તમે લોકોને મદદ કરો છો?

help people.jpg

તમે લોકોને મદદ કરો છો?

જયારે તમે બીજા લોકોને મદદ કરો - બીજા લોકોને તમારી આવડતરૂપી સર્વિસ આપો ત્યારે તમને સફળ થયાની અને સંતોષની લાગણી અનુભવાય છે. વર્લ્ડ ક્લાસ લોકો પોતાના ધંધાકીય ક્ષેત્રમાં અને વ્યક્તિગત જીવનમાં પોતાની જાતને નોકર માને છે. અહી નોકરનો કોઈ છીછરો અર્થ કાઢવાની જરૂર નથી. વર્લ્ડ ક્લાસ લોકોનો હેતુ સેવાનો હોય છે. નવશિખીયા લીડર્સ ડરી ડરીને જીવતા હોય છે. દરેક વર્લ્ડ ક્લાસ વ્યક્તિ એક સમયે તો નવશિખીયો લીડર જ હતો. તેઓએ પણ એકદિવસ સવારે જાગીને નક્કી કર્યું કે હવે તેઓ પોતાની જાતને બદલવા માંગે છે. પોતાની જાતને વિકસાવવા માંગે છે. તેથી જ વર્લ્ડ ક્લાસ લોકોને નવશિખીયા લીડર્સ પ્રત્યે સહાનુભૂતિ હોય છે. તેઓ સતત નવશિખીયા લીડર્સને આગળ વધવા માટે પ્રોત્સાહન આપતા રહે છે.

ચેમ્પિયન્સ માને છે મહાન લોકો મહાન એટલા માટે હોય છે કારણ કે તેઓ એકબીજાને મદદ કરીને આગળ વધવાની ભાવના ધરાવે છે. મદદ કરવાની ભાવના કેળવવા માટે અહંકારને ત્યજવો પડે છે. તેમજ હકારાત્મક વલણ અપનાવવું પડે છે. ચેમ્પિયન્સ કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વગર લોકોની મદદ કરે છે. અહી કારણ અને પરિણામનો સિદ્ધાંત લાગુ પડે છે. જો તમે કોઈને મદદ કરશો તો તમારે પણ જયારે જરૂર હશે ત્યારે મદદ મળી જ જશે. મિડલ ક્લાસ લોકો આ સિદ્ધાંતને સમજી શકતા નથી. તેથી જ તેઓ સફળ બની શકતા નથી.

આપણે જયારે નાના બાળકો હતા ત્યારે આપણને શીખવાડવામાં આવતું - આપણે જેટલું વધુ આપીએ તેટલું જ વધુ આપણને મળે છે. આપણે મોટા થઈને આ સમજણ ભૂલી ગયા છીએ. હકીકતમાં આ સલાહ જીવનના દરેક તબ્બકે કામ આવે તેવી છે. તેથી જ કદાચ નવશિખીયા લીડર્સ હંમેશા પોતે કઈ આપ્યા વગર સામેવાળા વ્યક્તિ પાસેથી કેટલું મેળવી શકે છે તે વિચારે રાખે છે. તેનામાં આપવાની અને મદદ કરવાની ભાવના મરી પરવારી હોય છે. જયારે ચેમ્પિયન્સ કોઈપણ જાતની અપેક્ષા વગર પ્રેમથી આપ્યે જ રાખે છે. 

જો તમે આપશો તો તમને પણ મળશે જ - આ સિદ્ધાંત દરેક વ્યક્તિ માટે સાચો જ છે. ફર્ક માત્ર એટલો છે કે મિડલ ક્લાસ લોકો આ સિદ્ધાંતને સમજી શકતા નથી. તેઓને એવો ડર હોય છે કે જો તેઓ મદદ કરશે તો તેને બદલામાં કઈ નહિ મળે તો? તેઓ ફરીથી દુઃખી થઇ જશે. તેઓને ફરીથી અફસોસ થશે કે શા માટે મદદ કરી. આવા વિચારોને કારણે મિડલ ક્લાસ લોકો મદદ કરતા ખચકાય છે. ડરના કારણે તેઓ ક્યારેક યોગ્ય વર્તન પણ કરી નાખે છે. જયારે વર્લ્ડક્લાસ લોકો કોઈપણ જાતની અપેક્ષા વગર લોકોને નિ:સ્વાર્થ ભાવથી મદદ કરે રાખે છે. તેઓને જયારે મદદની જરૂર પડે ત્યારે તેને પણ મદદ મળી જ જાય છે.

ફૂડ ફોર થોટ

પોતાની જાતને નીચેનો પ્રશ્ન પૂછીને ૧ થી ૭ના સ્કેલ પર માપો:

"શું મારી આદતો, વર્તન અને પ્રવૃતીઓ એવી છે કે જેનાથી કોઈને મદદ થતી હોય?શું હું કારણ અને પરિણામના નિયમને સમજું છું? શું હું ખરેખર લોકોને મદદ કરવામાં માનું છું?"