તમે સતત શેના વિશે વિચારો છો?

goals - champion board.png

મથાળું વાંચીને તમને એવું લાગી શકે કે આ તે વળી કેવો પ્રશ્ન? કારણ કે તમે કોઈ એક જ વિચાર પર તો સતત કામ નહી કરતા હો. દિવસમાં હજારો વિચારો આવતા હશે અને હજારો વિચારોમાં ઘણા કામના તો ઘણા નકામાં હશે. હવે પ્રશ્ન ખરો એ છે કે તમે ક્યાં વિચારોને સૌથી વધુ મહત્વ આપો છો. આજના સિક્રેટમાં આ વિચારો વિશે જ વાત કરવી છે. તો શરુ કરીએ:

દર વર્ષે શરુ કરેલ શરૂઆત લાંબી ચાલે છે ખરી?

તમે દર બેસતા વર્ષે નવા સંકલ્પો અને ધ્યેયનું લીસ્ટ બનાવો. અઠવાડિયા પછી ક્યાં ધ્યેય અને ક્યાં સંકલ્પો? – જો તમે તમારા ધ્યેયો અને સંકલ્પો પ્રત્યે સમર્પિત જ ન હો – તો ભૂલી જજો કે સફળ બની શકાય. વર્લ્ડક્લાસ લોકો બેસતા વર્ષની રાહ જોતા નથી. તેઓ દરરોજ નવા નવા ધ્યેયો નક્કી કરે છે અને તે ધ્યેય પૂરા કરવા સતત કામ કરતા રહે છે. ચેમ્પિયન્સનું વર્તન – “ગોલ સેટિંગના મશીન” જેવું હોય છે. તેઓ એકવાર કોઈ રૂટીન કે ધ્યેય નક્કી કરી લે પછી પણ તેમાં સતત સુધારા કરતા રહે છે.

માનસિક સ્પષ્ટતા

ચેમ્પિયન્સના મતે સફળતાનો ખેલ એક શબ્દ પર ટકેલો છે – “મેન્ટલ ક્લેરિટી – માનસિક સ્પષ્ટતા” તમે તમારા ધ્યેયો અને સપનાઓ માટે જેટલા વધુ સ્પષ્ટ હશો તેટલી વધુ ઝડપથી સફળતા મેળવી શકશો. જો તમને જ ખબર નહિ હોય કે તમારે શું કરવું છે અને શા માટે કરવું છે તો સફળતા પાછળ ભાગવાનો કોઈ જ મતલબ નથી.

ચેમ્પિયન્સ દરરોજ તેના ધ્યેય વિશે વિચારે છે, ધ્યેય પૂર્ણ કરવા માટેની ટેકનીક્સ ચકાસે છે અને અંતમાં જરૂર લાગે તો ધ્યેયમાં ફેરફાર પણ કરે જ છે. ચેમ્પિયન્સની સફળતાનું રહસ્ય જાણો છો? – તેઓ સતત તેના ધ્યેય વિશે વિચારતા રહે છે. તેઓ તેના ધ્યેયના વિચારોથી ક્યારેય થાકતા નથી.

અમેરિકા જેવા વિકસિત રાષ્ટ્રમાં પણ માત્ર ૩% લોકો જ એવા છે કે જેઓ તેના ધ્યેય પ્રત્યે સ્પષ્ટ છે.  ૧% થી પણ ઓછા લોકો એવા હોય છે જે ખરેખર તેના ધ્યેયને હાંસિલ કરે છે. મહાન લોકો દરેક બાબત ઊંડાણપૂર્વક સમજે છે અને બધી જ માહિતી પર પૂરતું ધ્યાન આપે છે. તેથી જ તેઓ મિડલક્લાસ લોકો કરતા વધુ સફળ હોય છે.

સમસ્યા ક્યાં આવે છે?

ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મિડલક્લાસના લોકો ધ્યેય તો નક્કી કરે છે. પરંતુ તેની પાસે પૂરતી તકો અને જ્ઞાન હોતું નથી. તેથી તેઓ આગળ વધી શકતા નથી. વર્લ્ડક્લાસ લોકો દરરોજ પોતાની જાત સાથે વાત કરીને અર્ધજાગૃત મનમાં સપનાઓને ઠસાવી દે છે. તેથી તેનું મન અને મગજ તેના કાબૂમાં આવી જાય છે.

એકાગ્રતા

મહાન લોકોના મગજ એક મિસાઈલ જેવા હોય છે. તેને જે દિશામાં વાળો તે દિશામાં વળે. તેને જે ધ્યેયરૂપી ટાર્ગેટ આપો તે જ ટાર્ગેટ પર તે ફોકસ કરે. જો તમે હકારાત્મક બાબતો પર ધ્યાન આપશો તમારા જીવનમાં વધુ હકારાત્મક ઘટનાઓ ઘટશે. આ જ વાત નકારાત્મક વાતોમાં પણ લાગુ પડે છે. મહાન લોકોને જ્યાં સુધી તેનો મુખ્ય ધ્યેય ન મળે ત્યાં સુધી તેઓ તેની જ્ઞાનની સફર ચાલુ રાખે છે. જયારે મોટાભાગના લોકો ગમે તે દિશામાં મહેનત કરવા લાગે છે. ગમે તે રસ્તો તમને તમારી મંઝીલ સુધી નહિ પહોંચાડી શકે. સફળતાની ટોચ પર પહોંચવા માટે સાચી સીડી શોધવી પડશે.

ફૂડ ફોર થોટ

તમારા જીવનના દસ મુખ્ય ધ્યેય નક્કી કરો. તે ધ્યેયનું એક લીસ્ટ બનાવો. દરરોજ સવારે જાગીને આ ધ્યેયોને વાંચો. આ આદત દ્વારા તમારા ધ્યેયો અર્ધજાગૃત મનમાં ઘર કરી જશે. જયારે કોઈ વિચારને અર્ધજાગૃત મન સ્વીકારી લે છે ત્યારે તે વિચારને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવો સહેલો બની જાય છે. આવી આદતો થકી જ વર્લ્ડક્લાસ ચેમ્પિયન બની શકાય છે.