Skyfall

skyfall by darshali soni.jpg

સ્કાય ફોલ - જેમ્સ બોન્ડ ઈઝ હિઅર!

નાનપણથી તમે જેમ્સ બોન્ડના અનેક મુવીઝ, કાર્ટૂન જોયા હશે. તેમાં પણ જો તમે વાંચવાના શોખીન હશો તો તમે જરૂરથી જેમ્સ બોન્ડની નોવેલ્સ પણ વાંચી હશે. આમ પણ એવો વ્યક્તિ કોને ના ગમે જેની પાસે બધું જ હોય - લેટેસ્ટ ટેકનોલોજી ગન, કાર, સુંદર સ્ત્રીઓ અને નાણા. તમને એવું થતું હશે કે આવું તો વાસ્તવિક જીવનમાં કઈ રીતે શક્ય છે? એટલે જ કદાચ લોકોને એવા પાત્રો વધારે ગમતા હોય છે જે પોતે ક્યારેય જીવી શકે તેમ ના હોય. ચાલો હું તમને થોડો ઈતિહાસ જણાવી દઉં- જેમ્સ બોન્ડ વિશે.

વાત છે ૧૯૫૩ની. એક લેખકે એક એવા પાત્રને જન્મ આપ્યો જે સદીઓ માટે અમર થઇ ગયો. એક એવો બ્રિટીશ સિક્રેટ એજન્ટ કે જેની પાસે બધી જ ખૂબીઓ છે. તેની પાસે અનેક સિક્રેટ પ્રોજેક્ટ્સ છે. તે ક્રાઈમનો વિનાશ કરે છે. તેની પાસે ચાલાકીનો ગુણ છે. જે તેને દરેક વખતે જીતાડી દે છે. આ જ પાત્ર એટલું પ્રખ્યાત થઇ જાય છે કે તેના પર અનેક નોવેલ્સ તો બને છે પણ સાથોસાથ - ટીવી શો અને અનેક મુવીઝ પણ બને છે. આવા પાત્રને જન્મ આપનાર લેખકનું નામ છે - ઇઆન ફ્લેમિંગ.

જેમ્સ બોન્ડ પર અનેક મુવીઝ બન્યા. તેમાં મારું સૌથી પ્રિય છે - સ્કાયફોલ અને કેસીનો રોયલ. હા, જેમાં ડેનિયલ ક્રેગ જેમ્સ બોન્ડનું પાત્ર ભજવે છે. જો કે આ પાત્ર ભજવવા માટે પણ જીગર જોઈએ. એક એજન્ટ - તેની બોસ - "એમ", ક્રાઈમ અને એક સુંદર ગર્લફ્રેન્ડ - બસ આમાં જ ઘણા મુવીઝ બની ગયા.

દર વખતે એક અલગ મિશન અને દુશ્મન સાથે મુવી દેખાડવામાં આવે છે. તેમાં આ સ્કાયફોલ મુવી આવ્યું ૨૦૧૨માં. બે ઓસ્કાર પણ જીતી ગયું અને એડેલે ગાયેલું "સ્કાયફોલ" ગીત સૌથી વધુ પ્રખ્યાત પણ થઇ ગયું. મૂવીની સ્ટોરી જાણવા કરતા આ પાત્રમાંથી તમે શું શીખી શકો તેમ છો તે જાણો. આ મુવીમાં કઈ રીતે એક મિશનના કારણે જેમ્સ બોન્ડનો ભૂતકાળ તેની સામે આવે છે, કઈ રીતે તે તેની બોસ "એમ" ને બચાવે છે અને કઈ રીતે દુશ્મનને માત આપે છે તેની વાત છે. તો ચાલો હવે જાણીએ શું શીખવે છે જેમ્સ બોન્ડ:

૧ વફાદારી

જીવનમાં તમે ધંધો કરો કે પછી નોકરી - વફાદારીનો ગુણ સૌથી વધુ મહત્વનો છે. તે પછી તમારી કંપની, બોસ કે તમારું કામ હોય. જેમ્સ બોન્ડની તેની બોસ "એમ" પ્રત્યેની વફાદારી વખાણવા લાયક છે. વફાદારીનો ફાયદો શું તે જાણો છો? - તમારે ડરીને જીવવું નહી પડે. તમારે ખોટું બોલવું નહી પડે. તેનાથી તમે માનસિક તણાવ નહી અનુભવો અને તમે વિશ્વાસુ વ્યક્તિ પણ બની શકો. આ મુવીમાં પણ કઈ રીતે જેમ્સ પોતાના જીવના જોખમે વફાદારી નિભાવે છે તે તમે જોઈ શકશો.

૨ ઉંમર અને ક્ષમતા

તમે સિક્રેટ એજન્ટ હો કે પછી ધંધાર્થી હો કે કર્મચારી - એક માન્યતા તમે સાંભળી જ હશે - "એક ઉંમર પછી શારીરિક અને માનસિક ક્ષમતા ઘટી જાય છે. જેમ્સ બોન્ડ આ વાતને ખોટી સાબિત કરી બતાવે છે. એટલું જ નથી તમે વાસ્તવિક જીવનમાં પણ જોઈ લો ને - ગાય કાવાસાકી, સ્ટીવ જોબ્સ, એલન મસ્ક અને હા આપણા નરેન્દ્ર મોદીને પણ કેમ ભૂલી શકાય. તમારા મનમાં જો આ માનસિકતા હોય તો કાઢી નાખજો. ઉંમર સાથે પેશન અને કામને કોઈ લેવાદેવા નથી.

૩ સર્વાંઈવર

એક સાયકોલોજી છે - તમે જયારે ૫ થી લઈને ૧૪ વર્ષના હો ત્યારે તમારી આસપાસ જે વાતાવરણ અને લોકો હોય તેની તમારા વ્યક્તિત્વ પર અને વિચારો પર સૌથી વધુ અસર જોવા મળે છે. ટૂંકમાં તમારી આસપાસનું વાતાવરણ જ તમને ઘડે છે. જેમ્સ બોન્ડ અનાથ છે. તેને જે રીતે ટ્રેઈન કરવામાં આવ્યો તેવો તે બની ગયો. બસ આવું જ કંઇક દરેક વ્યક્તિ સાથે થતું હોય છે - કોઈ સર્વાંઈવર બની જાય છે તો વળી કોઈ ચેમ્પિયન તો વળી કોઈ એક સાધારણ સામાન્ય વ્યક્તિ. તમારે શું બનવું છે? તે તમારે નક્કી કરવાનું છે.

જેમ્સ બોન્ડના દરેક મુવી તમને ઘણું શીખવાડશે જો શીખતા આવડશે તો. સ્કાયફોલ ના જોયું હોય તો જોઈ લો. કદાચ કંઇક હિન્ટ મળી જાય તમને તમારા જીવનના જેમ્સ બોન્ડ બનવા માટે.

આભાર

દર્શાલી સોની