COVID 19 in South Africa

covid-19.jpg

સાઉથ આફ્રિકામાં કોવીડ ૧૯ – એક ભારતીયની નજરે

 

જયારે દુનિયાનો દરેક માનવી કોરોનાની સામે લડત આપવા પોતાની ક્ષમતા મુજબ લડી રહ્યો છે ત્યારે ચાલો એક નજર સાઉથ આફ્રિકા પર નાખીએ. અહીની સરકાર અને જનતા કઈ રીતે સામનો કરી રહી છે તે જાણીએ. હાલમાં અહી ૩૯૫૩ કેસ છે તેમજ સાઉથ આફ્રિકાની સરકારે પણ લોકડાઉન માટેના અનેક નિયમો બહાર પાડેલ છે. તેમાંથી અમુક નિયમો કંઈક આવા છે –

જો તમારે મોલમાં જઈને જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવી હોય તો, ઘરનો એક જ સભ્ય મોલમાં જઈ શકશે. મોલમાં જેટલા વ્યક્તિ આવે છે તેને સૌથી પહેલા મોલના કર્મચારીઓ હેન્ડ સેનેટાઈઝર આપશે. દરેક નાગરિક કોઇપણ પ્રોડક્ટ ત્રણથી વધુ નહી લઇ શકે. અહી પણ ઘણા લોકો એવા છે કે જે જરૂર કરતા વધુ સ્ટોક ભેગો કરી લે. તેથી જ આ નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. એટલું જ નહી અનેક મોલ્સ હોમ ડીલીવરી પણ આપે છે. વૃદ્ધ લોકો નિરાંતે ખરીદી કરી શકે તે માટે એક અલગ સમય જ ફાળવી દેવામાં આવ્યો છે.

દિવસમાં હેલીકોપ્ટર થકી બે વખત સર્વેલન્સ કરવામાં આવે છે. અહી પણ લોકડાઉનના નિયમો આકરા જ છે. આખો દિવસ અહીની માર્શલ પોલીસની કાર સતત રોડ પર પેટ્રોલિંગ કરે છે. આશ્રય વગરના લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવે છે. થોડા દિવસ પહેલા જ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સિરિલ રામાફોઝાએ બેરોજગાર લોકો માટે અને પેન્શન પર જીવતા લોકોને રાહત મળે તે માટે બહુ મોટું ફંડ ફાળવ્યું છે. ભારતના અર્થતંત્ર કરતા સાઉથ આફ્રિકાના અર્થતંત્રની હાલત કફોળી છે. તેથી જ સિરિલ રામાફોઝાએ એક નવું અર્થતંત્ર ઘડવું પડશે – તેવી જાહેરાત પણ કરી દીધી છે.

સાઉથ આફ્રિકામાં કોરોનાનો સામનો પાંચ લેવલ નો નિયમ અનુસરીને થઇ રહ્યો છે. દરેક લેવલે ધીમે ધીમે લોકડાઉન ખુલશે અને ફરીથી જનજીવન જીવંત બનશે.

હાલમાં સાઉથ આફ્રિકા લેવલ ૫ ના તબક્કે છે. અમુક ધંધાઓને અને સેવાઓને ધીમે ધીમે શરુ કરવામાં આવશે. તેમજ જે ક્ષેત્રની કંપની શરુ કરવામાં આવશે તેમાં પણ માત્ર ૩૦% કર્મચારીઓને જ ઓફીસ પર બોલાવી શકાશે. સરકાર કંપનીમાં કર્મચારીઓને  કોરોના ન થાય તેની કાળજી માટે અમુક નિયમો આપશે. આ નિયમોનું પાલન થતું થશે તો જ કંપની ચાલુ રહી શકશે.

આ તો સરકારે આપેલ ચિત્ર છે. સાઉથ આફ્રિકાની જનતા પણ ઘણા અંશે સરકારને સમર્થન આપી રહી છે. એ વાત જરૂરથી કહી શકાય કે કોરોનાની અસર દરેક વ્યક્તિની જીવનશૈલીમાં, નાણાકીય આયોજનોમાં અને પૂરા વિશ્વમાં બહુ જ મોટી છે. અહીની જનતા ઘરે રહીને તેના બાળકો સાથે સમય વિતાવી રહી છે, તેના પાલતું પ્રાણીઓ સાથે સમય વિતાવી રહી છે. ઘરમાં લોકો ગાર્ડનીંગ કરવા લાગ્યા છે. તેમજ કામ કરતો વર્ગ – વર્ક ફ્રોમ હોમ અને વિડીયો કોન્ફરન્સથી સમય વિતાવી રહ્યા છે. 

વિશ્વનો દરેક દેશ પોતાની રીતે અને બીજા પાસેથી શીખીને પણ ઝઝૂમી રહ્યો છે. એક દેશ નહી પણ વિશ્વના નાગરિક તરીકે આપણી ફરજ છે – સરકારને સમર્થન આપીએ અને દેશને બચાવીએ.

આભાર

દર્શાલી સોની