Budapest

budapest movie.jpg

ખરા સાહસિક કે જુગાડી?

૨૦૧૮માં એક એવું મૂવી આવ્યું જે તમને લોકોને મનોરંજન આપીને ધંધો કેવી રીતે કરવો તેના અનેક આઈડીયાઝ આપી જશે. વિદેશમાં વર્ષોથી લગ્ન પહેલા બેચલર પાર્ટીનું આયોજન કરવાનું, બીજા શહેરમાં જઈને મજા કરવાની, લગ્ન પહેલાના દિવસો મિત્રો સાથે ખૂબ જ આનંદ અને મોજ-મજા સાથે માણી લેવાનો ટ્રેન્ડ છે. જો કે હવે આ ટ્રેન્ડ ભારતમાં પણ બહુ પ્રખ્યાત થવા લાગ્યો છે.

વિન્સેન્ટ અને આર્નોલ્ડ મૂવીના બે મુખ્ય પાત્રો છે. બંને મિત્રોને પોતાની નોકરીમાં રસ નથી, તેઓ હવે તેની નોકરીથી કંટાળી ગયા છે – તેને પણ જલસા કરવા છે, મોજ-મજાવાળું જીવન જીવવું છે. તેઓના જીવનમાં અમુક ઘટનાઓ અસ્તિત્વમાં આવે છે તેના લીધે એક સ્ટાર્ટઅપનો આઈડિયા આવે છે – બેચલર પાર્ટીનું આયોજન કરી દેવું – તેઓને બુડાપેસ્ટ લઇ જવા અને જેટલા દિવસ માટેનું પેકેજ હોય તેટલા દિવસ સવારથી આખી રાત લોકોને જલસા કરાવવા.

આ કંપનીને કોઈ ટ્રાવેલ એજન્સી ન માની લેતા. કારણ કે વિન્સેન્ટ અને આર્નોલ્ડની કંપની લોકોને મનોરંજનનો વાયદો આપે છે – અદ્ભુત અને અનેક પ્રકારના મનોરંજનનો. તેઓનો બિઝનેસ આઈડિયા સોલીડ હોય છે. બુડાપેસ્ટમાં પાર્ટી કરવાનો – જલસા કરવાનો ખર્ચ ઓછો થાય છે – જેને લગ્ન પહેલા બેચલર પાર્ટી કરવી છે તે અને તેના મિત્રો પૈસા ખર્ચવા તૈયાર હોય છે – બસ આ જ બે વિચારનો ફાયદો ઉઠાવીને વિન્સેન્ટ અને આર્નોલ્ડ તેની કંપની શરુ કરે છે. સમય સાથે નફો વધતો જાય છે – મુશ્કેલીઓ તો તેના ગ્રાહકો ઉભી કરે છે – ઉંધા કામ કરીને. આમ છતાં તેઓ તે મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો પણ જુગાડ શોધી લે છે.

મનોરંજનની દુનિયા તમને ભ્રમમાં નાખી શકે છે, વર્તમાન ભુલાવી દે છે, તમારામાં લાલચ અને સેક્સની ભૂખ વધારી શકે છે. એવું જ કંઇક વિન્સેન્ટ સાથે થાય છે. વિન્સેન્ટ અને આર્નોલ્ડ પરિણીત હોય છે – આમ છતાં વિન્સેન્ટ તેના લગ્નજીવનને ભૂલીને ગ્લેમરની દુનિયામાં ખોવાઈ જાય છે અને બુડાપેસ્ટ રહેવા જતો રહે છે. દરેક કંપનીની જેમ વિન્સેન્ટ અને આર્નોલ્ડની કંપનીમાં મુશ્કેલી આવે છે – આ મુશ્કેલી વિન્સેન્ટની પત્ની લાવે છે. તેણીએ કંપનીમાં નાણાનું રોકાણ કરેલું હોય છે તેથી તેણી કંપની પોતાની માલિકીની કરી લેવા આવી જાય છે.

શું વિન્સેન્ટનું લગ્નજીવન ફરીથી સાચી રાહ પર આવે છે? વિન્સેન્ટ અને આર્નોલ્ડનો આ મનોરંજન વેચવાનો ધંધો સફળતા હાંસિલ કરે છે? તે બંનેની પત્નીઓ ભેગી મળીને ક્યાં નવા આઈડિયાને સફળતાના શિખર પર પહોંચાડે છે? જયારે મનોરંજનની વાત આવે ત્યારે કેટલી હદે માનવી પાસે વિકલ્પો હોય છે? ક્યારેક આ મનોરંજન કેવી રીતે માનવીને જીવનના અને સંબંધોના સત્ય સમજાવી દે છે – આ બધું જાણવા માટે તમારે મુવી જોવું રહ્યું. ફેંચ મુવી છે. પણ તમે અંગ્રેજી ભાષામાં જોઈ શકશો.

આ મુવી કોમેડી છે – કોઈ પ્રેરણા લેવા જેવું કે બધા સાથે બેસીને જોઈ શકે તેવું નથી – જો કે તમારો મુવી જોવા માટેનો દૃષ્ટિકોણ કેવો છે તે પણ મહત્વનું છે. થોડું હળવું અને જુગાડી લોકોની મુસાફરીનો ભાગ બનવા માટે થઈને આ મુવી જોઈ શકાય.