તમારી કમ્યુનિકેશન સ્કીલ કેવી છે?

communication by darshali soni.jpg

તમે પાંચ કે પાંચસો લોકોની વચ્ચે સરળતાથી બોલી શકો છો? કે પછી અચકાય જાવ છો? ચાલો આટલા બધા લોકોની વાત છોડી દઈએ – તમે તમારા ક્લાયન્ટ સાથે કે પછી તમારા બોસ સાથે કે પછી તમારા સહકર્મચારી સાથે કે પછી તમારી જીવનસંગીની સાથે પણ ખુલ્લીને વાત કરી શકો છો? તમારો જવાબ જ તમને જણાવી દેશે કે તમારે કમ્યુનિકેશન સ્કીલ પર કેટલું કામ કરવાની જરૂર છે.

આજના સિક્રેટમાં એ જ વાત કરવી છે કે ચેમ્પિયન બનવા માટે તમારી કારકિર્દી અને જીવન બંને તબક્કામાં કમ્યુનિકેશનનું કેટલું મહત્વ છે અને તમે પણ આ સ્કીલ કેવી રીતે કેળવી શકો છો. તો શરુ કરીએ:

તમારે કેવા વ્યક્તિ બનવું જોઈએ?

સફળતા મેળવવા માટે તમારી પાસે અનેક આવડતો હોવી જોઈએ. તેમાંની એક આવડત અતિ મહત્વની છે – તમે લોકો સાથે કઈ રીતે વ્યવહાર કરો છો તેની આવડત. કોઈપણ ધંધામાં તમારો પનારો લોકો સાથે જ છે. તેથી એવા વ્યક્તિ બનો કે જેથી લોકોને તમારી સાથે વાતો કરવી ગમે.

ચેમ્પિયન કઈ રીતે અલગ પડે છે?

એવરેજ લોકો તેના ગ્રાહકો સાથે સંબંધો વિકસાવવા માટે અને લોકોને પ્રભાવિત કરવા માટે તર્કનો ઉપયોગ કરે છે. જયારે ચેમ્પિયન્સ જાણે છે કે – દરેક માનવી એક લાગણીશીલ પ્રાણી છે. લોકોને પોતાના કરવા માટે તર્ક નહિ પણ લાગણી કામમાં આવે છે. તેથી ચેમ્પિયન્સ લોકો પ્રત્યે અલગ અભિગમ અપનાવે છે. એવરેજ લોકો પોતાનો ફાયદો થાય તે બાબતને જ ધ્યાનમાં રાખીને કામ કરતા હોય છે. તેથી જ લોકો તેનાથી વધુ દૂર ભાગે છે. કારણ કે તેઓ લાગણીઓ અને સામેવાળાની ખરી જરૂરિયાત શું છે તે સમજી શકતા નથી.

ચેમ્પિયનની ફોર્મ્યુલા શું છે?

ચેમ્પિયન્સ સફળતાનો બીજમંત્ર જાણે છે – લોકોને તેની ઈચ્છા પૂરી કરવામાં મદદ કરો અને લોકોને સાંભળો. દરેક વ્યક્તિને પોતે મહત્વના છે તેવું અનુભવવું ગમે છે. જો એ લાગણી તમે કોઈપણ વ્યક્તિને આપી શકો તો તે બહુ જલ્દી તમારી સાથે લાગણીના સંબંધોથી જોડાઈ જશે.

લોકોને શું જોઈએ છે?

ડોક્ટરથી લઈને બસ ડ્રાઈવર સુધી બધા જ લોકોને – “મને કોઈ સ્વીકારે અને સમજે” તેવી લાગણીની ભૂખ હોય છે. વર્લ્ડક્લાસ લીડર્સ લોકોની આ ભૂખને સંતોષે છે. ચેમ્પિયન્સની ભાષા જ એવી હોય છે કે લોકો તરત જ તેની સાથે પોતીકું અનુભવવા લાગે છે. ધંધામાં એવરેજ લોકો સ્વાર્થના કારણે તેના કર્મચારીઓ સાથે વાતો કરે છે. જયારે મહાન લોકો માટે સ્વાર્થ કરતા સંબંધો નિભાવવા વધુ જરૂરી હોય છે.

મહાન લોકો બીજાને સાંભળે છે, તેને મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પ્રયત્નો કરે છે. તેઓનો દ્રષ્ટિકોણ જ અલગ હોય છે. તેથી બધા લોકો ચેમ્પિયન્સથી વધુ પ્રભાવિત થઇ જાય છે. તમારા ફાયદા કરતા સંબંધોને વધુ મહત્વ આપો.

ફૂડ ફોર થોટ

હવેથી તમે જયારે પણ બહાર જાવ ત્યારે બધા લોકો સાથે નમ્રતાથી વાત કરો. તમારી વાત કરવાની શૈલી કેવી છે તેના પર ધ્યાન આપો. તમે બધા જ લોકો સાથે વિનમ્રતાથી વાત કરો છો કે તમને ગમતા લોકો સાથે જ યોગ્ય રીતે વાત કરી શકો છો?

સામેવાળું વ્યક્તિ અને તેની લાગણીઓ તમારા માટે મહત્વની છે તેવું જતાવો. જેમ કે વાતો કરતી વખતે લોકોના નામ યાદ રાખો. જયારે બીજીવાર તે જ વ્યક્તિને મળો ત્યારે તેને નામથી સંબોધશો તો તેને ગમશે. લોકો સાથે ઉત્તમ રીતે વર્તન કરવું – આ વ્યવહારને તમારી આદત બનાવી લો. આ આદતથી લોકો તમને યાદ રાખશે અને તમારો આદર કરશે.

કમ્યુનિકેશન સ્કીલ શીખવા માટે અનેક પુસ્તકો પણ વાંચી શકો છો. જો કે એ પુસ્તકો ત્યારે જ કામમાં આવશે જયારે તમે તેમાંથી શીખેલી બાબતોને અમલમાં મૂકશો.