તમે સપનાઓ સાકાર કરવાની તાકાત ધરાવો છો?

champion.jpg

 

એવેરેજ લોકોને ખબર જ નથી કે તેઓ ધારે તે કરી શકે તેવી તાકાત અને શક્તિઓ ધરાવે છે. તેના મતે ધનવાન અને પ્રખ્યાત લોકો પાસે જ સફળ થવાની શક્તિઓ હોય છે. ચેમ્પિયન્સ તેની શક્તિઓથી સંપૂર્ણ રીતે વાકેફ હોય છે. તેઓ જાણે છે કે તેની પાસે લોકોને પોતાની અસરમાં પ્રભાવિત કરવાની, લોકોને પ્રેરણા આપવાની અને લોકોને પ્રોત્સાહન આપવાની તાકાત છે.  તેઓ પોતાનો પ્રભાવ વધારીને વધુને વધુ શક્તિશાળી બનતા જાય છે. જો નવશિખીયા લીડર્સ પણ પોતાની શક્તિઓને ઓળખી લે અને તેનો ઉપયોગ કરતા શીખી જાય તો બની શકે તેઓ પણ સફળ બની શકે. 

જો તમે કોઈ વ્યક્તિનું સાચું ચારિત્ર્ય જોવા માંગતા હો તો તેને સતા આપો. સતા મળવાથી વ્યક્તિનો ખરેખર સ્વભાવ કેવો છે તે બહાર આવે છે. જેમ કોઈ વ્યક્તિને દારૂ પીવડાવવામાં આવે તો તેના રહસ્યમય વિચારો અને વાતો બહાર આવે છે તે જ રીતે વ્યક્તિને સતા આપો ત્યારે તેનો સાચો સ્વભાવ પારખી શકાય છે. અમુક લોકોને તમે જરૂર કરતા વધુ દારૂ પીવડાવો તો તે ખૂબ જ ઉદ્ધત બની જાય છે. તે જ રીતે જો કોઈ વ્યક્તિને તેની આવડત અને ત્રેવડ કરતા વધુ સતા આપી દેશો તો તે સતાનો સાચી દિશામાં ઉપયોગ નહિ કરી શકે. પરંતુ આ જ સતા જો તમે ચેમ્પિયન્સના હાથમાં આપી હશે તો તે સતાનો ઉત્તમ રીતે ઉપયોગ કરશે.

દરેક વ્યક્તિ પર સતાની અલગ અલગ અસર થાય છે. ચેમ્પિયન્સ સતા દ્વારા પોતાની જાતને અને અન્ય લોકોને મદદ કરે છે. તેઓ સતાથી ટેવાઈ જતા નથી. તેઓ સતાનો જરૂર જેટલો જ ઉપયોગ કરે છે. તેઓ જાણે છે કે સતા કાયમી નથી. સતાનો હેતુ લોકોને મદદ કરવાનો છે અને લોકોને આગળ વધવામાં મદદ કરવાનો છે. મહાન લોકો જ સતાનો સાચી દિશામાં ઉપયોગ કરી શકે છે. તેઓ સતાનો દુરુપયોગ કરતા નથી.

અમુક અભિમાની લોકો સતાનો દુરુપયોગ કરે છે. તેઓ સતા મળતા જ અભિમાની અને લાલચુ બની જાય છે. તેઓ પોતાનું ધાર્યું કામ કરાવવા માટે સતાનો ઉપયોગ કરે છે. તેથી મોટાભાગના લોકો શક્તિશાળી વ્યક્તિને ખરાબ જ માને છે. હકીકતમાં વર્લ્ડક્લાસ લોકો સતાનો ઉપયોગ ખૂબ જ સારા કામમાં કરે છે. તેઓ લોકોને મદદ કરવામાં સતાનો ઉપયોગ કરે છે. જો અભિમાની નેતાના હાથમાં સતા આવી જાય તો કંપનીથી માંડીને દેશનું અર્થતંત્ર પણ ખોરવાઈ શકે છે.  દેશની પ્રગતિ માટે એવા લોકોના હાથમાં જ સતા આપવી જોઈએ જે સતાનો સાચી દિશામાં ઉપયોગ કરી શકે. તેમજ પોતાની જ સફળતાનું નહિ પણ બીજાની સફળતા વિશે પણ વિચારે.

ફૂડ ફોર થોટ

"હું મારી સતા અને શક્તિઓનો ઉપયોગ અભિમાનથી કરું છું કે લોકોને મદદ કરવા માટે કરું છું?"

સજાગ બનીને એવું વર્તન કરો જેથી લોકોને એવું ન લાગે કે તમે સતાનો દુરુપયોગ કરી રહ્યા છો. સતાનો દુરુપયોગ કરવો તે અભિમાની વ્યક્તિની નિશાની છે. જો તમે નમ્ર બનીને સતાનો ઉપયોગ કરતા હશો તો તમે બીજા લોકોનું કલ્યાણ કરવા પર પણ ધ્યાન આપી શકશો. વિનમ્ર બનીને સતાનો ઉપયોગ કરવાથી તમારી અંદર પ્રેમની લાગણીઓ જન્મશે. જેથી તમને તમારી આવડત અને બીજા લોકોની આવડત પર પણ ભરોસો આવશે. આવી માનસિકતા ત્યારે જ કેળવી શકશો જયારે તમે અભિમાનની પરે જઈને સતાનો ઉપયોગ કરતા હશો. આ સતાની રમત રેડીઓની ફ્રિકવન્સી જેવી છે. રેડીઓમાં સાચી ફ્રિકવન્સી અને યોગ્ય સિગ્નલ આવતા હશે તો જ તમને સ્પષ્ટ સંગીત સંભળાશે. તે જ રીતે જો તમારા વિચારો સારા હશે, નમ્ર હશો અને સતાનો સાચી દિશામાં ઉપયોગ કરતા હશો તો જ સફળતા મળશે.