ટીકા તો પ્રસંશા કહેવાય!

secret no 23.jpg

ટીકા તો પ્રસંશા કહેવાય!

માની લો કે તમે હમણાં હમણાં જ નવો ધંધો શરુ કર્યો છે. તમારો આઈડિયા બધાથી થોડો અલગ છે. માની લો કે તમારો આઈડિયા ખુરાફાતી છે. બની શકે સમાજ કે તમારું માર્કેટ તેને ન સ્વીકારે. તમારા પર ટીકાનો વરસાદ થવા લાગે. તમને નજીકના લોકો પણ પાછળ વળવાનું કહેવા લાગે. આવા સમયે તમે શું કરશો?

બધાની ટીકાથી નિરાશ થઇ શકો? તમારા આઈડિયા વિશે તમે પણ ખરાબ વિચારવા લાગશો? બધાની ટીકાની અસર તમારા કામ પર પડવા લાગશે? કે પછી તમે ટીકાને શાંતિથી સાંભળી લેશો. પણ તેની તમારા પર કોઈ અસર નહી પડવા દો. જરૂર લાગે ત્યારે સુધારા કરી લેશો. બાકી ટીકાને હાવી નહી થવા દો.

તમે ઉપરના ક્યાં રિએક્શનને અપનાવો છો તેના પરથી નક્કી થશે કે તમે ચેમ્પિયન છો કે એક એવરેજ વ્યક્તિ. આજના સિક્રેટમાં વાત કરવી છે – ટીકાની.

જીવનમાં અનેક તબક્કાઓ એવા આવશે જેમાં લોકો તમારી, તમારા વિચારોની કે તમારા ધંધાની ટીકા કરશે. આવા સમયે તમે એક ચેમ્પિયન બનીને કઈ રીતે કામ કરો છો તે જ મહત્વનું છે.

ચાલો એક નવો દ્રષ્ટિકોણ સમજીએ. જયારે પણ તમારી કોઈ ટીકા કરે ત્યારે તેને પ્રશંસા સમજો. ટીકા પણ એમ જ ન કરી શકાય ને. તે વ્યક્તિએ તમારા આઈડિયામાં ધ્યાન આપીને નિરિક્ષણ કર્યું હશે. ત્યારે જ તે ટીકા કરી શકતો હશે એવો આપણે માની લઈએ. બની શકે તે ટીકામાંથી તમને તમારા આઈડિયાને વધારે સારો કેમ બનાવવો તે ખબર પડશે. બની શકે તેની ટીકા ખોટી હોય તો તમારે ધ્યાનમાં જ નહી લેવાની. બની શકે તેની ટીકા તમને કોઈ એક નવો જ આઈડિયા આપી દે.

જો કે આ દ્રષ્ટિકોણ અપનાવવો સહેલો નથી. સામાન્ય રીતે આપણને કોઈ ટીકા સાંભળવા મળે એટલે તરત દલીલ પર ઉતરી આવીએ છીએ. અથવા ગુસ્સે થઇ જઈએ છીએ. અથવા તો હતાશ થઇ જઈએ છીએ. અને જો આપણા પર અહંકાર હાવી હોય તો તોછડો જવાબ આપી દઈએ છીએ. તમારે ચેમ્પિયન બનવું હોય તો આ કોઇપણ રિએક્શન અપનાવવાનું નથી.

“લાગણીના રાજા બની જાવ. દુનિયા તમારી જ છે.”

તમારે એક તટસ્થ વ્યક્તિ બનવાનું છે. જે લાગણીઓને પૂરી રીતે કાબુ કરી શકતો હોય. જે ક્ષણીક આવેગોથી એક્શન ન લઇ લેતો હોય. જે એક સારો શ્રોતા હોય. જે ટીકાને એક તરફ રાખીને પોતાના ધ્યેય પ્રત્યે જ સજાગ હોય. જે પોતાના ધ્યેયને પૂરા કરવા પર જ ધ્યાન આપતો હોય. જો તમે બધાં લોકોનું સાંભળવા બેસી જશો તો ક્યારેય જીવનમાં આગળ વધી નહી શકો. એક ચેમ્પિયન તરીકે તમને એ પણ ખબર હોવી જોઈએ કે ક્યારે ક્યાં વ્યક્તિની ટીકા સાંભળવી અને ક્યારે નહી.

કંગના રાણાવતનું જ ઉદાહરણ લઇ લો ને. એક એવી અભિનેત્રી કે જેના કામને, જેના પાત્રોને અને જેના વ્યક્તિત્વને કેટલી ટીકાઓનો ભોગ બનવું પડ્યું છે. આમ છતાં તેણીએ હાર નથી માની. કંગના તેનું કામ કરતી જ રહે છે. તેના કામને સમાજ આવકારે તો પણ ભલે અને ના આવકારે તો પણ ભલે.

તમે પણ આવી માનસિકતા અપનાવો. એવરેજ લોકો બીજાના અભિપ્રાયોથી તરત જ પ્રભાવિત થાય છે. તેઓ બીજા લોકોના વિચારોને એટલા સાચા માની લે છે કે તેઓ પોતાના વિચારો ભૂલી જાય છે. તેઓ એક નાની એવી ટીકાનો સામનો કરવો પડે તો પણ હાર માની લે છે.

હકીકતમાં તો એવરેજ લોકો આળસુ હોય છે. તેથી તેઓ હાર માની લે છે. બાકી ચેમ્પિયનને ખરેખર આગળ વધવું હોય છે. તેથી તે એક નહી પણ ૧૦૦ ટીકાનો સામનો કરવો પડે તો પણ પીછે હઠ કરતા નથી. આગળ વધતા રહે છે. એક જ વિચાર –


“ટીકા એક અભિપ્રાય માત્ર છે. સત્ય નથી.”

ફૂડ ફોર થોટ

હવે કોઈ તમારી ટીકા કરે તો તમારી અંદર લાગણીઓમાં શું ખળભળાટ થાય છે તે જુઓ. જો તમે ડીસ્ટર્બ થઇ જતા હો તો તમારે મેન્ટલી ટફ બનવાની જરૂર છે. તમારી લાગણીઓ પર સૌથી વધુ ધ્યાન આપો.

આભાર

દર્શાલી સોની