શા માટે દરેક વખતે - ‘વન મેન આર્મી’ માનસિકતા કામની નથી?

team work.jpg

તમારું શું માનવું છે? તમે બધું જ કામ એકલા કરી શકો  છો? તમે તમારા જીવનના બધા જ ધ્યેયો એકલા હાંસિલ કરી શક્યા છો કે પછી હાલમાં તમે જે કોઇપણ ધ્યેય પર કામ કરી રહ્યા છો તે તમે એકલા કરી શકશો?

જો તમારો જવાબ હા હોય તો આગળ જરૂરથી વાંચજો. કારણ કે આ એક ખોટી માનસિકતા છે - જે બદલવાની જરૂર છે. આવું શા માટે? - તેનો જ જવાબ આપણે આજના સિક્રેટમાં જાણવાના છીએ:

સફળ અને એવરેજ લોકોની માનસિકતા વચ્ચેનો તફાવત

વર્લ્ડ ક્લાસ લોકો કોઈપણ સફળતા માટે પોતાની જાતને જશ આપવાને બદલે પોતાની ટીમની મહેનતને જશ આપે છે. કોઈપણ મહાન સફળતા એકલા એકલા હાંસિલ કરી શકાતી નથી. 

"ઝાઝા હાથ રળિયામણા". 

આ કહેવત તમે અનેકવાર સાંભળી હશે, વાંચી હશે અને કદાચ બોલી પણ હશે. પણ જો ખરેખર તેને તમારી કારકિર્દીમાં ઉતારવાનું શરુ કરો તો ખ્યાલ આવશે કે જે કામ એકલા ૧૦ કલાકે થાય છે તે જ કામ જો કદાચ યોગ્ય લોકોની મદદથી કરવામાં આવે તો ૨ કલાકમાં પણ પૂરું થઇ જાય. નક્કી તમારે કરવાનું છે કે તમારા માટે જીવનનો સમય કેટલો કિંમતી છે, તમે ટીમવર્કમાં માનો છો કે નહી.

ચેમ્પિયનની માનસિકતા

વર્લ્ડ ક્લાસ લોકો તેના જેવા જ હોશિયાર લોકોની શોધમાં હોય છે. તેઓ ઉત્તમ ટેલેન્ટવાળા લોકોને શોધીને પોતાની ટીમમાં સામેલ કરે છે. ચેમ્પિયન્સ અહંકારભર્યું જીવન જીવતા નથી. તેઓ "હું મારી જાતે જ સફળ બન્યો" તેવો ફાંકો પણ રાખતા નથી. હા, તેઓને સફળતાના વખાણ સાંભળવા ગમે છે. પરંતુ તેઓ તેની સફળતાનો જશ તો તેના ટીમના સભ્યોને જ આપે છે. 

અહી એક એ માનસિકતા પણ બદલી શકો કે - તમારી ટીમમાં તમારા કરતા વધુ હોશિયાર લોકો હોય તો અચકાશો નહી. જરૂરી નથી કે તમે જ સૌથી વધુ હોશિયાર હોવા જોઈએ. ઘણીવાર તમારા કરતા તમારી ટીમ ઉત્તમ હશે તો અંતે ફાયદો તમને અને ટીમને બંનેને થવાનો છે. તેથી આવી માનસિકતા ધરાવતા હો તો તે દૂર કરી દો.

જો તમે એકલા હશો તો કોઈ મોટા વિઝન કે કોઈ મોટા પ્રોજેક્ટ માટે કામ નહિ કરી શકો. પરંતુ જો તે જ પ્રોજેકટ કે વિઝન માટે તમારી પાસે ટીમ હશે તો બની શકે તમે ઉત્તમ પરિણામ આપો. મહાન લોકોની વિચારસરણી જ અલગ હોય છે. જયારે તેની સામે કોઈ તક આવે ત્યારે તેઓ તરત જ ક્યાં પ્રકારના ટેલેન્ટની જરૂર પડશે તે વિચારવા લાગે છે. તેઓ ટીમનું કયું સભ્ય જશ લઇ જશે તેની ચિંતા જ નથી કરતા.

ઘણા પ્રોજેક્ટમાં ટીમના લીડર લીડરશીપ કરવાને બદલે માત્ર ટીમના સભ્ય બનવાનું પસંદ કરે છે. ઘણા પ્રોજેક્ટસ માટે અન્ય ટીમના સભ્યને પણ તક આપવી જોઈએ. તેથી લીડર ત્યારે પીછેહઠ કરી લે છે. તેઓ કોઈપણ સંજોગોમાં ધ્યેય હાંસિલ કરવા માંગે છે. તેથી તેઓ ટીમના મહત્વને સમજે છે.

ચેમ્પિયન્સની સફળતા અને સુખી જીવનનું રહસ્ય જાણો છો? - મહેનત અને મહેનતનું પરિણામ.

ફૂડ ફોર થોટ

એવા દસ લોકોનું લીસ્ટ બનાવો જેને તમે ભવિષ્યમાં પોતાની ટીમમાં સામેલ કરવા માંગતા હો. આ લીસ્ટમાં દરેક વ્યક્તિના નામની સામે કારણ પણ લખો કે શા માટે તમે તે વ્યક્તિને તમારી ટીમમાં રાખવા માંગો છો. હાલમાં તમારા મગજમાં કોઈ મોટો પ્રોજેક્ટ ન હોય તો પણ ટીમનું એક લીસ્ટ બનાવો. આ પ્રકારની પ્રવૃત્તિથી તમારી વિચારોની પ્રોસેસ જ બદલાઈ જશે. સમય જતા તમારા મગજમાં આ ટીમનો ઉપયોગ કરીને કયો પ્રોજેક્ટ કરાય તે પણ સમજાઈ જશે.