકલ દુનિયામાં પહોંચી જાય છે. તે દુનિયામાં તેણી તેના જૂના મિત્રોને મળે છે, એક રાણીને મળે છે, અને એક રાજ્યમાં રેડ ક્વીનને હરાવીને પ્રજાની રક્ષા કરે છે. વાર્તા તમને ટીપીકલ જ લાગવાની. પણ ઘણીવાર મુવીમાં જે અભિનેતાઓ અને અભિનેત્રીઓને લેવામાં આવેલ હોય અને જે રીતે તમારી સામે વાર્તા રજૂ કરી હોય તે જોવા માટે થઈને આ મુવી જોવું જોઈએ.

મુવીના પાત્રોની વાત  કરું તો એલીસનું પાત્ર મિયા દ્વારા અભિનીત છે. તેમાં મસ્ત મજાનું પાત્ર કે જે તમને સૌથી વધારે ગમશે - મેડ કાર્ટરનું પાત્ર પ્રખ્યાત અભિનેતા જોહની ડેપ દ્વારા અભિનીત છે. હા, જોહની ડેપ એટલે પેલા પાઈરેટસ ઓફ કેરેબિયન મુવીવાળો જેક સ્પેરો. સુંદર મજાની વાઈટ ક્વીનનું પાત્ર આના હાથવેએ ઉત્તમ રીતે નિભાવ્યું છે. તમે હેરી પોટર મુવીમાં વોલ્ડોમોડ સાથે રહેતી વાંકડિયા વાળવાળી છોકરી જોઈ હશે. તે પ્રખ્યાત અભિનેત્રી હેલીનાએ આ મુવીમાં પણ વિલન રેડ ક્વીનનું પાત્ર નિભાવ્યું છે. તેનો મેકઅપ અને અભિનય જોરદાર છે. તો ચાલો જાણીએ આ સરળ મુવી ક્યાં ગાઢ પાઠો સમજાવે છે:

૧ પાગલપન અને બુદ્ધિ

એકવાર એલીસ અને મેડ કાર્ટર વાતો કરતા હોય છે. ત્યારે એલીસ મેડ કાર્ટરને સમજાવે છે કે બુદ્ધિવાન લોકોમાં થોડું પાગલપન તો હોય જ છે. તે જ તો તેની ઓળખ હોય છે. તે બધાથી અલગ વર્તન અને અલગ વિચારો ધરાવતા હોય છે. કોઈવાર એવું બની શકે કે જીનીયસ લોકોનું વર્તન સામાન્ય લોકો સમજી ન શકે. તો આવા સમયે હતાશ થવાને બદલે પોતાની આવડતો પર વધુ ધ્યાન આપવું જોઈએ. હા, પણ પાગલપનને ખોટા અર્થમાં લઇ લેવું પણ મુર્ખામી જ છે.

૨ સપનાઓ

હાલમાં મોટીવેશનલ વિડિયોઝ અને સ્પીકર્સનો ભરમાર એટલો વધી ગયો છે કે સપનાઓ સાથે સફળતાને જ જોડી દેવામાં આવે છે. પણ એ સપનાઓ ક્યાં ગયા જે આપણને ઊંઘતા કંઇક અલગ જ દુનિયામાં લઇ જતા. જ્યાં કોઈ ચિંતા નહોતી, કોઈ હરીફાઈ નહોતી, કોઈ ડેડલાઈન્સ નહોતી. આજની લાઈફસ્ટાઈલ જ એવી થઇ ગઈ છે કે લોકોને સપના તો ઠીક ઊંઘ પણ માંડ આવતી હોય છે. આવા સમયે તમે એવું મુવીમાં જૂઓ કે કઈ રીતે એલીસ સપનાની દુનિયામાં જીવનના મહત્વના પાઠ શીખે છે ત્યારે એકવાર ફરીથી સપનાઓ જોવાનું મન તો થઇ જ જશે. સપનાઓ જોવા સારા. કોને ખબર ક્યારે સાચા પડી જાય.

૩ સ્વ ઈચ્છા અને એકલતા

આ મુવીમાં મેડ કાર્ટર અને વાઈટ ક્વીન એલીસને સૌથી સારી શિખામણો આપે છે. એક વાર વાઈટ ક્વીન એલિસને સમજાવતા કહે છે કે - તમે જીવનમાં બધા જ લોકોને ક્યારેય ખુશ કરી શકતા નથી. જયારે તમે તમારી ઇચ્છાઓને માન આપો છો અને પોતાની જાતને ખુશ કરવાનું પસંદ કરો છો ત્યારે એકલતા તો આવવાની જ છે. આવા સમયે હતાશ થવાને બદલે પોતાની ખુશીમાં ખુશ રહેતા પણ શીખવું જોઈએ. તેમજ બધાને ખુશ ન કરી શક્યા તેનો અફસોસ પણ ના રાખવો જોઈએ.

૪ જીત અને હાર

સામાન્ય રીતે હાલની દુનિયામાં આપણે યુદ્ધનો સામનો કરવો પડતો નથી. પણ હા, મનમાં પોતાની જાત સાથે તો દ્વંદ તો ચાલતું જ રહેતું હોય છે. જયારે એલીસ સપનાની મેજિકલ દુનિયામાં રેડ ક્વીનને હરાવે છે ત્યારે સિમ્બોલિક રીતે તમે એવું પણ સમજી શકો કે પોતાની બુરાઈઓને આપણે જ હરાવીને જીવનમાં આગળ વધવું પડે છે.

આ મુવીને ૨ ઓસ્કાર મળેલા છે અને ૬૩થી વધુ એવોર્ડ્સ માટે મુવી નોમીનેટ પણ થયેલું છે. તેથી એકવાર તો આ મુવી જોવું જ જોઈએ.

આભાર

દર્શાલી સોની